પોરબંદર

લે.ભરત બાપોદરા
મેર જ્ઞાતિમાં લીરબાઈ માતાજી એક મહાન સતી થઈ ગયાં છે.કેશવથી માંડીને કોઠડી સુધી જેમની ધરમ-ધજાયું ફડાકા મારે છે.અને જેમનાં સ્થાનકોમાં સવાર-સાંજ આરતીના મંગલ ઘોષ ઊઠે છે.તેમ જ અવિરત ‘હરિહર’ની હાકલું પડે છે. એવાં જગદંબા સમાન આઈ લીરબાઈનો મહિમા અપાર છે.કોઈએ એમને ‘મેર જ્ઞાતિનાં મીરાંબાઈ’નું બિરુદ આપ્યું છે. પરંતુ આઈ લીરબાઈના જીવનનો તલસ્પર્શી અભ્યાસ કરતાં આ બિરુદ પણ કંઈક અંશે ઊણું સાબિત થાય છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ડીન રહી ચૂકેલા ડૉ. બળવંત જાનીએ તૈયાર કરેલા સંત કવયિત્રીઓ વિશેના પ્રોજેક્ટમાં લીરબાઈ માતાજી અંગે લખતાં જણાવ્યું છે કે ‘લીરબાઈનો મહિમા પતિને અનુકૂળ કર્યા એમાં છે.મીરાં કરતાં આ કારણે એમનો મહિમા મોટો છે. મીરાં પતિને તાબે પણ ન થયાં,અનુકૂળ પણ ન કરી શક્યાં અને એકલાં પડી ગયાં.લીરબાઈ તો મેર જેવી ખડતલ કોમની વીરાંગના,એણે દુરિત પતિને સન્માર્ગે વાળ્યો.બહુ વેઠવું પડેલું,બહુ સહન કરવું પડેલું. સંતાનોને ઉછેરતાં, પતિને સહન કરતાં, સમાજમાં ભળતાં ભળતાં એક નારી પોતાને અભિપ્રેત અને અનુકૂળ પરિસ્થિતિ કેવી રીતે નિર્માણ કરી શકે એનું જીવંત અને ઉજ્જવલ ઉદાહરણ લીરબાઈએ પૂરું પાડ્યું છે’

મેર જ્ઞાતિનાં આવાં મહાન સતી લીરબાઈ માતાજીનું પુસ્તક ગુરુકુળનાં નિવૃત્ત આચાર્યા આદરણીય પુષ્પાબેન પોરિયાએ ‘વિશુદ્ધાત્મા લીરબાઈ’ શીર્ષકથી પ્રગટ કરેલું છે. આ પુસ્તકનું વિમોચન પોરબંદરના જાણીતા લેખક અને વિવેચક માન. નરોત્તમ પલાણના અધ્યક્ષસ્થાને તા. 15-1-2021ના રોજ સવારે દસ વાગ્યે મોઢવાડા ગામે લીરબાઈ માતાજીની જગ્યામાં રાખેલું છે.

Advertisement