પોરબંદર

છેલ્લા બે દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે,ત્યારે જૂનાગઢ અને જામનગર સહિત પોરબંદરમાં પણ અનરાધાર વરસાદ પડતા પોરબંદરના ઘેડ અને બરડા વિસ્તારમાં ઠેર પાણી ભરાયા છે. પોરબંદર જિલ્લામાં હાલ અત્યાર સુધીમાં સીઝનનો કુલ 29 ઇંચ જેટલો વરસાદ થયો છે.

છેલ્લા બે દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે,ત્યારે જૂનાગઢ અને જામનગર સહિત પોરબંદરમાં પણ અનરાધાર વરસાદ પડતા પોરબંદરના ઘેડ અને બરડા વિસ્તારમાં ઠેર પાણી ભરાયા છે.ગઈ કાલે રાત્રી થી આજે સાંજ સુધી માં પોરબંદર શહેર માં ચાર ઇંચ,કુતિયાણા માં ચાર ઇંચ અને રાણાવાવ માં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો.વરસાદ ના કારણે શહેર ના અનેક વિસ્તારો માં પાણી ભરાયા હતા.તો ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે,ત્યારે NDRFની ટીમ દ્વારા સ્થાનિક લોકો તથા માછીમારો સાથે મળી ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.ઘેડ વિસ્તારમાં બળેજ અમીપુર જતા રસ્તામાં પણ ચારે કોર પાણી ફરી વળ્યાં છે.

Advertisement

પોરબંદર તાલુકામાં સીઝન નો કુલ વરસાદ 28 ઇંચ, કુતિયાણા તાલુકામાં 30 ઇંચ અને રાણાવાવ તાલુકાનો 29 ઇંચ વરસાદ નોંધાયો છે.ભાદર અને વર્તુ ડેમના પાટિયા ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ખસી જવાની સૂચના પણ આપવામાં આવી છે.આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.વરસાદનું પાણી દરિયામાં જાય તે માટે ગોસાબારા પાસે રેતીનો પારો તોડવામાં આવ્યો છે.

જિલ્લાના 964 અસરગ્રસ્ત લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
પોરબંદર જિલ્લામાં તથા ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નિચાણવાળા તથા અસરગ્રસ્ત લોકોને જિલ્લા કલેકટર અશોક શર્મા ના માર્ગદર્શન હેઠળ વહિવટી તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત કુતિયાણા તાલુકામાંથી 285, પોરબંદર તાલુકામાંથી 544 તથા રાણાવાવ તાલુકામાંથી 134 લોકો એમ સમગ્ર જિલ્લામાંથી 964 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતર કરાયેલા લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
જિલ્લામાં 19 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા

બે દિવસ પહેલા અતિ ભારે વરસાદના કારણે પોરબંદર- જુનાગઢ જતો  રસ્તો ચૌટા નજીક પાણી ભરાયેલ હોવાથી  બંધ કરવામાં આવ્યો હતો, ત્યારે પોરબંદર જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદના કારણે નદીઓમાં પૂર તથા ઉપરવાસમાંથી પાણી આવવાથી પંચાયત માર્ગ અને મકાન વિભાગ પોરબંદર દ્વારા જિલ્લામાં જુદા-જુદા 19 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં ભડ ચિકાસા રોડ, અમીપુર બળેજ રોડ, કડછ મંડેર રોડ, પાતાસરમાં રોડ, રાતીયા ગોગન બેટ રોડ, નેરાણા છત્રાવા રોડ, એરડા પાદરડી રોડ, જાંબુ પાદરડી રોડ, ગોસા-મોકર-બાપોદર- કંડોરણા રોડ, કોયાણા -જાંબુ- કેરાળા-બપોદર રોડ, સેગરસ છત્રાવા રોડ, જમરા છત્રાવા રોડ, છત્રાવા મહિયારી રોડ, મહિયારી ધરસણ, મહિયારી બળેજ રોડ, ધરસણ રેવદ્ર કદેગી રોડ, ઘરસણ ગઢવાણા સમેગા રોડ, દેસિગા મોડદર રોડ, કંટ્રોલ એપ્રોચ રોડ હાલ વધુ વરસાદના કારણે બંધ કરાયા છે.ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થયા બાદ સંભવિત 18 સપ્ટેમ્બરના રોજ રસ્તો ખોલવામાં આવશે.

વર્તમાન સમયમાં વધુ વરસાદની આગાહી બાબતે તકેદારીના પગલા ભરતી પોરબંદર પોલીસ

પોરબંદર પોલીસ અધિક્ષક રવિ મોહન સૈની ની સુચના અને માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ દ્વારા જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નીચાણવાળી જગ્યાઓ ઉપર કે જયાં વધુ વરસાદ પડવાથી પાણી ભરાઇ જતા હોય તેવી જગ્યાએ જઇ તકેદારીના સ્થાનિક લોકોને માહિતગાર કર્યો તેમજ દરીયાઇ વિસ્તારની આજુબાજુનાં સ્થાનિક મચ્છીમારોની અલગ અલગ ટીમો બનાવી તેઓને અતિવૃષ્ટી સામે કઇ રીતે રંક્ષણ મેળવવું તેની સમજ અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું. તેમજ વધુ વરસાદના સમયમાં લોકોને બચાવ ટીમ તથા જીલ્લા હેલ્પલાઇન નં.૧૦૭૦ તથા ૧૦૦ નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.

પોરબંદર માં માછીમારો ને તા ૧૭ સુધી દરિયો ન ખેડવા સુચના:ફિશિંગ માં રહેલ બોટો ને પરત ફરવા સુચના
સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લાના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવાઇ છે. જેમાં પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા દરિયામાં ગયેલ તમામ માછીમારોને બોટ સાથે પરત આવવા માટે સૂચના આપી દેવાઇ છે. બોટ ધારકોને માછીમારી કરવા ટોકન પણ નહીં અપાય. જે અંગે ફિશરીઝ વિભાગે પરિપત્ર બહાર પાડી જણાવ્યું હતું કે ગાંધીનગર ફિશરીઝ વડી કચેરી તેમજ ભારતીય હવામાન ખાતુ અમદાવાદના પ્રેસ રીલીઝ મુજબ ખરાબ હવામાન અન્વયે દરીયામાં માછીમારી માટે ગયેલ તમામ ફીશીંગ બોટોને તાત્કાલીક પરત આવવા સુચના આપવામાં આવે છે. તેમજ તા.૧૩/૦૯/૨૦૨૧ થી તા.૧૭/૦૯/૨૦૨૧ સુધી ફીશીંગ બોટોને માછીમારી માટે ટોકન ઇસ્યુ ન કરવા આી સુચના આપવામાં આવે છે.

પંદર ના રેસ્ક્યુ ઓપરેશન કરી જીવ બચાવાયો 

કુતિયાણા ના ટેલીફોન એક્સચેન્જ પાછળ ના નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાતા એનડીઆર એફ ની ટીમ દ્વારા ચાર લોકો ને બોટ મારફત રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.તો ચૌટા નજીક થી પણ દસ લોકો નું રેસ્ક્યુ હાથ ધરાયું હતું ઉપરાંત નેરાણા ગામના ધીરૂભાઇ કાનાભાઇ ભૂતિયા (ઉવ ૫૫)પણ ગત રાત્રે  દેરોદર અને એરડા ગામની વચ્ચે થી ગઈ કાલે રાત્રે પસાર થતા હતા. ત્યારે દેરોદરથી ૧૫૦૦ મીટર દુર અને એરડાથી ૫૦૦ મીટર દુર ઓચિંતા જ ભાદર-૨ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ધીરૂભાઇ પોતાનો જીવ બચાવવા માટે બાવળના વૃક્ષની ડાળી પકડીને પ્રયાસ હાથ ધર્યો હતો ત્યાર બાદ ફાયર બ્રિગેડ તેઓને બચાવવા માં નાકામ રહેતા કલેકટર દ્વારા સુરક્ષા એજન્સી ના હેલિકોપ્ટર ની પણ મદદ લેવાઈ હતી પરંતુ હેલીકોપ્ટર આવતા પવન ના કારણે ધીરુભાઈ ના હાથ માંથી વૃક્ષ ની ડાળીઓ છુટી જતા તેઓ પાણી માં ગરકાવ થયા હતા જેનો બાદ માં ગોસાબારા ના માછીમારો એ બચાવ કર્યો હતો

લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઇ
પોરબંદરમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Advertisement