પોરબંદર માં ક્ષય રોગ નિવારણ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ૪૧ ટીબી મુક્ત પંચાયતને એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરાશે, તેવું જણાવવામાં આવ્યું હતું.
પોરબંદરમાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર કે.ડી. લાખાણીના અધ્યક્ષ સ્થાને ક્ષય રોગ નિવારણ અંતર્ગત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠકકરની ઉપસ્થિતિમાં આ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ક્ષય રોગ અંગે જિલ્લામાં થયેલ કામગીરી વિશે જિલ્લા ક્ષય કેન્દ્રના ડો. સીમાબેન પોપટિયા દ્વારા વિગતવાર જાણકારી આપવામાં આવી હતી, અને તેઓએ જણાવ્યું હતું કે ટીબી મુક્ત ગ્રામ પંચાયત અંતર્ગત જિલ્લામાં ૪૧ ગામો ટીબી મુક્ત ગ્રામ પંચાયત બની છે.
માપદંડો પ્રમાણે આ ગ્રામ પંચાયત લાયક હોય, જેથી એવોર્ડ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. ઉપરાંત સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ટીબી રોગની જાગૃતિ ફેલાવવા માટે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી માર્ગદર્શન પૂરું પાડવા, પરપ્રાંતીય મજૂરોનું ટીબી અને લેપ્રોસી માટે સ્કીનિંગ કરવા સહિતના આયોજન અંગે તેઓએ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.ડી. લાખાણી અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠકકર દ્વારા જરૂરી સુચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ટીબીના દર્દીઓનું નિયમિત નિદાન કરવા, તમામ દર્દીઓની દવાની અસરકારકતાની ચકાસણી, દર્દીઓને પોષણ કીટ મળી રહે તેવા પ્રયાસો તેમજ ટીબીના શંકાસ્પદ દર્દીઓની તપાસણી કરવા સહિતના મુદ્દે માર્ગદર્શન અપાયું હતું.
અને ક્ષય રોગના નિવારણ અંતર્ગત વિવિધ મુદ્દે સમીક્ષા કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લામાં રાણાવાવના ૧૩, કુતિયાણાના ૧૧ અને પોરબંદર તાલુકાના ૧૭ ગામો ટીબી મુક્ત બન્યા છે, તેને એવોર્ડ તથા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે, તેવું જણાવ્યું હતું. આ બેઠકમાં આરોગ્ય અધિકારી ડો. બી.બી. કરમટા, નગરપાલિકાના પ્રમુખ અને કમિટી મેમ્બર ચેતનાબેન તિવારી, રેડક્રોસ સોસાયટીના ચેરમેન લાખણશીભાઈ ગોરાણીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.