પોરબંદરના દેગામ ગામે સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા યુવાન પાસેથી રાણા વાડોત્રાના વ્યાજખોરે 1.5 લાખના 21 લાખ રૂપિયા વસૂલ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના આર.જી.ટી. કોલેજ કેમ્પસમાં રહેતા દેગામ ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ભરતકુમાર આલાભાઇ મકવાણા(ઉવ ૪૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ વર્ષ 2011 થી વર્ષ 2017 સુધી રાણા વાડોત્રા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. એ સમય દરમિયાન વર્ષ 2014માં ભરતકુમાર આર્થિક સંકળામણ માં ફસાઈ જતા રૂપિયાની જરૂરિયાત ઊભી થતી હતી તેથી તેના સાથી શિક્ષક મુળુભાઈ ગોવિંદભાઈ વરુને વાત કરતા તેણે એવું જણાવ્યું હતું કે હાથ ઉછીના રૂપિયા નહીં મળે પરંતુ વ્યાજે રૂપિયા મળશે. શાળાની પાસે જ કરિયાણાની દુકાન ચલાવતા માલદે લીલા વાઢીયા વ્યાજે રૂપિયા આપે છે તમારે જરૂરિયાત હોય તો હું વાત કરી દઉં. ફરિયાદી ભરત કુમારે તેના સાથી શિક્ષક મુળુભાઈ ને હા પાડતા માલદે ને વાત કરતા તેણે એવું જણાવ્યું હતું કે તમારે ત્રણ કોરા ચેક આપવા પડશે. આથી ફરિયાદી એ હા પાડતા દોઢ લાખ રૂપિયા લીધા હતા અને મહિને 4% વ્યાજ આપવું પડશે તેવું જણાવ્યું હતું.
ત્યારબાદ માલદે ને રકમનું વ્યાજ આપવા જતા તેણે એવું જણાવ્યું હતું કે તમારું વ્યાજ 6,000 થાય છે પરંતુ તમે 15 દિવસ મોડા આવ્યા છો એટલે પેનલ્ટી સાથે 8000 આપવા પડશે. આથી ફરિયાદીએ 8000 આપ્યા હતા અને ત્યારબાદ દર મહિને 6000 આપતા હતા અને જ્યારે જ્યારે વ્યાજની રકમ આપી શકે નહીં ત્યારે પેનલ્ટી ચડાવી દેવામાં આવતી હતી. આમ કટકે કટકે મૂળ રકમના અઢી ત્રણ લાખ થઈ જતા માલદે એ ફરીથી ત્રણ કોરા ચેક લઈને એવું જણાવ્યું હતું કે તમારે વ્યાજના હવે દર મહિને 17000 આપવા પડશે. ત્યારબાદ દર મહિને ફરિયાદી 17,000 આપતા હતા અને ક્યારેક વ્યાજ આપવામાં ના પહોંચાય ત્યારે પેનલ્ટી ચડાવતા હતા ત્યારે ફરિયાદીએ કહ્યું હતું કે મુદ્દલ માં કેમ વધારો કરો છો? પહોંચી શકાશે નહીં તેથી એ કહ્યું હતું કે કુતિયાણા તથા કોટડા માં મારા માણસો છે તેની મારફત હું તારી પાસેથી ગમે તેમ રૂપિયા કઢાવી શકું છું.
ત્યારબાદ વર્ષ 2018 ના ફેબ્રુઆરી મહિનામાં વ્યાજના રૂપિયા હપ્તા પેટે પહોંચાડી શકાય તેમ ફરિયાદી નહીં હોવાથી ને મળવા માટે રાણા કંડોરણાના ચાર રસ્તે રામવાડી પાસે ગયા હતા ત્યારે માલદે એ કહ્યું હતું કે તું મારા રૂપિયા નહીં આપે તો તને મારી નાખતા વાર નહીં લાગે તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો.
તારા લતામાં આવી તારા માતા-પિતાને ઘરની બહાર વચ્ચે ચોકમાં ઉભા રાખી આબરૂ વગરના કરશું તેમ જણાવીને હું કહું તે રકમનું વ્યાજ આપવું જ પડશે તેમ કહી પેનલ્ટી ચઢાવી આઠ લાખ જેટલી રકમ કરીને 43,300 દર મહિને વ્યાજે વસૂલવાનું ચાલુ રાખ્યું હતું.આ રીતે ડિસેમ્બર 2018 સુધીમાં કુલ 21 લાખ રૂપિયા માલદેવ વાઢીયા ને ચૂકવ્યા હતા છતાં હજુ વધુ 8 લાખ રૂપિયાની માગણી કરતો હતો અને અવારનવાર મારી નાખવાની ધમકી પણ આપતો હતો. ત્યારબાદ ત્રણ કોરા ચેક લખાવી લીધા હતા અને તારીખ 25. 4. 2019 ના તેણે રાણાકંડોરણા ની દેના બેન્કમાં ડિપોઝિટ કરી ચેક બાઉન્સ કરાવતા ફરિયાદી વિરુદ્ધ રણાવાવની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ હેઠળ કેસ દાખલ કરી દીધો હતો.
આ કેસ કોર્ટમાં ચાલી જતા તારીખ 14. 8. 2025 ના ફરિયાદીને નિર્દોષ જાહેર કર્યો હતો ત્યારબાદ પણ પઠાણી ઉઘરાણી કરશે અને માર મારશે તેવી બીક લાગતા ફરિયાદીએ પોલીસમાં અરજી કરી હતી. અને ત્યારબાદ હવે માલદે લીલા વાઢીયા સામે શિક્ષકે વ્યાજ વટાવ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.