માધવપુર નજીક ના દરિયાકાંઠે થી ગઈ કાલે શંકાસ્પદ પદાર્થ ભરેલા ૨૧ પેકેટ મળી આવ્યા હતા. જે પ્રાથમિક તપાસ માં મારીજુઆના એટલે કે હસીશ હોવાનું ખુલ્યું છે પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માધવપુર અને ગોરસર વચ્ચે ના દરિયાકાંઠે થી ગઈ કાલે પોલીસે શંકાસ્પદ પદાર્થ ભરેલા ૨૧ પેકેટ બિનવારસી કબ્જે કર્યા હતા. જે મામલે પ્રાથમિક તપાસ માં આ પદાર્થ હસીશ એટલે કે મારીજુઆના હોવાનું સામે આવ્યું છે. અને આ અંગે કિર્તીમંદિર પોલીસ મથક ના પી આઈ વી પી પરમારે માધવપુર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગઈ કાલે માધવપુર પોલીસ દરિયાઈ પટ્ટી વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતી. તે દરમ્યાન ગોરસર ગામે આવેલ આશ્રમ પાછળના ભાગે દરિયાકાંઠે શંકાસ્પદ પદાર્થ ના પેકેટ મળી આવ્યા હતા. જે પ્રાથમિક દ્રષ્ટિ એ નશા યુક્ત હોવાનું જણાતા તેઓની આ અંગે ગેઝેટેડ અધિકારી તરીકે નિમણુક કરાઈ હતી.
અને તે ૨૧ પેકેટ માંથી ૨ પેકેટ ખુલ્લા હતા એફ એસ એલની કીટ વડે તેની પ્રાથમિક તપાસ કરતા તે હસીશ એટલે કે મારીજુઆના હોવાનું સામે આવ્યું હતું. અને તેનું વજન કરતા કુલ ૨૩ કિલો ૨૦૮ ગ્રામ થયું હતું જેની કીમત રૂ ૩૪,૮૧,૨૦૦ થાય છે. તે કબ્જે કરી અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધાવ્યો છે. જેમાં જણાવ્યું છે કે કોઈ અજાણ્યા શખ્સો એ ભારત ના યુવાધન ને બરબાદ કરવા આ જથ્થો દરિયાઈ માર્ગે ગેરકાયદે લાવતી વખતે દરિયાઈ સુરક્ષા એજન્સી ના ડર થી દરિયામાં ફેંકી દેતા દરિયાઈ પ્રવાહ સાથે દરિયાકાંઠે તણાઈ આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે તમામ પેકેટ પર નાબોબ કોફી કોકો લખ્યું છે. આથી કોફી ની આડ માં ડ્રગ્સ ઘુસાડવાનું કારસ્તાન હોવાનું જણાઈ રહ્યું છે. ઉપરાંત તેના પર મળી આવેલ બાચકા પર પાકિસ્તાનની હબીબ સુગર મિલ અને વ્હાઈટ રીફાઈન્ડ સુગર ,પ્રોડક્ટ ઓફ પાકિસ્તાન પણ લખ્યું છે. આથી આ ડ્રગ્સ પણ પાકિસ્તાન થી જ આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે.