Thursday, March 30, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ની છાયા કન્યાશાળા,તળપદ સ્કુલ તથા બળેજ પે સેન્ટર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

પોરબંદર

પોરબંદર ની છાયા કન્યાશાળા,તળપદ સ્કુલ તથા બળેજ પે સેન્ટર શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલેકટર,એસપી તથા ડીડીઓ દ્વારા વિદ્યાર્થીઓ નું સ્વાગત કરી પ્રવેશ અપાયો હતો.

છાયા કન્યા શાળામાં કલેકટરે  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંતર્ગત વિદ્યાર્થિનીઓને સ્કૂલ પ્રવેશ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાની રાજ્ય કક્ષાના શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો છે.આ પ્રસંગે પોરબંદર જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો શુભારંભ કરાયો છે.જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા કલેકટર સહિત મહાનુભાવો/અધિકારીઓની ઉપસ્થિતિમાં સરકારી શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને કુમકુમના તિલક કરીને પ્રવેશ અપાયો હતો.આ તકે છાયા કન્યા શાળામાં જિલ્લા કલેકટર અશોક શર્માએ ધો.૧ની ૨૫ વિધાર્થિનીઓ તથા આંગણવાડીના બાળકોને પ્રવેશ કરાવી પાપા પગલી કીટ અપાઈ હતી. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય વિધાર્થીનીઓના હસ્તે કરાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, કોરોના બાદ ઓફલાઇન શિક્ષણની વસંત આવી છે. શિક્ષકો બાળકોમાં જ્ઞાનની જ્યોત જગાવે અને બાળકોને સર્વાગી શિક્ષણ આપે તે ખૂબ જ જરૂરી છે. દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણ અને શિક્ષકનું ખૂબ જ મહત્વ હોય છે. એટલા માટે જ સમાજમાં શિક્ષકને ગુરુ કહેવામાં આવે છે. શાળાની વિધાર્થિનીઓ શિક્ષણ સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ નામના મળવે તે માટે પ્રયત્નશીલ રહેવા સૂચન કર્યું હતું. આ તકે કલેકટર તથા મહાનુભાવોએ દિકરીઓને સ્વાગત કીટ તથા પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર વિધાર્થિનીઓનું અભિવાદન કર્યું હતું. તથા કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ આપનાર શિક્ષક કેયુરભાઇ જોશીની કામગીરીને બિરદાવી હતી.

બાળકોમાં સહકારની ભાવના અને દેશપ્રેમ જાગે તે દિશામાં વધુ મહેનત કરવા શિક્ષકોને આહ્વાન કર્યું હતું. પ્રવેશ ઉત્સવ માટેના દાતા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મુખ્ય દાતા કાજલબેન સોલંકીનું કલેકટરએ સન્માન કર્યું હતું. આ તકે કાજલ બહેને કહ્યું કે, “બાળકો ભગવાનનું સ્વરૂપ હોય છે, શાળામાં હસતું રમતું અને ભણતું બાળક જોઈને આપણો આત્મા ખીલી ઊઠતો હોય ત્યારે બાળકોને સ્ટેશનરી કીટ, પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે શિક્ષકો હંમેશા ઉત્સાહીત હોઈએ છીએ”.

કલેકટરએ મધ્યાન ભોજનમાં તૈયાર ભોજન ટેસ્ટ કરીને બાળકોને સરકાર દ્વારા અપાતું ભોજન યોગ્ય માત્રામાં અને ગુણવત્તાયુક્ત છે કે નહીં તેની તપાસ કરી સ્કૂલના પટાંગણમાં સરગવો, દાડમ જેવા છોડ ઉછેરવા કહ્યું હતું. તથા વિદ્યાર્થીનીઓ માટે આરોગ્ય કેમ્પ યોજાય અને છાયા કન્યા શાળા એનિમિયા મુક્ત શાળા બને તેવા પ્રયાસો કરવા કહ્યું હતું. આ તકે શાળામાં કાર્યરત પ્રજ્ઞા અને જ્ઞાનકુંજ ક્લાસની મુલાકાત લઈને શિક્ષકોની કામગીરીને કલેકટરએ બિરદાવી હતી. તથા વાલીઓ તિથિ ભોજનમાં સહયોગ આપે તેવી અપીલ પણ કરી હતી.

