Thursday, March 28, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાતણે બાંધતા માધવપુર ના મેળાના રસપ્રદ ઈતિહાસ અંગે પોરબંદર ટાઈમ્સ નો ખાસ અહેવાલ

માધવપુર ના લોકમેળા ને ગણતરી ના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિ ને એક તાંતણે બાંધતા આ લોકમેળા નો ઈતિહાસ પણ રસપ્રદ રહ્યો છે.

કયા સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાનું માધવપુર અને ક્યા માધવપુરથી 3000 કિમી જેટલા દૂર ઉત્તર પૂર્વના રાજ્યો છતાં બંને પ્રદેશ વચ્ચે એવો ઊંડો નાતો કે જે યુગોથી લોકોના હૃદયમાં છે. આ નાતો વર્ષોથી ભારત વર્ષની બે સંસ્કૃતિની મિશાલ બનીને પ્રજલવિત રહ્યો છે અને તેના મૂળમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી ના વિવાહ. પૌરાણિક કથાઓ સાહિત્યક ઉલ્લેખો અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન પોરબંદર નજીક માધવપુરમાં થયા હતા. આ વિવાહની યાદમાં વર્ષોથી- યુગોથી માધવપુર ઘેડમાં પાંચ દિવસનો મેળો ભરાય છે. જે હવે છેલ્લા ત્રણ વખતથી એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક બન્યો છે. મેળામાં ઉત્તર પૂર્વના લોકો, અગ્રણીઓ અને કલાકારો માધવપુરમાં આવીને કલાનું કૌશલ્ય અને વિચારોનું આદાન પ્રદાન કરે છે અને સૌરાષ્ટ્રના ઘેડ પ્રદેશની સંસ્કૃતિને નિહાળે છે.

માધવપુર નો મેળો રામનવમી ચૈત્ર સુદ નોમ થી શરૂ થાય છે અને ભગવાનના લગ્ન ચૈત્ર સુદ બારસના રોજ થયાં હતાં તેટલે તે દિવસે લગ્ન થાય છે. રાત્રિના લગ્ન હોવાથી માધવરાય મધુવનમાં રાતવાસો કરે છે. તેરસના દિવસે ભગવાન રૂક્ષ્મણી સાથે નગર યાત્રા કરી નીજ મંદિર પધરામણી કરે છે. ભગવાનની પરણીને આવતી જાન જોવી એ ભાવિકો માટે એક લહાવો હોય છે .મધુવન જ નહીં પણ માધવપુરની બજારો ગલીઓ અબીલ ગુલાલની છોળોથી ઉભરી આવતા જ્યાં નજર નાખો ત્યાં ગુલાબી રંગની ચાદર જેવા દ્રશ્યો જોવા મળે છે. આ સાથે મેળો પૂર્ણ થાય છે. આ રીતે માધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાંતણે બાંધે છે.

રૂક્ષ્મણી હરણ એક કથા
મહાભારતમાં રૂક્ષ્મણી હરણનો એક પ્રસંગ આવે છે. શાસ્ત્રો અને ગ્રંથોમાં ઉલ્લેખ અને કથા છે કે વિદર્ભ વિસ્તાર એટલે કે હાલના ઉત્તર પૂર્વ પ્રદેશના રાજા ભીષમાક ની પુત્રી રૂક્ષ્મણી ને ભગવાન શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવા હતા. રૂક્ષ્મણીનો ભાઈ રુકમી તેનો વિરોધ કરે છે અને જરાસંઘ ના પુત્ર શિશુપાલ સાથે લગ્ન કરવાનું નક્કી થાય છે. રૂક્ષ્મણી આ વાત સાંભળતા વિલાપ કરી ચિંતાતુર બની કૃષ્ણને દ્વારકા બ્રાહ્મણ મારફત સંદેશો મોકલાવે છે. આ સંદેશો માધવપુર માં લગ્ન ગીત તરીકે પ્રચલિત બન્યો છે. રૂક્ષ્મણી નો પત્ર પણ પ્રચલિત છે. સમાચાર સાંભળીને શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી સાથે લગ્ન કરવા માટે જાય છે. રુકમીને હરાવી શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી દ્વારકા લઈ જતી વખતે રસ્તામાં માધુપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી માતા ના લગ્ન થાય છે. એક કથા એવી પણ છે કે ભગવાન શ્રીકૃષ્ણને કુવારી ભૂમિ પર લગ્ન કરવા હતા અને દરિયા દેવે અહીં જગ્યા કરી આપી.

