Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

આજે ગાંધીજયંતિ :મહાત્મા ગાંધી આઝાદી ના લડવૈયા ઉપરાંત ઉત્તમ પત્રકાર પણ હતા :જાણો મહાત્મા ગાંધી ની પત્રકાર તરીકે ની ભૂમિકા અને તેમની કેટલીક અજાણી વાતો પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં

પોરબંદર

દેશ ને આઝાદી અપાવવા માં મહત્વ નો ભાગ ભજવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માત્ર દેશ ની આઝાદી ના લડવૈયા જ ન હતા પરંતુ એક સારા પત્રકાર અને લેખક ઉપરાંત તંત્રી પણ હતા જે અંગે અનેક લોકો ને ખ્યાલ પણ નહી હોય આજે ગાંધીજયંતિ છે ત્યારે ચાલો જાણીએ મહાત્મા ગાંધી ની પત્રકારત્વ ની ભૂમિકા વિશે પોરબંદર ટાઈમ્સ ના આ ખાસ અહેવાલ માં
ગાંધીજી અત્યાર સુધી અંગ્રેજો સામેની સ્વતંત્રતાની લડતમાં મુખ્ય ભુમિકા ભજવતા હોવાની છબી જ સૌ સમક્ષ રજુ થઇ છે પરંતુ ભાગ્યે જ કોઇ જાણે છે કે, ગાંધીજી એક સારા પત્રકાર, લેખક અને તંત્રી પણ હતા અને 1ર9 વર્ષ પહેલા 1889ની સાલમાં ગાંધીજીનો પહેલો લેખ લંડનમાં છપાયો ત્યારે તેઓ ખુબ જ રોમાંચીત બની ગયા હતા અને પોતાનું નામ અખબારમાં છપાયેલું જોવાનું ગજબનું આકર્ષણ હતું.
લંડનમાં લેખ લખ્યા
માત્ર 19 વર્ષની ઉંમરે સપ્ટેમ્બર 1888માં જયારે મોહનદાસ ગાંધીએ લંડનમાં પ્રથમ વખત પગ મુકયો ત્યારે તેમણે પ્રથમવાર જ અખબાર વાંચ્યું હતું અને ત્યારે જ તેઓ સમજી ગયા હતા કે, ચોથી જાગીર એવી અખબારની તાકાત શું છે અને તેથી તેમણે લંડનમાં ડેઇલી ટેલીગ્રાફ, ડેઇલી ન્યુઝ અને પાલ મેલ ગેઝેટ જેવા અખબારોમાં કોલમ લખવાનું શરૂ કરીને ફ્રીલાન્સ જર્નાલીઝમની શરૂઆત કરી હતી. એ સમયે યુવાન મોહનદાસને પોતાનું નામ અખબારમાં છપાયેલું જોવાનું ગજબનું આકર્ષણ રહેતું હતું. લંડન વેજીટેરીયન સોસાયટીના સભ્યો એવા ગાંધીજીના મિત્રોએ સોસાયટીના મુખપત્ર ‘વેજીટેરીયન’માં લખવાની તક આપી. ત્રણ વર્ષ લંડનમાં રહ્યા ત્યારે તેમણે ભારતની શાકાહારી આહાર પધ્ધતિ, ભારતીય પરંપરા અને ઉત્સવો વિશે નવ જેટલા લેખ લખ્યા હતા. આ તેમનું પ્રથમ લખાણ માનવામાં આવે છે. તેમનો પહેલો લેખ 7 ફેબ્રુઆરી 1889માં ‘ઇન્ડીયન વેજીટેરીયન’ના મથાળા હેઠળ પ્રગટ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત ભારતીય તહેવાર વિશે પણ લેખ લખ્યા હતા. 1890માં ઇંગ્લેન્ડમાં સરદાદાભાઇ નવરોજીએ ઇન્ડિયા નામનું પત્ર શરૂ કર્યુ અને ગાંધીજી આ પત્રના આફ્રીકાના ડર્બન અને જહોનીસબર્ગ જેવા વિસ્તારના તંત્રી બન્યા હતા.
દક્ષિણ આફ્રીકામાં પત્રકારત્વ
લંડનથી ભારત આવ્યા બાદ વકીલ તરીકેની કારકીર્દી બનાવવા તરફ આગળ ધપતા મોહનદાસને એક કેસ લડવા આફ્રીકાની પેઢી દાદા અબ્દુલ્લાહ એન્ડ કાું.