પોરબંદર
ગુરૂ-શિષ્ય પરંપરાના પુનિત પર્વ સમાન ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવર્ણ પોરબંદરના સાંદીપનિ વિધાનિકેતનના સભાગૃહમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરક ઉપસ્થિતિમાં પરંપરાગત વિધિ વિધાન પૂર્વક શાસ્ત્રોકત રીતે થઈ.
સાંદીપનિ શ્રીહરિ મંદિરના પાંચેય શિખરો પર ધ્વજારોહણ પછી સાંદીપનિ સભાગૃહમાં ભાવિકોની મેદનીને પૂજ્ય ભાઈશ્રીએ ગુરુપૂર્ણિમાનો સંદેશ આપતા ગુરુગીતાનો પાઠ, ગુરુની મહિમા દર્શાવત શ્લોકોનું પઠન કરાવ્યા બાદ ગુરુપૂર્ણિમાનો સંદેશ આપ્યો હતો.
પૂજ્ય ભાઈશ્રીનો ગુરુપૂર્ણિમા નિમિત્તે સંદેશ
સાંદીપનિ સભાગૃહમાં રંગમંચને ભાગવતના ગુરુ ઉપરના એક શ્લોકના આધારે તૈયાર કરવામ આવ્યુ હતું. પૂજ્ય ભાઈશ્રીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે વિશ્વનું સમગ્ર જ્ઞાન જ્યારે ભેગું થઈને એક શ્રીવિગ્રહના રૂપમાં પ્રકટ થાય તેનું નામ સદગુરુ. તમે કેટકેટલા ગ્રંથોનો અભ્યાસ કરવા જશો અનેક શાસ્ત્રો છે, અનેક ગ્રંથો છે, અનેક પંથ છે, અનેક દર્શન છે તમે તેમાં વિભ્રાંત થઈ શકો છો તમે તેના દર્શનમાં ભટકી શકો છો ત્યારે જ કોઈ પરમ તત્ત્વ શ્યામવર્ણ અને પીતાંબર ધારણ કરી મોર, બંસી મુકુટ ધારણ કરી પ્રગટ થાય છે, બસ તેવી રીતે બધા જ શાસ્ત્રોના સાર સમેટાઈને
એક શ્રીવિગ્રહ રૂપમાં પ્રગટ થાય છે જે સદ્‌ગુરુ છે. જેનો પ્રત્યેક શબ્દ આપણા માટે મંત્ર બની જાય છે અને તમે આંખ બંધ કરી તેમણે બતાવેલા માર્ગ પર ચાલવા લાગો છો. પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે કેટલાક સંદેશ મહાપુરુષો તેમના આચરણ દ્વારા આપે છે. સદ્‌ગુરુની દરેક ચેષ્ટા એક ઉપદેશ છે અને આપણે ગુરુની દરેક ચેષ્ટાથી તેમના આચરણથી શીખવાનું છે. પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે વિશ્વાસ એ જ ભકિત છે અને શાસ્ત્રો અને સદગુરુના વચન સો ટકા સત્ય છે તેવી દ્રઢ નિષ્ઠાનું નામ જ શ્રદ્ધા છે. પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે ગુરુમાં ભગવાનને જોવા એ જ ભકિત છે. જ્યારે ભગવાનને ગુરુના રૂપમાં જોવા એ જ્ઞાન છે. એ રજ પવિત્ર છે જ્યાંથી કોઈ મહાપુરુષ ચાલતા નીકળે. જેમનું આચરણ એટલું પવિત્ર હોય તેમના ચરણ જ્યાં પડે તે રજ પવિત્ર થઈ જાય છે અને જ્યાં સુધી આવા સદગુરુના ચરણાવિંદની રજ આપણા મસ્તક પર ન પડે ત્યાં સુધી આપણું ચિત્ત શુદ્ધ નહીં થાય અને જ્યાં સુધી ચિત્ત શુદ્ધ ન થાય ત્યાં સુધી જ્ઞાનનો પ્રકાશ નહીં થાય. આવા જ સમગ્ર જ્ઞાન એકઠુ થઈ એક સાકાર રૂપમાં આપણા સમક્ષ પ્રગટ થયું. આપણાં પર કૃપાની વર્ષા કરવા માટે આપણાં પર અનુગ્રહ કરવા માટે તે જ અનુગ્રહ અને પ્રેમને કૃતજ્ઞતાપૂર્વક પ્રણામ કરવાનો આજનો દિવસ છે. જો ગુરુનિષ્ઠા એકલવ્ય જેવી હોય તો એક માટીની મૂર્તિ પણ તમને ખૂબ આગળ લઈ જઈ શકે.આજે આપણે આપણાં સદગુરુ પ્રત્યે નિષ્ઠાનો ભાવ પ્રગટ કરીએ અને પ્રણામ કરીએ અને પ્રાર્થના કરીએ કે ગુરુ આપણને સંભાળી રાખે અને કલ્યાણ પથ તરફ લઈ જાય.
પરંપરાગત રીતે ગુરુપૂજન સંપન્ન થયુ.

ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજનના ઉપક્રમ માં આ વર્ષના મનોરથી લખનઉ યુ.પી.ના આલોકભાઈ અવસ્થી અને શ્રીમતી જુહીબેન અવસ્થી પરિવારે સૌ પ્રથમ ગુરુપૂજન કર્યા બાદ ભાઈશ્રીના ભાવિકવૃંદે કંમશઃ અને શિસ્તબદ્ધ રીતે ગુરુપૂજન વિધિમાં ભાગ લીધો હતો.
વિશેષ ઉપસ્થિતિ
ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ધીરૂભાઈ અંબાણી પરિવારના મોભી શ્રીમતી કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી વિશેષ વ્યકિતના રૂપમાં ઉપસ્થિતિ રહ્યા હતા અને શ્રીહરિ મંદિરમા પૂજા અર્ચના કરી હતી.
ભાઈશ્રીના બે પુસ્તકોનું લોકાર્પણ

સાંદીપનિ વિદ્યાનિકેતનમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે પૂજ્ય ભાઈશ્રીએ આપેલા હિન્દી પ્રવચનોને અંગ્રેજીમાં અનુવાદિત કરી “ગુરુવાણી’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું જેના સ્પોન્સર પણ સોનાબહેન દામાનિયા છે. તેનું વિમોચન થયું જ્યારે બીજું પુસ્તક “ઋષિકુળ દૈનન્દિની’ જેમાં ત્રિકાળ સંધ્યા સહિતના વૈદિક મંત્રોને ગુંથી લેવામાં આવ્યા છે તે પુસ્તકની ચોથી આવૃત્તિનું લોકાર્પણ થયું.આ પ્રસંગે પુસ્તકના મનોરથી હિતેશભાઈ જયસ્વાલ તથા શ્રીમતી નિલમબહેન જયસ્વાલ ઉપસ્થિત રહ્યા હતા.
ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંદીપનિ શ્રીહરિમંદિરમાં દર્શનની મનોહર ઝાંખી થઈ હતી.

Advertisement