પોરબંદર
પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના ચેરમેન મેધજીભાઇ કણઝારીયાની અધ્યક્ષતામાં કુતિયાણા મહેર સમાજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ખેડૂત લાભાર્થીઓને સહાય યોજનાના મંજૂરી પત્ર વિતરણ કરાયા હતા. ખેડૂતોને શુભકામનાઓ પાઠવીને મેધજીભાઇએ કહ્યુ કે, ગુજરાતમાં એક લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. સરકારે રૂા.૬૬ કરોડથી વધુ રકમની ફાળવણી કરીને ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને મહિને રૂા.૯૦૦ની સહાય આપવામાં આવશે. ખેડૂતોના હિતાર્થે સરકારે અનેક યોજનાઓ અમલમાં મુકી છે. ત્યારે સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના વધુ અસરકારક નીવડશે. મેધજીભાઇએ વધુમાં કહ્યુ કે, કોરોના મહામારી વચ્ચે ખેડૂતો પોતાની ફરજ ચૂક્યા નથી. દૂધ, શાકભાજી, અનાજ સહિતની ખેત પેદાશો ગામડાઓમા તથા શહેરોમાં લોકોને સરળતાથી મળી રહે તે માટે ખેડૂતોએ કોરોના વચ્ચે પણ ઉત્તમ કાર્ય કર્યુ છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઇ મોરીએ કહ્યુ કે, ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવીને કહ્યુ કે, ખેડૂતોના ઉભા પાકને યોગ્ય વળતર મળે તે માટે ટેકાના ભાવે ખરીદીની કરીને ખેડૂતોને પુરતા ભાવો આપ્યા છે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ કહ્યુ કે, પ્રાકૃતિક ખેતી અઢળક ફાયદા છે. ગાય આધારિત ખેતીથી જમીનની ફળદ્રુપતા સારી રહે છે.
ઇ-લોન્ચિંગ કાર્યક્રમમાં રાજ્યપાલ દેવવ્રતજી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના સમગ્ર ખેડૂતોને શુભેચ્છા પાઠવીને યોજનાની ભેટ આપી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી અપીલ કરી હતી.
મહાનુભાવો દ્રારા લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજુરીપત્રો/હુમનોનુ વિતરણ તથા બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડના ચેક, મોમેન્ટો, સાલ ઓઢાડીને સન્માન કરવાની સાથે પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોએ રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તથા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્રારા પ્રસ્તુત ફિલ્મ નિહાળી હતી.
કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી જાદવ, જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ રમેશભાઇ ઓડેદરા તથા ખેતીવાડીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂતોનું આરોગ્ય વિભાગ દ્રારા હેલ્થ સ્ક્રીનીંગ કરવાની સાથે કોરોના ટેસ્ટની સુવિધા રાખવામાં આવી હતી.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી જે.એન.પરમારે તથા આભાર વિધિ નાયબ ખેતી નિયામક(તાલીમ)ગોહિલે કરી હતી. કાર્યક્રમનું સંચાલન વિશાળ રાજ્યગુરૂ તથા પ્રસાંતગીરીએ કર્યુ હતું.

 

Advertisement