રાણાવાવના ધુબકા નેશ નજીક બાઈકમાં જઈ રહેલા બે પિતરાઈ ભાઇઓને અજાણ્યા કાર ચાલકે ઠોકર મારીને નાસી જતા ૧૫ દિવસ પૂર્વે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે અજાણ્યા કાર ચાલક ને શોધી તેની ધરપકડ કરી છે.
ખંભાળા ગામે વાડીવિસ્તારમાં રહેતા રાજુભાઇ એભાભાઈ ઓડેદરા( ઉ.વ. ૫૬)એ ૧૫ દિવસ પૂર્વે રાણાવાવ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે બખરલા ગામે રહેતા તેના નાનાબહેન મંજુબેનના સાસુ મૃત્યુ પામ્યા હોવાથી રાજુભાઈ અને તેના કાકાનો પુત્ર રાજુભાઈ પરબતભાઈ ઓડેદરા બાઈક પર ખરખરાના કામે જતા હતા. અને ધ્રુબકા નેશ નજીક આવળ માતાજીના મંદિર પાસે પહોંચ્યા ત્યારે પાછળથી ફૂલસ્પીડે આવતી કારના ચાલકે રાજુભાઇના બાઈકને ઠોકર મારી નાશી છૂટતા તેનું બાઇક પડી ગયુ હતુ અને બંનેને ઇજા થઇ હતી. આથી બન્ને ને સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મામલે આરોપી તથા વાહન ચાલકને શોધી કાઢવા માટે પોલીસ ની અલગ-અલગ ટીમો બનાવી સી.સી.ટી.વી. ફુટેજ તેમજ હાઇવે પરના ટોલટેક્સના કેમેરાના ફુટેજની તેમજ વિશ્વાસ પ્રોજેક્ટ પોરબંદર કમાન્ડ કંટ્રોલના કેમેરાની તપાસ કરતા અલ્ટો કારનો ચાલક અકસ્માત કરી નાસી ગયેલાનું જણાતાં તે કાર માલીક બાબતે માહીતી મેળવી આરોપી કાર ચાલક વશરામ પબાભાઈ પીપરોતર (ઉ.વ.૫૧ રહે.રૂપામોરા ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા)ને શોધી કાઢી યુક્તિપ્રયુક્તિથી ઊંડાણપુર્વક પુછપરછ કરતા તેણે ગુન્હો કર્યા ની કબુલાત આપી હતી આથી પોલીસે તેની ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
