પોરબંદર

Advertisement

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “ફીટ ઈન્ડીયા મુવમેન્ટ લોન્ચ કરીને યુવાપેઢી તન-મનથી સ્વસ્થ રહે તે માટે પગપાળા યાત્રા ઉપર ભાર મૂક્યો છે અને તે અંતર્ગત જુદી-જુદી શાળા, કોલેજોને પણ સરકારી રાહે પરિપત્ર મોકલીને આ મુવમેન્ટ અંતર્ગત કાર્યક્રમ કરવા જણાવ્યું હતું. પરંતુ પોરબંદરમાં ગોઢાણીયા મહિલા કોલેજની પત્રકારીત્વના સર્ટિફીકેટ કોર્ષના અભ્યાસ સાથે સંકળાયેલી 51 યુવતીઓએ સરકારી કાર્યક્રમની અમલવારી અનુસંધાને નહીં પરંતુ સ્વતંત્ર રીતે અલગ કાર્યક્રમના ભાગરૂપે પોરબંદર નજીક આવેલા 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા બરડા ડુંગર અને તેના ગાઢ જંગલમાં 11 હજાર પગલા પાડીને યુવાપેઢી માટે પ્રેરણાદાયક પગલું માંડ્યું છે.
10 હજારને બદલે 11 હજાર પગલા પાડ્યા !
પોરબંદરમાં માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલીત ગોઢાણીયા મહીલા કોલેજ ખાતે હિન્દી વિભાગ દ્વારા સર્ટીફીકેટ કોર્ષ ઇન જર્નાલીઝમનો સર્ટિફીકેટ કોર્ષ ચાલી રહ્યો છે. જેમાં સહભાગી થયેલી 51 યુવતીઓએ વડાપ્રધાન મોદીના ફીટ ઈન્ડીયા મુવમેન્ટમાં 10 હજાર પગલા ચાલવાની અપીલને ઓળંગીને 11 હજાર પગલા પાડ્યા હતા. પોરબંદર નજીક આવેલા બરડાડુંગરમાં હાલ ચોમાસા દરમિયાન પ્રકૃતિ અને પર્યાવરણ ચોમેર ખીલી ઉઠ્યા છે ત્યારે આ કોર્ષનું સંપૂર્ણ માર્ગદર્શન આપતા પોરબંદરના યુવા રીપોર્ટર-પ્રેસ ફોટોગ્રાફર જિજ્ઞેષ પોપટના નેતૃત્વમાં અને હિન્દી વિભાગના અધ્યક્ષ પ્રા. એમ.એન. વાઘેલા ના માર્ગદર્શન હેઠળ યુવતીઓએ બરડો ડુંગર પગપાળા ખૂંદયો હતો અને અલગ-અલગ જગ્યાએ 11 કિલોમીટર ચાલીને 11,000 પગલા પાડ્યા હતા.
જંગલમાં આવેલા અંતરિયાળ સ્થળોની મુલાકાત
પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજની છાત્રાઓએ જંગલમાં આવેલા અંતરિયાળ સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં બીલેશ્ર્વર નજીક આવેલા ફોદાળા ડેમ સાઈટથી અંદરના ભાગે પર્વતમાળામાં કેટલાક કિલોમીટર સુધી ટ્રેકીંગ કર્યું હતું. ત્યારબાદ ત્યાંથી 10 કિલોમીટર દૂર દેવભૂમિ દ્વારકા જીલ્લાના મોડપર ગામે આવેલા ઐતિહાસિક મોડપરના કિલ્લા સુધીનું ટ્રેકીંગ કર્યું હતું. ગાઢ જંગલમાં આવેલા આ સ્થળે પ્રકૃત્તિની મજા માણતા-માણતા અને કર્ણપ્રિય ગીતો ગાતા ગાતા યુવતીઓએ સમગ્ર વાતાવરણને સંગીતમય બનાવી દીધું હતું. ત્યારબાદ ઘૂમલી ગામે બરડાડુંગર ઉપર આવેલા આશાપુરા મંદિરની મુલાકાત લીધા બાદ ત્યાંથી 2 કિલોમીટર અંદર જંગલ અને ડુંગરમાં આવેલ સોનકંસારીના ડેરાની મુલાકાત લીધી હતી. આ ગાઢ જંગલમાં લીલોતરી વચ્ચે દુર્ગમ કેડીઓમાં ચાલીને અને પથ્થર ઉપર ટ્રેકીંગ કરતા-કરતા મહામહેનતે પહોંચી શકાય તેવી જગ્યાએ આધુનિક યુવતીઓ પહોંચી ત્યારે ત્યાં નેસડામાં રહેતા લોકો પણ આશ્ર્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યાંથી સીધા જ ભૃગુકુંડ તરફના જંગલમાં નીચે ઉતરીને પોતાની 11 હજાર કરતા પણ વધુ પગલાની પદયાત્રા પૂર્ણ કરી હતી.
આયોજનને બિરદાવાયું
પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે જર્નાલીઝમના સર્ટિફીકેટ કોર્ષનું ખાસ આયોજન થાય તે માટે રસ દાખવનારા કોલેજ ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઈ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઈ મોઢવાડીયા, ઈન્ચાર્જ પ્રિન્સીપાલ ભરતભાઈ વિસાણા તથા કો-ઓર્ડીનેટર ડો. કેતનભાઈ શાહ સહિત ટીમે આ નવતર આયોજન કરીન ે યુવતીઓમાં સાહસિકતા સહિત પત્રકારત્વ વિષેની દ્રષ્ટિ ખીલે તે માટે મહત્વનું માર્ગદર્શન આપનાર અને સમગ્ર આયોજનના પ્રોજેક્ટ ચેરમેન પ્રેસ રિપોર્ટર-ફોટોગ્રાફર જિજ્ઞેષ પોપટ તથા માર્ગદર્શક પ્રા. એમ.એન. વાઘેલા એમ.એન.,વાઘેલા તેમની સાથે જ જોડાયેલા પ્રા ધૃતિબેન મોનાણી, પ્રા. ક્રિષ્નાબેન મોઢા સહિત ડુંગર ખૂંદનારી 51 યુવતીઓને બિરદાવીને શુભેચ્છા આપી હતી.
પત્રકારત્વની તાલીમ સાથે પ્રેક્ટીકલ અનુભવ અપાયો
પોરબંદરમાં યુવતીઓને પત્રકારત્વની તાલીમ સાથે આ પ્રેક્ટીકલ અનુભવ આપવામાં આવ્યો હતો. ત્યારે તેના હેતુ અંગે પત્રકાર જિજ્ઞેષ પોપટે જણાવ્યું હતું કે દરરોજ અખબારમાં સમાચાર અને ચેનલોમાં ન્યુઝ જોનારો દેશ અને દુનિયાનો બહોળો વગર્ર્ પત્રકારત્વ એટલે કે પત્રકારોની કામગીરીથી અજાણ હોય છે. એક સમાચાર મેળવવા પાછળ કેટલો સંઘર્ષ કરવો પડતો હોય છે? પોરબંદરમાં વણખેડાયેલા પત્રકારત્વના ક્ષેત્ર અંગે યુવા પેઢીમાં સમજ આવે તેવા હેતુસર આયોજન થયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પત્રકારત્વના ક્ષેત્રને સરકારને સાથે ચાલતી સમાંતર સરકાર માનવામાં આવે છે. સરકાર દ્વારા એટલે કે તંત્ર દ્વારા જે કાંઇ ભુલ થતી હોય કે લોકોની સમસ્યાનું નિરાકરણ થતું ન હોય તો જવાબદાર તંત્રની આંખ ઉઘાડવા માટેનો પ્રયત્ન પત્રકારો કરે છે. સમાજના જુદા-જુદા ક્ષેત્રોમાં બનતી ઘટનાઓ લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પત્રકારો કરે છે, લશ્કરના સૈનિકોની જેમ જ ર4 કલાકની ફરજ બજાવતા અને ભાગ્યે જ રજા ભોગવતા પત્રકારોની ખુબ મોટી ફરજ અને જવાબદારી રહે છે. કોઇ દુર્ઘટના ઘટી હોય અથવા તો કોઇ કાર્યક્રમ હોય ત્યાં જઇને ફોટોગ્રાફસ લેવાથી માંડીને ત્યાંની માહિતી કાગળ ઉપર ટપકાવ્યા બાદ તેનેે શબ્દદેહેરૂપ આપીને અખબારમાં કે ચેનલમાં પ્રસારિત થાય ત્યાં સુધીની ફરજ બજાવતા પત્રકારોએ અનેકવિધ કામગીરી કરવાની હોય છે. આજની પેઢી પત્રકારત્વના ક્ષેત્રે આગળ ધપવા પ્રત્યે ઉદાસીન છે પરંતુ અન્યક્ષેત્રો કરતા આ પડકારરૂપ ક્ષેત્રમાં આગળ વધવું સારી બાબત એટલા માટે છે કે, તેનાથી સમાજ સેવા પણ થઇ શકે છે. પત્રકારોને જ્ઞાતિ, જાતિ કે ધર્મ હોતા નથી, દરેક ધર્મના કાર્યક્રમમાં હાજરી આપીને સમાચારનું કવરેજ કરવાનું હોય છે, એટલું જ નહીં પરંતુ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ પ્રશ્ર્નો પુછીને માહિતી એકત્ર કરવાની હોય છે તેમ છતાં ઘણી વખત કેટલાક લોકોની અપેક્ષા સંતોષાતી નથી ત્યારે પત્રકારત્વ વિશે એલફેલ ટકોર કરતા હોય છે પરંતુ તેની પાછળનો સંઘર્ષ જાણતા હોતા નથી તેથી આજની યુવતીઓ આ ક્ષેત્રમાં વધુને વધુ આગળ આવે તેવા હેતુ સાથે આ જર્નાલીઝમ કોર્ષનું આયોજન થયું છે જેમાં વર્ગખંડમાં તાલીમ આપવાની સાથોસાથ આ રીતે પ્રેક્ટીકલ તાલીમ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
આમ, પોરબંદરની 51 યુવતીઓએ બરડાડુંગરનું જંગલ ખૂંદીને 11 હજાર પગલા પાડીને સૌને અનેરો રાહ ચિંધ્યો છે ત્યારે આ યુવતીઓ આજની યુવાપેઢી માટે પ્રેરણારૂપ બની છે.જંગલમાં અનેક જગ્યાએ વૃક્ષોનો વિનાશ જોઈ યુવતીઓ રોષે ભરાઈ
જંગલ વિસ્તારમાં અનેક જગ્યાએ વૃક્ષોનું આડેધડ છેદન જોઈને યુવતીઓ રોષે ભરાઈ ગઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે દારૂના ધંધાર્થીઓ વન-પર્યાવરણને ભયંકર નુકસાન પહોંચાડી રહ્યા છે ત્યારે પોલીસતંત્રની સાથેસાથે વનવિભાગ પણ હવે નક્કર કાર્યવાહી કરે તે જરૂરી છે તેમ જણાવીને વન અને પર્યાવરણ બચાવવાના શપથ પણ તેમણે લીધા હતા.
અવનવી વનસ્પતિઓ વિષેની મેળવી જાણકારી
બરડાડુંગરમાં અનેક પ્રકારની અવનવી વનસ્પતિનો અખૂટ ભંડાર રહેલો છે ત્યારે એ વનસ્પતિઓ વિષે પણ તેમણે જાણકારી મેળવી હતી. બરડાડુંગરમાં વિવિધ પ્રકારના બિલીના ઝાડ, આંબલીના વૃક્ષ, નગોડ, બિયા, જેઠી મધ, શરપંખો, ખાખરો, રોણ, શેમરો, ઉમરો, ખેર, જાંબુ, ટીમરૂ, બોરડી, કરંજ જેવા વૃક્ષો અને વનસ્પતિઓની ઓળખ પણ કરી હતી.
આજનો દિવસ અમારા સૌની જીંદગીનો સૌથી વધુ યાદગાર દિવસ
પોરબંદરમાં પત્રકારત્વના કોર્ષ સાથે સંકળાયેલી વિદ્યાર્થીનીઓએ તેમની આ પદયાત્રાને અને દિવસને જીંદગીનો યાદગાર દિવસ ગણાવ્યો હતો. માધવી થાનકી, રેખા મોઢવાડીયા, શાંતિ ગોસાઈ, વૈશાલી પાણખાણીયા, મુસ્કાન જુંગી, નેન્સી, કાજલ, વૈશાલી ભરખડા સહિતની યુવતીઓએ તેમનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે શાળા-કોલેજ તથા પરિવારજનો અને મિત્રવર્તુળ સાથે અનેકવખત પ્રવાસો કર્યા છે. પરંતુ આ પ્રવાસ એટલા માટે અમારી જીંદગીનો સૌથી વધુ યાદગાર બની રહ્યો કે અમે માત્ર મોજ-મજા નહીં પરંતુ તેની સાથેસાથે ઘણું નવું શીખ્યા છીએ.

Advertisement