કાર્યક્રમમાં સી.આર.સી. ભગીરથભાઇ મંડેરા,શાળાના આચાર્ય નીતાબેન પરમાર,નગર સેવક જયેશભાઇ કારાવદરા , શિક્ષકો,આંગણવાડીના બહેનો,બાળકો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન પણ શાળાની વિદ્યાર્થિની વાળા અવનીબેને કર્યું હતું. બાળાઓએ મનુષ્ય તુ બડા મહાન હૈ ગીત ગાયું હતું. તથા ધો.૮ ની વિધાર્થિની હિરલબેન બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર તથા ચાવડા જીયાએ યોગ વિશે વક્તવ્ય આપ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ  વિધાર્થીઓને પ્રવેશ અપાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાની રાજ્ય કક્ષાના શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો છે.આ પ્રસંગે પોરબંદર જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો શુભારંભ કરાયો છે.જિલ્લા વિકાસ અધિકારી વિ.કે. અડવાણીએ બળેજ પે.સેન્ટર શાળા, ભુવાકેડાનેશ પ્રાથમિક શાળામાં તથા રાતીયા નેશ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનો શુભારંભ કરાવ્યો હતો.તથા આંગણવાડીના ભૂલકાઓને પણ પા પા પગલી કીટ આપીને આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિધાર્થીઓને જીવનમાં શિક્ષણના મહત્વ વિશે સમજાવીને જણાવ્યું કે, જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા શિક્ષણ ખૂબ જ મદદરૂપ બને છે. તથા સમયપાલન અને નિયમિતતા બાબતે બાળકો, શિક્ષકો અને વાલીઓને સમજ આપી હતી. આ ઉપરાંત પર્યાવરણનું જતન શાળામાં ભૌતિક સાધનોનો સદઉપયોગ વગેરે બાબતે વિસ્તારથી સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય હિરાબેન મોરી તાલુકા પંચાયતના સદસ્ય હિરિબેન દાસા, મેરૂભાઇ પરમાર, રાજુભાઇ ઉલવા, સરપંચ જગુભાઇ રાતીયા, દેવાભાઇ મોરી તથા સીઆરસી અમરેલીયા સહિત શાળાના આચાર્ય શિક્ષકો તથા વિધાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તળપદ શાળામાં શાળા પ્રવેશોત્સવ નિમિત્તે બાળકોને પ્રવેશ અપાવતા જિલ્લા પોલીસ વડા 

પોરબંદર જિલ્લામાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદરની તળપદ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ માં ૨૩ શારદામંદિર શાળામાં ધોરણ-૧માં ૩૨ અને બ્રાન્ચ શાળામાં ૧૫ બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

આ ત્રણેય શાળામાં પોરબંદરના જિલ્લા પોલીસ વડા ડૉ.રવિ મોહન સૈની ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે પોલીસ વડાએ જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા અનેક નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તમામ બાળકોનું નામાંકન થાય અને બાળક અધવચ્ચેથી ઉઠી ન જાય તે માટે વાલીઓ શિક્ષકો સંકલન કરીને બાળક પૂરેપુરો અભ્યાસ કરે તે માટે તમામ સ્તરે પ્રયાસો કરવા તેમણે જણાવ્યું હતું. તેઓએ શિક્ષકો પાસેથી શાળામાં થતી વિવિધ પ્રવૃતિઓની જાણકારી મેળવી હતી અને શારદા મંદિર શાળા ખાતે સ્માર્ટ ક્લાસ રૂમ નું પણ નિરીક્ષણ કર્યું હતું. બાળકોને આપવામાં આવેલા આપવામાં આવી રહેલા શિક્ષણ અંગે જાણકારી મેળવી હતી. એસ પી. એ તેજસ્વી બાળકો નું સન્માન પણ કર્યું હતું.

આ પ્રસંગે તળપદ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ ખ્યાતિબેન અટારા તેમજ શારદામંદિર સ્કૂલના પ્રિન્સિપાલ દિપકભાઈ જોષી, સી.આર.સી. કો-ઓર્ડીનેટર નિરવભાઈ કાંજીયા અને શિક્ષકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે