પોરબંદર

પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી શ્વાન નો ત્રાસ વધ્યો છે.તેમ જણાવીને લોકોની ફરિયાદો વધી હોવાથી નગર પાલિકાનું તંત્ર આવા શ્વાનો ને પકડવાની કામગીરી કરાવી રહ્યું છે.પરંતુ તેમાં મોટાભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને શ્વાનને અત્યાચાર થાય તે રીતે ક્રૂરતાથી પકડવામાં આવતા હોવાના વિડિયો અને આધાર પુરાવા સાથે જવાબદાર કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા પોરબંદરની જીવ દયા પ્રેમી યુવાનોની સંસ્થા દ્વારા માંગ કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કુતરાઓ નો ત્રાસ વધ્યો છે.તેમ જણાવીને લોકોને અવારનવાર ફરિયાદો નગરપાલિકાના તંત્ર સુધી પહોંચતી હોવાથી પાલિકાના તંત્રે જુદા જુદા વિસ્તારોમાં કુતરા પકડવા માટેની કામગીરી શરૂ કરી છે.પરંતુ તેમાં અમુક વિસ્તારોમાં નિયમનું ઉલ્લંઘન કરીને તેમના ઉપર અત્યાચાર થાય તે રીતે તેઓને પકડવામાં આવી રહ્યા હોવાના વિડિયો અને આધાર પુરાવા સાથે ગ્રુપ ફોર વર્ડ એનિમલ્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે.

ગ્રુપના જાગૃત યુવાન હિતેશભાઈ કડેગીયા ના પત્ની વાલીબેન દ્વારા કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એવા પ્રકારની પોલીસ ફરિયાદ અરજી આપવામાં આવી છે કે રવિવારે સવારે સાડા દસ વાગ્યાના સુમારે છાયા વિસ્તારમાં વોર્ડ નંબર 10 માં અશોક પાન વાળી ગલીમાં અને છાયા વિસ્તારમાં ખૂબ જ ઘાતકી રીતે,જીવલેણ ઇજાઓ થાય એ રીતે અતિશય નિર્દયતાથી જાણીજોઈને કૂતરાઓને ચીપિયા વડે પકડીને રોડ ઉપર ઘસડીને કચરો એકત્ર કરવાના ડબ્બામાં પુરવામાં આવી રહ્યા હતા.

આ રીતે કૂતરાઓને પકડવાથી તેના શરીરના બહારના અને અંદરના અવયવોને ભયંકર નુકસાન પહોંચી શકે છે.અને તેનું મૃત્યુ થવાની પણ શક્યતાઓ રહે છે.આથી નિર્દયતાથી કૂતરાઓને જે પાલિકાના કર્મચારીઓ પકડી રહ્યા હતા.તેની વીડિયો ક્લિપ પણ અમારી પાસે પુરાવા રૂપે છે અને તે પણ અમે પોલીસને રજૂ કરી રહ્યા છીએ.કુતરાઓ ને પકડવા માટે જે વાહનમાં ઉપયોગમાં લેવાયું છે તે નગરપાલિકાનું વાહન હોવાથી આ કામ નગરપાલિકાના કર્મચારીઓએ કરેલું જણાય છે.

પાલિકાના રસીકરણ અને ખસીકરણ કરવા સિવાય કોઈપણ પ્રાણીને કાયદેસર પકડી શકે નહીં જો રસીકરણ કે ખસી કરણ કરવા માટે પકડે તો પણ તેમના રહેવા અને ખાવાપીવાની યોગ્ય વ્યવસ્થા તથા તેઓને ફરીથી યથાસ્થાને પરત મુકવાની જવાબદારી નગરપાલિકાની હોય છે.

