પોરબંદર
રાજ્ય સરકાર દ્રારા ઉતરાયણપર્વ નિર્મિતે તા.૧૧ જાન્યુઆરીથી શરૂ કરેલા કરૂણા અભિયાનને પોરબંદર જિલ્લામાં વન વિભાગ, વિવિધ સંસ્થાઓ તથા મેડિકલ ટીમના પ્રયાસોથી તથા લોકોના સાથ સહકારથી પતંગના દોરાથી ઘવાયેલા ૭૫ થી વધુ પક્ષીઓનો બચાવ કરવામાં આવ્યો છે. લોક જાગૃતિના કારણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

Advertisement

“એક પરિંદુ ઊડે ને આખો મલક જીવતો થઇ જાય, ઇ કાંય ઓછો જાદુ છે?” આ સંવાદ લોકપ્રિય નવલકથા સમુદ્રાન્તિકેમાં આવે છે. એક પક્ષીનો મીઠો અવાજ કે તેની ઉડતી પાખો જોઇને માણસ ક્ષણિક આનંદિત થઇ ઉઠે છે. તથા ઘવાયેલા પક્ષીને તડફડતુ જોઇને માણસનો જીવ કાપી ઉઠતો હોય છે. ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સંવેદનશીલ અભિગમના કારણે સમગ્ર રાજ્યમાં ઉતરાયણ પર્વ નિર્મિતે શરૂ કરેલ કરૂણા અભિયાનને પોરબંદર જિલ્લામાં ખુબ જ સારૂ લોક સમર્થન મળ્યુ છે.

આર.એફ.ઓ. જે.બી.ગઢવીએ કહ્યુ કે, તા.૧૧ જાન્યુઆરીથી પોરબંદર જિલ્લામાં કરૂણા અભિયાન ચાલુ કરાયુ છે. કલેકટરશ્રી ડી.એન. મોદીના માર્ગદર્શન હેઠળ તથા DCFશ્રી પંડ્યાના સંકલનમા પ્રકૃતિ સાથે સંકળાયેલા ૬૦ જેટલા સ્વયંસેવકો, વિવિધ સંસ્થાઓ તથા ડોકટર્સ ટીમ વન વિભાગ સાથે જોડાયને તાલુકા અને જિલ્લા મથકે કામ કરે છે. જેથી પોરબંદર જિલ્લામાં ઉતરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી ઘવાયેલા ૭૫ થી વધુ પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. જ્યારે ૪ પક્ષીઓ દોરાથી વધારે ઘવાતા મૃત્યુ પામ્યા છે.

વાઇલ્ડ લાઇફના સાત ડોકટર્સ દ્રારા પતંગના દોરાથી ઘવાયેલા કુંજ, ટીટોડી, કોયલ, કબુતર, ફલેમીંગો, કાગડો વગેરે પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્રારા શાળા કોલેજોમાં અવેરનેસના કાર્યક્રમો કરી પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓના સારવાર માટે કરૂણા અભિયાનનો સંપર્ક કરવા અપીલ કરાઇ હતી, લોકજાગૃતિ માટે સાયકલ રેલી યોજવામાં આવી હતી. તથા સોશ્યલ મીડિયાના માધ્યમથી કરૂણા અભિયાનમાં જોડાવા અપીલ કરાઇ હતી. પોરબંદર જિલ્લામાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પોરબંદર શહેર  તથા દૂરના ગામડામાં રહેતા ખેડૂતોએ પણ હેલ્પલાઇન પર ફોન કરીને પતંગના દોરાથી ઘવાયેલા કેટલાય પક્ષીઓને બચાવવા વન વિભાગને સાથ સહકાર પુરો પાડયો છે.

વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા મુંબઇથી પતાના સાથી ડોકટર દક્ષ મંડોન સાથે આવેલા  ડો. હેના ગંજવાલાએ કહ્યુ કે, હું છેલ્લા પાંચ વર્ષથી જુદી જુદી જગ્યાએ કરૂણા અભિયાન હેઠળ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ગુજરાત આવુ છું. રાજ્ય સરકારના આ અભિયાન થકી દર વર્ષે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓની સંખ્યામાં ઉતરોતર ઘટાડો થઇ રહ્યો છે. અન્ય શહેરોની સરખામણીએ પોરબંદરમાં પ્રવાસી પક્ષીઓની સંખ્યા ઘણી વધારે છે. શહેરમાં ઘાયલ થયેલા પક્ષીઓમાં સૌથી વધુ કબૂતરો છે. ઘાયલ થયેલા પક્ષીઓ સંપુર્ણ સ્વસ્થ થઇ જાય ત્યા સુધી અહીં RFO પક્ષી અભ્યારણ્ય કચેરી ખાતે રાખવામાં આવે છે. સામાન્ય રીતે પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને ઠીક થતા ૧૫ દિવસથી ૧ મહિના જેટલો સમય લાગે છે. આ વર્ષે સૌથી વધુ કબૂતરો ઇજાગ્રસ્ત થયા છે. જેઓને પણ સારવાર પુરી પાડવામાં આવી છે.

વન વિભાગ તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા પોરબંદર જિલ્લામા પતંગ ચગાવવા લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે, વહેલી સવારે તથા સાંજના સમયે આાકાશમા પક્ષીઓ વિહરતા હોવાથી આ સમય દરમિયાન પતંગ ઉડાવવી નહી, કાચ પાયેલ દોરીથી પતંગ ચગાવવી નહી, કે આવી દોરીનુ વેચાણ કરવુ નહી સહિતના અભિયાન હાથ ધરી કરુણા અભિયાનમા સહયોગ આપવા લોકોને અપીલ કરાઇ હતી. જેથી પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવામા સફળતા મળી છે.  ઉતરાયણ પર્વ નિમિતે રાજ્ય સરકાર દ્રારા શરૂ કરાયેલ કરૂણા અભિયાન તા.૨૦ જાન્યુઆરી સુધી પોરબંદર જિલ્લામાં ચાલશે અને પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને સારવાર પુરી પાડવામાં આવશે.

જુઓ આ વીડિયો


 

Advertisement