પોરબંદર

પોરબંદરના નજીકના બિલેશ્વર ગામની સીમમાં છ શખ્સોએ ધારીયા-કુહાડી વડે હુમલો કરી બેફામ માર મારી,કારમાં આગ લગાડી રાજકોટ એસઆરપીના ડીવાયએસપીના પત્ની તથા ડ્રાયવર સહિત ૩ ઉપર હુમલો કરવાની સાથોસાથ રિવોલ્વરની પણ લુંટ કરી હોવાની ચોંકાવનારી પોલીસ ફરિયાદ થતાં ભારે ચકચાર જાગી છે.

રાજકોટના ઘંટેશ્વર માં આવેલા એસઆરપી કેમ્પમાં રહેતા મુળ હનુમાનગઢના આશાબેન અરભમભાઇ ગોઢાણીયાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે,તેના પતિ અરભમભાઇ રાણાભાઇ ગોઢાણીયા રાજકોટ એસઆરપીમાં ડીવાયએસપી તરીકે નોકરી કરે છે.અને તેમની ખેતીની જમીન બિલેશ્વર વિસ્તારમાં હોવાથી તેની દેખરેખ પોતે રાખે છે.

આથી ગઇકાલે તેઓ પોતાની વેગનઆર કાર લઇને ડ્રાયવર અનંતભાઇ તથા તેમની સાથે રહેતા અજયભાઇને લઇને બિલેશ્ર્‌વર ગામે ખેતીની જમીન છે ત્યાં નિકળ્યા હતા,રાણાવાવમાં કોર્ટનું કામ પૂર્ણ કરી ખેતરે જતા હતા.ત્યારે તેમના ખેતરના જુના મકાન પાસે જમવાની તૈયારી કરતા હતા.તે દરમિયાન બાજુના ખેતરવાળા કાઢીયાનેસમાં રહેતા જગા કારા મુશાર, કરશન કારા મુશાર, ભીમા કારા મુશાર, અનિલ કારા મુશાર, ઉકા મૈયા મુશાર, જીવા રાજા ઘેલીયા વગેરે લાકડીઓ, ધારીયા, કુહાડી લઇને આવી પહોંચ્યા હતા અને આશાબેનને ગાળો દેવા લાગ્યા હતા.

આથી જગાભાઇને ગાળો બોલવાની ના પાડતા જગો અને તેની સાથે રહેલા માણસો ઉશ્કેરાઇ ગયા હતા અને ‘આ લોકોને આડેધડ મારો’ તેમ કહેતા એ શખ્સો અનંતભાઇ અને અજયભાઇ ઉપર લાકડી અને ધારીયાવડે તુટી પડયા હતા. મહીલા પણ બચાવવા માટે વચ્ચે પડતા જગા એ ધારીયાનો ઘા આશાબેનની ડોક ઉપર માર્યો હતો.અને અન્ય સૌને પણ ઇજાઓ થઇ હતી.

જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં પરંતુ અનંતભાઇએ સ્વબચાવ માટે રિવોલ્વર રાખી હતી તે પણ આંચકી લીધી હતી.અને લુંટીને જતા હતા.એ દરમિયાન વેગનઆર કારને પણ આગ ચાંપી દીધી હતી. આથી બનાવ અંગે તેના પતિને ફોન દ્વારા જાણ કરતા પોલીસ તથા ૧૦૮ એમ્બ્યુલન્સ આવી હતી અને અનંતભાઇને પગમાઁ ફેકચર તથા અજયને મુંઢ ઇજા થઇ હોવાથી તેમને સારવાર માટે લવાયા હતા તથા આશાબેનને દેખીતી ઇજા થઇ નહીં હોવાથી સારવાર લીધી નથી.
પોલીસ ફરિયાદમાં બનાવનું કારણ એવું જણાવાયું છે કે,બિલેશ્વર ગામે આશાબેને જમીન લીધી હોવાથી આ બાબત આરોપીઓને પસંદ નહીં હોવાથી તેની દાઝ રાખીને આ હુમલો કરી,રિવોલ્વર લુંટી,કાર સળગાવી હોવાનું ફરિયાદમાં જણાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement