પોરબંદર
માધવપુર નજીક આવેલા પાતા ગામના વાડી વિસ્તારના કૂવામાં એક વિજફાડીયું ખાબકી જતા સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ દ્વારા અઢી કલાકની ભારે જહેમત બાદ વન્ય પ્રાણીનો જીવ બચાવી પ્રકૃત્તિના ખોળે છૂટું મૂકી દેવામાં આવ્યું હતું.
માધવપુર નજીક પાતા ગામે એક વિજફાડીયું ગામની સીમ વાડી વિસ્તારમાં આવેલા કૂવામાં ખાબકી ગયું હતું. 20 ફૂટ ઊંડા કૂવામાં વિજફાડીયું પડી ગયું હોવાની જાણ થતા ગામના સરપંચે તાત્કાલીક સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરનો સંપર્ક કર્યો હતો જેથી આ ફાઉન્ડેશનના પરેશ નિમાવત સહીત ના કાર્યકર્તાઓ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વિજફાડીયાને કૂવામાંથી બહાર કાઢવા રેસક્યુ હાથ ધર્યું હતું. શરૂઆતમાં કૂવામાં સીડી ઉતારી વિજફાડીયાને બહાર કાઢવાની કોશિષ કરવામાં આવી હતી પરંતુ વિજફાડીયું ડરી ગયેલું હોવાથી કૂવાના એક ખાંચામાં ઘૂસી ગયું હતું. આ વિજફાડીયું બટકા ભરતું હોય છે અને શરીરે ચોંટી જાય છે તેથી સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકર્તાએ ફરીથી કૂવામાં ખાટલો નાંખી દોરીએ ટીંગાઈને ખાંચાને બહારના ભાગથી તોડી આ વિજફાડીયું નુકસાન ન કરે તે રીતે પકડીને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. આમ અઢી કલાકની ભારે જહેમત બાદ કાર્યકર દ્વારા વિજફાડીયાને રેસક્યુ કરી હેમખેમ બહાર કાઢી પ્રકૃત્તિની ગોદમાં મૂકી દેવામાં આવ્યું હતું.

Advertisement