એ તેમને ડર્બન બોલાવ્યા હતા અને આથી તેઓ કેસ લડવા ત્યાં ગયા ત્યારે ત્યાંની રાજકીય પરિસ્થિતિએ ગાંધીજીને જાગૃત પત્રકાર બનાવ્યા. ત્યાં રહેતા ભારતીયો ઉપર કાળા કાયદા હોવાથી લડત આપવા પોતાનું પત્ર શરૂ કરવાની ઇચ્છા ઇન્ટરનેશનલ પ્રિન્ટીંગ પ્રેસ વાળા મદનજીત વ્યવહારીકને જણાવી હતી. મદનજીતે અઠવાડીક શરૂ કરવા મોહનદાસને પ્રોત્સાહીત કર્યા અને 4 જુન 1903ના ‘ઇન્ડીયન ઓપીનીયન’નો પહેલો અંક બહાર પડયો જેનો પહેલો તંત્રી લેખ ‘અવરસેલ્વ્ઝ’ ગાંધીજીએ લખ્યો હતો. આ અખબાર ચલાવવા પોતાના રૂપિયા તેમણે રોકયા હતા. ખર્ચ વધી ગયો હોવાથી બે વિકલ્પ હતા આખું અખબાર પોતે ખરીદી લે અથવા અખબારને બંધ કરી દે તેથી અંતે આ અખબાર ગાંધીજીને સોંપવામાં આવ્યું અને તેણે 18 મહીના પછી તમામ સવેતન પત્રકારોને છુટા કરી માનદ પત્રકારોની નિમણુંક કરી હતી. ડર્બન નજીક ફીનીકસ આશ્રમની સ્થાપના કરતા અખબાર પણ આશ્રમમાં લઇ જવાયું અને ડ્રેડલ મશીન પર છપાતા અખબારમાં આશ્રમવાસીઓ સેવા આપતા તથા તેની ગુજરાતી આવૃતિ પણ શરૂ કરી હતી.
ભારતમાં પત્રકારત્વ
ડર્બનથી ભારત અવ્યા બાદ ગાંધીજીએ હિન્દુસ્તાન તથા અન્ય પત્રોમાં પોતાના વિચારો પ્રગટ કરતા લેખ લખ્યા હતા. તે સમયે યુધ્ધ સમાપ્ત થયા પછી ક્રીમીનલ લો માં મહત્વના ફેરફાર થયા ત્યારે તેના વિરોધમાં ગાંધીજીએ ફેબ્રુઆરી 1919ના તેમના તંત્રીપદે અનરજીસ્ટર્ડ એવું ‘સત્યાગ્રહ’ નામનું અઠવાડિયા છાપું શરૂ કર્યુ તે દર સોમવારે પ્રસિધ્ધ થતું અને 1 પૈસો તેની કીંમત હતી જેમાં તેઓ ઇન્ડિયન પ્રેસ એકટ વિરૂધ્ધ પણ લખતા એ સમયે પ્રથમ વિશ્ર્વયુધ્ધના કારણે નાના-મોટા ગુજરાતી વેપારીઓ માલામાલ થઇ ગયા હતા ત્યારે મુંબઇમાં ગુજરાતી યુવાનોની ટુકડીએ હોમરૂલ લીગ સંચાલીત ‘યંગ ઇન્ડિયા’ નામની અંગ્રેજી અઠવાડિક શરૂ કર્યુ હતું અને ગાંધીજીને તેના તંત્રી બનાવાયા હતા. તંત્રી બન્યા પછી ગાંધીજીએ તેને અર્ધસાપ્તાહીક બનાવ્યું હતું તે ઉપરાંત ગુજરાતી માસિક ‘નવજીવન’ પણ સંભાળીને અઠવાડિક બનાવ્યું હતુું. યંગ ઇન્ડિયા મુંબઇથી અમદાવાદ ખસેડાયું ત્યારે બન્ને પત્રના તંત્રી ગાંધીજી હતા જયારે મહાદેવભાઇ દેસાઇ તથા શંકરલાલ બેંકર પ્રકાશક અને મુદ્રક હતા. યંગ ઇન્ડિયાના રપ00 લવાજમ ભરાયા તેનું કારણ એ હતું કે, તેમાં સમાચારો નવા વિચારો અને નવી આકર્ષક લેખન શૈલીથી રજુ થતાં. આ અખબારનું સરકયુલેશન 40 હજાર કોપી સુધી પહોંચી ગયું. યંગ ઇન્ડિયા અને નવજીવન જેવા અખબારો જાહેરખબર છાપતા ન હતા.
ગાંધીજીને છ વર્ષની જેલ
ગાંધીજીના લેખો એ લોકજાગૃતિનું કામ કર્યુ, સ્વદેશીની ચળવળ, હિન્દુ-મુસ્લિમ એકતા, અંગ્રેજો સામે અસહકારનું આંદોલન વગેરેના લેખો લખવા માંડયા હતા તેથી દેશના કેટલાક અખબારોએ તેમને સહયોગ આપ્યો નહીં. કેમ કે મહારાષ્ટ્ર અને બંગાળના અમુક અખબારો અહીંસાના વિચારોના વિરોધમાં હતા. બ્રિટીશ સરકાર પણ ગાંધીજીના લખાણોથી નારાજ હતી. 1922ની 11 મી માર્ચે યંગ ઇન્ડિયાના તંત્રી અને પ્રકાશકને અમુક વિશિષ્ટ લેખો લખવા બદલ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા અને ગાંધીજીને છ વર્ષની જેલની સજા થઇ. યંગ ઇન્ડિયાને નવજીવનમાં ગાંધીજીના લેખો છપાતા તે બંધ થઇ ગયા હોવાથી સરકયુલેશન ર1પ00માંથી ઘટીના 3000 થઇ ગયું. 19ર4ના એપ્રિલ મહીનામાં જેલમાંથી છુટયા પછી જેલવાસની વિગત આપતો લેખ ‘યંગ ઇન્ડિયા’માં લખ્યો ત્યારબાદ પણ આરામ કરવાને બદલે તંત્રી તરીકેની ફરજ અગત્યની ગણીને સવિનય કાનુન ભંગ અને મીઠાના સત્યાગ્રહ જેવા આંદોલનો માટે અખબારમાં લેખ લખીને 61 વર્ષની ઉંમરે પણ લોકોને તૈયાર કર્યા હતા.
દલિતો માટે અખબાર શરૂ કર્યુ

