પોરબંદર

Advertisement

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના મધ્યમથી સંસ્કાર,સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનું સંવર્ધન કરનારા,દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવત કથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે 39મો શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્સવ તા.17/10/2020 થી 26/10/2020 દરમ્યાન યોજાશે.આ વર્ષે કોરોનાની પરિસ્થિતિને અને મર્યાદાઓને ધ્યાનમાં લઈને ભાવિકો પોતાના ઘરેથી જ શ્રીરામ ચરિતમાનસ પાઠ અને અન્ય મનોરથોના દર્શનમાં જોડાશે.

આ નવરાત્રિ મહોત્સવ દરમ્યાન પ્રતિદિન સવારે 07:30 થી 08:30 દરમ્યાન સાંદીપનિના સભાગૃહમાં મુખ્ય સ્થાપન પૂજા થશે જેના મનોરથીઓ ઝૂમ એપના માધ્યમથી જોડાશે.સવારે 08:30 થી 09:30 દરમ્યાન શ્રી હરિ મંદિરમાં માં કરુણામયી માતાજીની ષોડશોપચાર પૂજા થશે.

પ્રાતઃસત્રમાં શ્રીરામ ચરિતમાનસ પાઠ
પ્રતિદિન સવારે પૂજ્ય ભાઇશ્રી દ્વારા સવારે 09:30 વાગ્યે કુમારિકા પૂજન થશે અને ત્યાર બાદ પૂજ્ય ભાઇશ્રી અને ઋષિકુમારો દ્વારા શ્રીરામ ચરિતમાનસની ચોપાઇઓનો બપોરે 12:30 સુધી સંગીતમય પાઠ થશે.જેમાં અનેક શ્રીહરિ ભક્તો પોતાના ઘરેથી SANDIPANI.TV,BHAISHRI RAMESHBHAI OZA YOUTUBE CHANNEL અને SANDIPANI VIDYANIKETAN FACEBOOKના માધ્યમથી શ્રીરામ ચરિતમાનસના અનુષ્ઠાનમાં જોડાઈ શકે છે.

સાયં સત્રમાં શ્રીમદ્દેવીભાગવત કથા
નવરાત્રિ દરમ્યાન પ્રતિદિન સાંજે 04:30 થી 06:30 દરમ્યાન સાંદીપનિના શ્રી શ્યામભાઇ ઠાકર (પૂર્વ ઋષિકુમાર) શ્રીમદ્દેવીભાગવત કથાનું કરાવશે.એ સાથે-સાથે પ્રતિદિન સાંદીપનિના અન્ય ઋષિકુમારો પણ પ્રવચન આપશે.કથા બાદ શ્રીહરિ મંદિરમાં સાયં આરતી થશે અને માં કરુણામયીની પ્રતિદિન દિવ્ય ઝાંખીઓના દર્શનનો લાભ લઈ શકાશે.જેનું લાઇવ ટેલિકાસ્ટ SANDIPANI.TV અને SANDIPANI VIDYANIKETAN FACEBOOK પર થશે.

વિશેષ કાર્યક્રમ:
નવરાત્રિ મહોત્સવમાં તા.24/10/2020 શનિવારના દુર્ગાષ્ટમીના પાવન દિવસે સવારે 08:00 થી 01:00 દરમ્યાન સાંદીપનિની યજ્ઞ શાળામાં વૈદિક વિધિ-વિધાન અનુસાર ”દુર્ગાસપ્તશતી હોમાત્મક નવચંડી યજ્ઞ” સાંદીપનિના ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સંપન્ન થશે.શ્રીરામ ચરિત માનસ અનુષ્ઠાન પૂર્ણ થયાના બીજે દિવસે તા.26/10/2020 સોમવાર વિજય દશમીના શુભ દિવસે અનેક શુભ કાર્યક્રમ સંપન્ન થશે જેમાં.

1 સાંદીપનિ સ્થિત શ્રી બાબડેશ્વર સંસ્કૃત મહાવિદ્યાલયની નવનિર્મિત અને ટેકક્નોલોજીથી સુસજ્જ લાઈબ્રેરીનું પૂજ્ય ભાઇશ્રીના કરકમલોથી લોકાર્પણ થશે.

2 સાથે સાથે સાંદીપનિ ગુરુકુળમાં નવનિર્મિત એડમીન ઓફિસ અને અદ્યતન 40 કોમ્પ્યુટર અને પ્રોજેક્ટર સહિતની કોમ્પ્યુટર લેબનું પૂજ્ય ભાઇશ્રીના કરકમલોથી લોકાર્પણ થશે.

3 સવારે 09:00 થી 12:30 દરમ્યાન સાંદીપનિની યજ્ઞ શાળામાં વૈદિક વિધિ-વિધાન અનુસાર ”સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ” સાંદીપનિના ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા સંપન્ન થશે.જેનું લાઈવ ટેલિકાસ્ટ SANDIPANI.TV પર થશે.

4 વિજયાદશમીના દિવસે બપોર પછી પ્રતિવર્ષ અનુસાર પૂજ્ય ભાઇશ્રી અને ઋષિકુમારો દ્વારકા જવા માટે પ્રસ્થાન કરશે અને સાંજે 05:30 પછી દ્વારકાધીશના મંદિરે વિધિપૂર્વક ધ્વજારોહણનો મનોરથ કરશે.

આ નવરાત્રિ મહોત્સવના મનોરથી તરીકે વીણાબહેન નરેશભાઇ નાગ્રેચા-મલેશિયા,શ્રીમતી નીલમબેન હિતેશભાઇ જયસ્વાલ-અમેરિકા,શ્રીમતી નિશાબહેન અજયભાઈ રાઠી-પૂના અને સુશ્રી ગીતાબહેન આહુજા-મુંબઈ એ સેવા આપી છે. તમામ કાર્યક્રમો કોવિડ-19ની પરિસ્થિતિ અને મર્યાદાઓને ધ્યાનમાં રાખીને થવાના હોય તમામ ભાવિકોને પોતાના ઘરે રહીને જ અનુષ્ઠાન અને દર્શનોનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

Advertisement