પોરબંદર

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક તથા સંવાહક, દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવત કથા અને શ્રીરામ કથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી આ વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં તા. ૨૭/૦૮/૨૦૨૧ થી ૦૬/૦૯/૨૦૨૧ દરમ્યાન સાંદીપનિ વિદ્યાનિકેતન, શ્રી હરિ મંદિરમાં ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ભગવાન આશુતોષની મંગલકથા શિવકથાનું આયોજન થયેલ છે. કોવિડ-૧૯ની મર્યાદાઓને ધ્યાને લઈને સરકારની માર્ગદર્શિકા અનુસાર મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાશે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી આ સમગ્ર ઉપક્રમમાં જોડાશે.
પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શિવકથા

આ પહેલા પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખેથી અનેકવાર મંગલકથા શિવકથાનું આયોજન થયેલ છે જે કથા-શ્રવણનો અનેક ભક્તોએ લાભ લીધેલ છે. પરંતુ સાંદીપનિ વિદ્યાનિકેતન પરિસરમાં પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી સૌ પ્રથમ વાર ૧૧ દિવસીય શિવકથાનું આયોજન તા. ૨૭/૦૮/૨૦૨૧ થી ૦૬/૦૯/૨૦૨૧ દરમ્યાન થયેલું છે. જેના મનોરથી તરીકેની સેવા શ્રી સંજયભાઈ સૂચક અને પરિવાર, આફ્રિકા આપી રહ્યા છે. શિવકથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો અનુસાર વિવિધ ઝાંખીઓ પણ પ્રસ્તુત થશે. આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્ટ sandpani.tv, સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી 3:30 થી થશે.
અન્ય કાર્યક્રમો :
પવિત્ર શ્રાવણ માસમાં પ્રારંભથી જ શ્રીહરિ મંદિરમાં બિરાજિત ભગવાન શ્રી ચંદ્રમૌલીશ્વરને રૂદ્રાભિષેક અને લઘુ રુદ્રાભિષેક વિધિવત થઇ રહ્યા છે જે આ કથા દરમ્યાન પણ સમયાનુસાર વિધિવત થશે અને એ સાથે શ્રી ચંદ્રમૌલીશ્વર ભગવાનની વિશેષ દર્શન ઝાંખી અને અન્ય દિવ્ય વિગ્રહોના વિશેષ દર્શનનો લાભ મળશે.

Advertisement

તા. ૩૦/૦૮/૨૦૨૧ : જન્માષ્ટમી ઉત્સવ
આ શિવકથા દરમ્યાન તા. તા. ૩૦/૦૮/૨૦૨૧, સોમવારના રોજ શ્રી હરિમંદિરમાં જન્માષ્ટમીનો ઉત્સવ પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં અને શ્રીહરિ ભક્તોની ઉપસ્થિતિમાં રાત્રે ૧૧:૦૦ ૧૨:૩૦ દરમ્યાન થી ખૂબજ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવશે.
તા. ૩૧/૦૮/૨૦૨૧ : નંદોત્સવ અને સેવા દિવસ
તા. ૩૧મી ઓગષ્ટ એ પૂજ્ય ભાઈશ્રીનો પ્રાગટ્યોત્સવ જે છેલ્લા કેટલાક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ સહીત દેશ-વિદેશમાં અનેક લોકો દ્વારા સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ ઉપક્રમમાં આ વર્ષે તા. ૩૧/૦૮/૨૦૨૧, મંગળવારના રોજ શ્રી હરિમંદિરમાં વર્ધાપન પૂજા સાથે સાંદીપનિ સહીત દેશ-વિદેશમાં અનેક સેવાકીય કાર્યક્રમો દ્વારા સેવા દિવસ ઉજવવામાં આવશે. આ સાથે તા. ૩૧/૦૮/૨૦૨૧, મંગળવારના રોજ શ્રી હરિમંદિરમાં નંદોત્સવ પણ ખૂબજ આનંદ ઉમંગ સાથે ઉજવાશે.
તા.૦૬/૦૯/૨૦૨૧ : હોમાત્મક લઘુરુદ્રયાગ
શિવકથાના અંતિમ દિવસ તા.૦૬/૦૯/૨૦૨૧, સોમવાર, સોમવતી અમાસના રોજ શિવકથા પુર્ણાહુતિના દિવસે સાંદીપનિની યજ્ઞશાળામાં દિવ્ય હોમાત્મક લઘુરુદ્ર યાગનું આયોજન થયેલું છે. હોમાત્મક લઘુરુદ્ર યાગની પૂર્ણાહુતિમાં પૂજ્ય ભાઇશ્રી ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે.
આપ સૌ ભાવિકોને sandipani.tv અને સોશ્યલ મીડિયાના માધ્યમથી જોડાઈને પૂજ્ય ભાઈશ્રીના શ્રીમુખેથી પ્રવાહિત થનારી દિવ્ય કથાગંગા શિવકથાના શ્રવણ માટે અને અન્ય દિવ્ય કાર્યક્રમોના શ્રવણ-દર્શનના અમૂલ્ય લાભ માટે સાંદીપનિ પરિવાર નિમંત્રણ પાઠવ્યું છે.

Advertisement