ગાંધીજી સફાઇ કામદારોના પ્યારા હતા અને તેમણે દલિતો માટે પણ અખબાર શરૂ કર્યુ હતું. એ સમયે સમાજમાં ધૃણાસ્પદ દુષણોનો નાશ કરવા કમરકસીને 11 ફેબ્રુઆરી 1933ના દલિતો માટેના એક આનાના અઠવાડિક અખબારની શરૂઆત કરી હતી અને આર.વી. શાસ્ત્રી તેના પહેલા તંત્રી હતા. પહેલા જ અંકની 10 હજાર કોપી છાપવામાં આવી હતી. તંત્રી લેખ હંમેશા અશ્પૃશ્યતા નિવારણ અંગેનો જ લખાતો અને દલિતોને મંદિરમાં પ્રવેશની તરફેણ કરવામાં આવતી હતી.
અખબારોએ જાહેરાતો ઉપર નહીં લવાજમની આવક ઉપર નભવું
ગાંધીજી જાહેરાતોના કટર વિરોધી હતા તેઓ કહેતા કે પત્રને લોકપ્રિય બનાવવા કે તેનું સ્તર ઉંચુ લઇ જવા જાહેરખબર છાપવાની જરૂરીયાત નથી. અખબારો માત્ર લવાજમની આવક ઉપર જ નભવા જોઇએ અને અખબારના છેલ્લા પાનામાં હંમેશા એવી સુચના લખતા કે, લવાજમ અગાઉથી ભરવું અનિવાર્ય છે. !
આમ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી માત્ર સ્વાતંત્રની લડતના ઘડવૈયા નહીં પરંતુ નિડર અને તટસ્થ પત્રકાર તેમજ તંત્રી તરીકે પણ તેમણે ખુબ જ લાંબી સેવાઓ આપી હતી અને આઝાદીની લડતમાં લોકોને જગાડવા માટે અખબારોની ભુમિકા મહત્વની હતી તેથી તેમાં ગાંધીજીનું યોગદાન ખુબ મોટું હતું.
મિત્રો,પોરબંદર ટાઈમ્સ નો મહાત્મા ગાંધી વિશે નો આ ખાસ આર્ટીકલ આપને પસંદ આવ્યો હોય તો આ આર્ટીકલ ને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા માટે શેર કરવાનું ભૂલશો નહી ..
આ આર્ટીકલ અંગે આપના પ્રતિભાવો અમને ઈમેઈલ થી મોકલી આપશો ઈમેઈલ આઈડી છે porbandartimes@gmail.com

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે