પોરબંદર
પ્રવાસનની ગ્રાન્ટમાંથી કરોડોના ખર્ચે ચોપાટી બીચનું નિર્માણ કરવામાં આવ્યું છે જેની મુલાકાતે દરરોજ હજારો લોકો આવતા હોય છે, પરંતુ આ ચોપાટી બીચ પર ચારેય એન્ટ્રી ગેટ પર દિવ્યાંગો કે વૃધ્ધોના પ્રવેશ માટેની કોઈ વ્યવસ્થા ન હોય મોટી ઉમરના વૃધ્ધો તેમજ શારીરીક રીતે અશકત તેમજ દિવ્યાંગોને પ્રવેશવામાં ખુબ જ મુશ્કેલી પડી રહી છે ત્યારે ચોપાટીના પ્રવેશદૂારો પર દિવ્યાંગો અને વૃધ્ધો માટે અલગથી પ્રવેશની વ્યવસ્થા ઉભી કરવા માટે પોરબંદર જિલ્લા યુવક કોંગ્રેસના પુર્વ પ્રમુખ દેવશી મોઢવાડિયાએ પોરબંદરના જિલ્લા કલેકટરને લેખિતમાં પત્ર પાઠવી રજુઆત કરી છે.
ચોપાટી બીચ પર પ્રવેશવાના ચાર દરવાજાઓ ૧, હિન્દુ સ્મશાનભુમિ તરફનો દરવાજો. ૨,હાથી ગ્રાઉન્ડ તરફનો મૃખ્ય દરવાજો. ૩, હોટેલ ઓશિયોનિક પાસેનો દરવાજો અને ૪, કનકાઈ મંદિર તરફનો દરવાજો આ ચારેય પ્રવેશદ્વાર પર પાઇપો માંથી પ્રવેશ કરીને મુલાકાતીઓ અંદર પ્રવેશે છે જયારે મુખ્ય ચારેય દરવાજાઓ પર તાળાં મારેલ હોય આ પાઈપોવાળી એન્ટ્રીમાંથી વૃધ્ધો, ભારે શરીર ધરાવતા લોકો અને વિકલાંગ દિવ્યાંગોને પ્રવેશવામાં લાંબા સમયથી ખુબ મુશ્કેલી પડી રહી છે. દરરોજ કેટલાય વૃધ્ધો અને દિવ્યાંગો ચોપાટી પર સમય પસાર કરવા માટે આવતા હોય તેઓને દરરોજ પ્રવેશવાની આ હાલાકીમાંથી પસાર થવું પડે છે. ઉપરાંત બહારગામ – દેશવિદેશથી આવતા મુલાકાતીઓને પણ આ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ અંગે દેવશી મોઢવાડિયાએ કરેલી રજુ આતમાં વધુ માં જણાવ્યું હતું કે જાહેર સ્થળો તેમજ સરકારી બિલ્ડીંગોમાં દિવ્યાંગો માટે પ્રવેશની અલાયદી વ્યવસ્થા માટેની સ્પષ્ટ માર્ગદર્શિકા હોવા છતાં ચોપાટી પર તેનો કોઈ અમલ થયેલ નથી. વૃધ્ધો, દિવ્યાંગોને ચોપાટી પર પ્રવેશવા માં પડતી મુશ્કેલી હલ કરવા અને અલગથી પ્રવેશવાની વ્યવસ્થા ઉભી કરવા આ અગાઉ વખતો વખત પોરબંદર નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે આ અંગે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે

Advertisement