પોરબંદર
આજે પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી દ્વારા સ્થાપિત શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી શ્રીહરિ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રિ પર્વની આધ્યાત્મિકપૂર્ણ ભકિતસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી.
શ્રીહરિ મંદિરમાં ચંદ્રમૌલીશ્વર મહાદેવને લઘુરુદ્રાભિષેક
આજે પ્રાતઃકાળમાં જ શ્રીહરિ મંદિરમાં મંગલા આરતી બાદ શિવાલયમાં ચંદ્રમૌલીશ્વર મહાદેવ પર સાંદીપનિના ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે લઘુરુદ્રાભિષેકની વિધિ કરાવવામાં આવી. તેમાં સૌ પ્રથમ ષોડશોપચાર પૂજાવિધિ પૂર્વક ચંદ્રમૌલિશ્વર મહાદેવ પર દૂધમિશ્રિત જળથી લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. આ અભિષેકની વિધિમાં યજમાનપદે સંસ્થાના સમર્પિત પૂર્વ ટ્રસ્ટી સ્વ.તુલસીભાઈ હાથીના સુપુત્ર શ્રી રાજુભાઈ હાથી અને અન્ય ભાવિકો જોડાયા હતા અને આ લઘુરુદ્રાભિષેકવિધિનો લાભ લીધો હતો.
શ્રીહરિ મંદિરની યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર કરાયો .
આ સાથે-સાથે જ શ્રીહરિ મંદિર સંકુલમાં આવેલી વિશાળ યજ્ઞશાળામાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્રયજ્ઞ સંપન્ન થયો. આ યજ્ઞની વિધિનો પણ પ્રાતઃકાળથી જ સાંદીપનિના સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો અને શાસ્ત્રોકત વિધિપૂર્વક થયેલો આ યજ્ઞ બપોરે ૧૨:૩૦ વાગ્યે પૂર્ણાહુતિ હોમ તથા આરતી સાથે સંપન્ન કરવામાં આવ્યો. આ યજ્ઞના યજમાનપદે સંસ્થાની બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક શ્રી ફાલ્ગુનભાઈ મોઢા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્ણાહુતિ હોમ સમયે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, ગુરૂજનો, મેનેજરશ્રી તથા બધાજ ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા.
બાબડા ગામે બાબડેશ્વર મહાદેવને લઘુરુદ્રાભિષેક
સાંદીપનિ વિદ્યાનિકેતનની સંસ્કૃત પાઠશાળાનો જ્યાં પ્રારંભ કરવામાં આવ્યો હતો એવા પોરબંદરની પાસે આવેલા બાબડા ગામના શિવાલયમાં દરેક વર્ષની જેમ આ વર્ષે પણ સાંદીપનિ ઋષિકુમારો દ્વારા બાબડેશ્વર મહાદેવ પર પૂજાવિધિ સાથે લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો. આ લઘુરુદ્રાભિષેકની વિધિમાં યજમાનપદે સાંદીપનિના વિદ્યાર્થીઓને સંગીતનું જ્ઞાન આપતા એવા શ્રી શરદભાઈ જોષી પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષ શૃંગાર-દર્શન અને ચારપ્રહરની પૂજા
આ સાથે-સાથે સાંદીપનિના શ્રીહરિ મંદિરમાં મહાશિવરાત્રિના પર્વ પર ચંદ્રમૌલીશ્વર મહાદેવનો “વિષ્ણુ -વલ્લભ’ નો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હોય, પોરબંદર તેમજ આજુબાજુના ગામના મોટી સંખ્યામાં લોકોએ આ વિશેષ શૃંગાર દર્શનનો લાભ લીધો હતો અને ઠંડાઈનો પ્રસાદ પણ મેળવ્યો હતો. વિશેષ કરી ને મહાશિવરાત્રી પર્વ પર સાંદીપની ના હરિમંદિર માં ચન્દ્ર્મૌલીશ્વર મહાદેવ ની રાત્રી ના ચાર પ્રહર ની પૂજા તેમજ અભિષેક નું આયોજન કરવામાં આવ્યું હતું .અને રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી કરવામાં આવશે આ રીતે સાંદીપની ના શ્રી હરિમંદિર માં આધ્યાત્મિક વાતાવરણ માં ભક્તિભાવ પૂર્વક મહાશિવરાત્રી નું પર્વ ઉજવાયું હતું .

Advertisement