✓ માધવપુરના દરિયામાંથી મળ્યું છે ૧૧મી સદીનું વિષ્ણુ મંદિર
માધવપુરનું જેટલું પૌરાણિક મહત્વ છે એટલું જ મહત્વ પૌરાણિક અવશેષોની દ્રષ્ટિએ પણ છે. માધવપુર કેટલું જૂનું છે તે અંગે અભ્યાસો ચાલી રહ્યા છે પરંતુ પોરબંદરના ખૂબ અભ્યાસુ એવા ઇતિહાસવીદ નરોતમભાઈ પલાણ કહે છે કે માધવપુરના સાહિત્યિક અને પૌરાણિક અવશેષો ના પુરાવાઓ આપણને મળે છે. પૌરાણિક ગ્રંથોમાં પ્રભાસ એટલે કે હાલનું સોમનાથ અને દ્વારકા વચ્ચે માધવ તીર્થની વાત આવે છે તે માધવપુર. તેઓ વધુમાં આગળ કહે છે કે માધવપુરના જૂનામાં જૂના અવશેષો કે જે ૧૫૦૦ થી ૨૦૦૦ વર્ષ જૂના છે તે માધવપુરમાં હાલ હયાત છે. માધવપુરની વાત વિષ્ણુ અવતાર સાથે પણ સાંભળવા મળે છે એટલે સમય જતા માધવપુરની મુલાકાત અનેક ઋષિમુનિઓ અને સંતોએ કરેલી છે. મહાપ્રભુ વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, ગુરુ ગોરખનાથ સાથે સંકળાયેલા પૌરાણિક પવિત્ર સ્થળો પણ માધવપુરમાં છે.

✓ ૧૭મી સદીમાં પોરબંદરના મહારાણીએ બાંધ્યું નવું મંદિર
દરિયામાંથી મળેલું ૧૧મી સદીનું મંદિર બહુ જર્જરીત થઈ જતા ૧૭મી સદીમાં ૧૮૪૦માં પોરબંદરના મહારાણી રૂપાળીબા એ માધવરાયજીનું નવું મંદિર બંધાવી આપ્યું હતું અને તેનો શિલાલેખ પણ અહીં જોવા મળે છે. જુના મંદિરમાંથી માધવરાયજી અને ત્રિકમરાયજીની મૂર્તિઓ નવા મંદિરમાં પધરાવવામાં આવી હતી. આ મૂર્તિઓ દુર્લભ અને દિવ્ય છે. ભગવાનના ત્રણ હાથ ઉપર અને એક હાથ નીચે છે. આવી મૂર્તિ બીજે ક્યાંય નથી એવી વૈષ્ણવ ભક્તોને શ્રદ્ધા છે.

✓ માધવપુરના મધુવનમાં ભગવાને લગ્ન કર્યા તે મધુવનનું નામ કેમ પડ્યું?
ગ્રંથોમાં જેનો ઉલ્લેખ અને એ જ સ્થળે તેના પૌરાણિક અવશેષો મળે ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થાનું સાંસ્કૃતિક કેન્દ્ર જે તે સ્થળ બની જતું હોય છે. આવું સ્થળ માધવપુરનું છે. ભગવાન શ્રી વિષ્ણુએ ગદાથી મધુ નામના રાક્ષસનો વધ કર્યો હતો તેવો ગ્રંથોમાં ઉલ્લેખ છે. મધુ નો વધ કર્યા પછી ભગવાને લોહી વાળી ગદા અહીં આવેલી વાવમાં સાફ કરી હતી અને તેની કથા ગદાવાવ સાથે જોડાયેલી છે. આજે મધુવનમાં ગદાવાવ પણ છે. વિષ્ણુ અવતાર પછી ભગવાન શ્રી કૃષ્ણએ આ જ સ્થળે લગ્ન કર્યા ત્યાં ચોરી માયરા નું પણ સ્થળ છે. રૂક્ષ્મણી માતાની મુર્તિ અને પૌરાણિક રુક્ષ્મણી મંદિર અને સાથે સાથે ભગવાનની સાથે આવેલા ઋષિમુનિઓ અહીં રાણના વૃક્ષમાં બિરાજયા તેવી કથાની સાથે અહીં રાયણના વૃક્ષો પણ વર્ષોથી છે. બીજે આટલામાં ક્યાંય નથી.

