પોરબંદર
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આરોગ્યકર્મીઓ ની દિવાળી ની રજાઓ રદ કરી છે.આથી પોરબંદર સિવિલ હોસ્પિટલ,કોવીડ હોસ્પિટલ અને લેડી હોસ્પિટલ ના તબીબો સહીત નો સ્ટાફ દર્દીઓ ની સારવાર કરી દિવાળી પર્વ ની ઉજવણી કરશે.

એક તરફ શિયાળાની શરૂઆત,અને બીજી તરફ તહેવારોની સીઝન.કોરોનાના કેસ વધવા માટે બંને કારણો જવાબદાર છે.છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોનાના કેસ વધતા દિવાળીમાં કોરોના‌ સંક્રમણ ફેલાવવાની ભીતિએ આરોગ્ય વિભાગ દ્વારા વિભાગના તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરાઈ છે.

કોરોના મહામારીમાં ફ્રન્ટ લાઇન યોધ્ધા તરીકે ડોક્ટરો અને મેડિકલ સ્ટાફ જીવના જોખમે અને ખડા પગે સેવા આપી રહ્યા છે.દિવાળીના તહેવારો શરુ થયા છે.દિવાળી ની રજા દરમિયાન ડોક્ટરો અને મેડીકલ સ્ટાફ ફરવા જતો હોય છે.

પરંતુ આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખીને રજાઓ રદ કરાતા પોરબંદર સિવિલ હોસ્પિટલ,લેડી હોસ્પિટલ અને કોવીડ હોસ્પિટલ નો સ્ટાફ દર્દીઓ ની સારવાર કરી ને દિવાળી ની ઉજવણી કરશે.કોવિડ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર કે.સી. વ્યાસ,ડો. જોખિયા,ડો. તક્ષીલા ભાદરકા અને ડો. નિરાલી ઓડેદરા તહેવારમાં પણ સતત ખડેપગે રહેશે.

તો ૧૪ થી વધારે નર્સિંગ સ્ટાફ પણ કોવીડ વોર્ડ માં ફરજ બજાવશે જ્યારે શિફ્ટ થયેલ સિવિલ   હોસ્પિટલ માં  ડો. દેવેન્દ્ર સોજીત્રા,ડો મકવાણા,ડો મોઢા  સહિતના તમામ તબીબ ઉપરાંત લેડી હોસ્પિટલ ખાતે તબીબ અને સ્ટાફ ફરજ પર રહી દર્દીઓની સારવાર કરી તહેવાર ની ઉજવણી કરશે.હાલ માં કોવિડ હોસ્પિટલ ખાતે 9 કોરોના પોઝિટિવ દર્દી તથા સેમી આઇસોલેશન ખાતે ૧૨ થી વધુ દર્દી, સિવિલ હોસ્પિટલ ખાતે 25 થી વધુ દર્દી ઉપરાંત લેડી હોસ્પિટલ ખાતે 15 થી વધુ દર્દી સારવાર લઇ રહ્યા છે.

Advertisement