આ કુતરા પકડવા ના આખા પ્રકરણમાં જુદાજુદા ત્રણ બાબતમાં કાયદાઓનો ભંગ થયો જણાય છે.
1.એક તો કુતરા પકડવા માટે જે ચીપિયા જેવા સાધનોનો ઉપયોગ કરવામાં આવેલ છે.તે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા ના 2001 ના કાયદા મુજબ હાઈકોર્ટના હુકમથી બિનકાયદેસર છે.તો આ કૃત્ય કરનાર એ હાઇકોર્ટના હુકમનું ઉલ્લંઘન અને અનાદર કરેલ છે તે સ્પષ્ટપણે વીડિયોમાં દેખાઇ રહ્યું છે.
2.કુતરા અને તેના રહેઠાણ થી અન્ય જગ્યાએ ખસેડવા માટે ચીપિયાથી ક્રૂરતાપૂર્વક ઢસડીને કચરાના ડબ્બામાં ફેંકવામાં આવેલા છે.જે પશુ ક્રૂરતા અધિનિયમ ipc section 328 હેઠળ ગુન્હો બને છે.

3 પકડવામાં આવેલા કૂતરાને પૂરવા માટે નગરપાલિકાના કચરો ભરવાના વાહનનો ઉપયોગ કરવામાં આવેલ છે.

આ ત્રણે બાબતો બિનકાયદેસર છે.તેથી વીડિયો ક્લીપમાં દેખાતા નગરપાલિકાના કર્મચારીઓ અથવા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ અથવા એ સિવાયના જવાબદાર તમામ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ છે.તે પ્રકારની ફરિયાદ અરજી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે.જેમાં ફરિયાદી વાલીબેન હિતેશભાઈ બન્યા છે.

લોકોને સુવિધા અપાવવાના નામે પ્રાણીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે.તેમ જણાવીને ગ્રુપ ફોર વર્ડ એનિમલ ના સ્થાપક ડોક્ટર નેહલબેન કારાવદરા એ પણ કમલાબાગ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર સિસોદિયા ને મૌખીક રીતે રજૂઆત કરીને જણાવ્યું હતું કે આ રીતે નગર પાલિકાનું તંત્ર બેરહેમીથી કૂતરાઓને પકડી શકે નહીં માટે જવાબદાર કર્મચારીઓ સામે એફ.આઈ.આર થવી જોઈએ તેવી અમારી માંગ છે.

પોલીસ નો ગુનો નોંધવા ઇનકાર થયા બાદ ફરિયાદ અરજી લેવાઈ 

પોરબંદરના જીવદયાપ્રેમીઓ ડોક્ટર નેહલબેન કારાવદરા,હિતેશભાઈ કડેગીયા રમેશભાઈ ઓડેદરા,ભીમભાઇ રાતિયા, રામભાઇ ઓડેદરા,મિત રાઠોડ,કિશોરભાઈ કેશવાલા,દિલીપભાઈ ગાંગડીયા,વૈશાલીબેન,ગીતાબેન,રાજુભાઈ શર્મા સંજયભાઈ ઓડેદરા વગેરે કમલાબાગ પોલીસ મથકે રૂબરૂ રજૂઆત કરવા દોડી ગયા ત્યારે શરૂઆતના તબક્કે તો પોલીસે આ પ્રકારની કોઇ ફરિયાદ લઇ શકાય નહિ તેમ જણાવી દીધું હતું,અને નગર પાલિકાનું તંત્ર એમનું કામ કરે છે. તેમ જણાવીને પાલિકાનો બચાવ કર્યો હતો.

પરંતુ ત્યારબાદ કુતરાઓને ક્રૂરતાપૂર્વક પકડવામાં આવી રહ્યા છે.અને તે કાયદાની વિરુદ્ધ છે.તે પ્રકારની કલમો અને કાયદાઓ પોલીસને સમજાવવામાં આવ્યા હતા.અને તેના માટે એડવોકેટ નો પણ સહારો લેવામાં આવ્યો હતો.અને ત્યારબાદ પોલીસ તંત્રને પણ થોડું ઘણું હળવું બનવાની ફરજ પડી હતી.તથા ફરિયાદ અરજી આપવા જણાવ્યું હતું અને આગળની તપાસ હાથ ધરાશે તેવી ખાતરી આપી હતી.
જુઓ આ વિડીયો

Advertisement