✓ ભગવાનની કેવી રીતે થાય છે લગ્ન વિધિ ?
માધવપુરનો મેળો રામનવમીના દિવસથી શરૂ થાય છે પરંતુ લગ્નની તૈયારીઓ ૨૫દિવસ અગાઉ શરૂ થઈ જાય છે. કન્યા અને વર બંને પક્ષ દ્વારા લગ્ન લખવાની વિધિ કરવામાં આવે છે અને ૨૫ વાના ના દર વર્ષે ભગવાનના લગ્ન હોય છે. ભગવાનના લગ્ન પૂર્વે મહિલાઓ સત્સંગીઓ લગ્ન ગીત ગાય છે એમાંય ‘રૂક્ષ્મણી લખે કાગળ દ્વારકા, હું નહીં રે પરણુ શિશુપાલને રે, તેમજ લગ્ન દરમિયાન માધવપુરનો માંડવો, આવી જાદવકુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, વર વાંછીત શ્રી ભગવાન જેવા લગ્ન ગીતો માધવપુર તેની માધુર્યતામાં વધારો કરે છે. રામ નવમી અને દસમ, અગિયારસના રોજ ભગવાનની વર્ણાંગી પણ નીકળે છે. કડછ ગામના લોકો રૂક્ષ્મણી માતાનું મામેરુ ભરવા આવે છે. ભગવાનને જાન જોડવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ગુજરાત પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપી ભગવાનની જાનને પ્રસ્થાન કરાવે છે. ચૈત્ર સુદ બારસની રાત્રીએ મધુવનમાં ભગવાનના લગ્ન શાસ્ત્રોકત પરંપરા મુજબ યોજાય છે અને મોટી સંખ્યામાં લોકો આ લગ્ન ઉત્સવમાં જોડાય છે.

✓ એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર સરકાર દ્વારા વિશેષ આયોજન
ઉત્તર પૂર્વ અને ગુજરાત ગુજરાતની સંસ્કૃતિ ને જોડતા આ મેળાને વર્ષ ૨૦૧૮ થી વિશેષ પ્રોત્સાહન આપી બંને વિસ્તારના લોકોના જોડીને ભવ્ય રીતે મેળાની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય ,ઉત્તર પૂર્વયો વિકાસ મંત્રાલય અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગ તેમ જ પ્રવાસન નિગમ અને સ્થાનિક તંત્રના સંકલનથી શ્રી કૃષ્ણના જીવન આધારિત વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારો રંગારંગ કાર્યક્રમમાં રજૂ કરે છે.

✓ વર્ષ ૨૦૨૩ નો માધવપુર નો મેળો
માધવપુરમાં તા. 30 મી માર્ચ ના રોજ સરકાર આયોજિત આ રંગમંચ ત્રણ દિવસ માટે ખુલ્લો મુકાશે. તા.30 મી માર્ચથી તા.૩ એપ્રિલ સુધી મેળો યોજવાનો છે. લગ્ન કરીને દ્વારકાધીશ અને રૂક્ષ્મણી માતા દ્વારકા પધાર્યા હતા ચાલુ વર્ષે પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા રૂક્ષ્મણી માતાના સ્વાગતનો ભવ્ય કાર્યક્રમ પણ આયોજિત થયો છે. વિવિધ રાજ્યોના કલાકારો ની કારીગરી સાથે હસ્તકલાના સ્ટોલ સાથે સૌરાષ્ટ્રની ટુરીઝમ સર્કિટ અને સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન મળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માધવપુરના મેળાને જોડીને વિવિધ વિસ્તારમાં આર્ટ ગેલેરી હસ્તકલા સાથે રાજ્યના વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે