પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બંધ થયેલ ૪ રસ્તા ચાલુ કરાવાયા છે.
પોરબંદરમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બંધ થયેલ ૪ રસ્તા ચાલુ કરાવાયા છે. ચીંગરીયાથી મંડેરને જોડતા માર્ગ ઉપર પાણી ઓવર ટોપીંગ થતું હોવાથી હજુ પણ વાહન વ્યવહાર આ એક માર્ગ ઉપર બંધ છે. ચિકાસા, ગરેજ, મહિયારી રોડ ઉપર માર્ગ અને મકાન વિભાગ દ્વારા મશીનરીથી કાટમાળ દૂર કરી રસ્તા ખુલ્લા કરાવાતા રાબેતા મુજબ વાહન વ્યવહાર કાર્યરત થયો છે. પોરબંદર જિલ્લામાં અને ઉપરવાસના વિસ્તારમાં તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક પોરબંદર અને ઘેડ પંથકમાં થઈ હતી. જેના કારણે મોટાભાગના રસ્તાઓ પાણીમાં ગરકાવ બની ગયા હતા. એક ગામથી બીજા ગામ તરફ જવાના માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો હતો.
પોરબંદર જિલ્લાના માર્ગ અને મકાન (રાજ્ય) હસ્તકના રસ્તાઓમાં ચોમાસા દરમિયાન પડેલ વરસાદથી કોઈ ખાસ નુકસાન કે ધોવાણ થયેલ ન હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ ઘેડ વિસ્તારના પાંચ રસ્તાઓ ઉપર પાણી ઓવર ટોપિંગ થવાથી અવરજવર બંધ થઈ હતી. હાલની સ્થિતિએ પાણીનો પ્રવાહ ઓસરતા ચાર રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગના કાર્યપાલક ઈજનેર વી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ માર્ગો ઉપર થી જાડી ઝાખરો સહિતના કાટમાળ, કાદવને દૂર કરી મશીનરીથી ચાર રસ્તાઓ ખુલ્લા કરાયા છે. ચિકાસા, ગરેજ, મહિયારી રોડ ઉપર કાટમાળ દૂર કરી રસ્તા ખુલ્લા કરાવાતા રાબેતા મુજબ વાહન વ્યવહાર કાર્યરત થયો છે. ચીંગરીયાથી મંડેરને જોડતા માર્ગ ઉપર પાણી ઓવર ટોપીંગ થતું હોવાથી હજુ પણ વાહન વ્યવહાર આ એક માર્ગ ઉપર બંધ હોવાથી કડછ થી મંડેર જતા માર્ગે વૈકલ્પિક વ્યવસ્થા વાહન વ્યવહાર માટે કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આમ જિલ્લામાં ભારે વરસાદ બાદ પાણી ઓસરતા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના રસ્તાઓને રાબેતા મુજબ કાર્યરત કરાયા છે.
પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શિંગડા થી ભેટકડીનો રસ્તો બંધ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ કે.ડી.લાખાણી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) અન્વયે મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી જોખમી માર્ગ ઉપર અવર-જવર ન કરવા હુકમ કરાયો છે. શિંગડા થી ભેટકડી તરફ જતા રસ્તા પર નવો બ્રીજ ન બની જાય ત્યાં સુધી વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. અને અન્ય વૈકલ્પિક રૂટ ઉપરથી વાહનો અવર જવર કરવા જણાવ્યું છે. શિંગડા થી ભેટકડી તરફ જવા માટે સોઢાણાના રસ્તાનો ઉપયોગ કરવા આદેશ થયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૧ હેઠળ સજાને પાત્ર ઠરશે.