રાણાવાવ
રાણાવાવ નજીકના આદિત્યાણા ગામે એક યુવતીના ગળાડૂબ પ્રેમમાં રહેલા યુવાન સાથે યુવતીએ બેવફાઈ કરી હોવાનું જણાતા નાસીપાસ બનેલા આ યુવાને બે પાનાની સુસાઈડ નોટ લખી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી ફેલાઈ હતી. આ ગંભીર બનાવમાં પોલીસ ભૂલથી મૃતકની લાશને રાણાવાવને બદલે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં લાવતા ભારે વિવાદ બાદ અંતે પી.એમ. થયું હતું.
આદિત્યાણાના નવા વણકરવાસમાં રહેતા અને મજુરી કામ કરતા વિપુલ સોમાભાઈ મારૂ (ઉવ ૨૭)નામના યુવાને તેના ફળિયા માં વહેલી સવારે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધો હતો . બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. પોલીસને જાણ કરવામાં આવતા રાણાવાવ પોલીસના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પંચનામું કર્યું હતું.
ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેનાર યુવાને મરતા પહેલા બે પાનાની સુસાઈડ નોટ લખી હતી. જેમાં ”મારી મોતનું કારણ તું જ સે, તે મને પ્રેમમાં ફસાવિને દગો દિધો સે” તેવું એક યુવતીના નામજોગ લખ્યું હતું. એટલું જ નહી, પરંતુ એ યુવતીના પરિવારજનોને પણ બન્નેના પ્રેમ પ્રકરણની જાણ હતી અને લગ્ન પણ કરાવી દેવાના હતા અને બન્ને હર્ષદ ફરવા પણ ગયા હતા. પરંતુ તેમ છતાં આ યુવતી કોઈ બીજા યુવાન સાથે ફોન ઉપર વાતો કરતી હતી. એટલું જ નહી પરંતુ આ યુવતીએ વિશ્વાસઘાત કરીને આ યુવાનને દવા પણ પીવડાવી દીધાનું સુસાઈડ નોટમાં જણાવ્યું હતું. હોસ્ટેલમાં રહેતી તે યુવતીએ બેવફાઈ કરી હોવાનું જણાતા વિપુલે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું લખ્યું છે.
આત્મહત્યાનો આ બનાવ આદિત્યાણામાં બન્યાે છે અને રાણાવાવ પોલીસે પંચનામું પણ ત્યાં જ કર્યું છે. તેમ છતાં મૃતદેહને રાણાવાવ સરકારી હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાને બદલે પોલીસતંત્ર ભૂલથી પોરબંદરની સરકારી હોસ્પિટલે લાશને લાવ્યું હતું. આથી વહેલી સવારે સાડા પાંચ વાગ્યે લાશ આવ્યા બાદ સવારે નવ વાગ્યા સુધી ભાવસિંહજી હોસ્પિટલના ડોક્ટરોએ પોસ્ટમોર્ટમ કરવાનો એટલા માટે ઈન્કાર કર્યો હતો કે રાણાવાવની હોસ્પિટલમાં ડોક્ટરોની પેનલ છે અને પંચનામું આદિત્યાણા થયું હોવાથી પી.એમ. પણ રાણાવાવ થવું જોઈએ તેવો નિયમ છે.
તેથી પોસ્ટમોર્ટમ માટે ભાવસિંહજી હોસ્પિટલમાં તંત્રએ આનાકાની કરી હતી. બાદ માં સામાજિક કાર્યકરો એ તે અંગે હોસ્પિટલના તંત્રને અને પોલીસને પણ રજુઆત કરીને મૃતદેહને રાણાવાવ લઈ જવાને બદલે હવે પોરબંદર લવાયો છે ત્યારે અહીયા જ પી.એમ. કરી દેવા વિનંતી કરી હતી અને ત્યારબાદ ભાવસિંહજી હોસ્પિટલમાં જ પોસ્ટમોર્ટમની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પોલીસે યુવાને લખેલી બે પાના ની સુસાઈડ નોટ પણ કબજે કરી છે અને તેમાં જે યુવતી નું નામ છે તેની પણ પુછપરછ હાથ ધરવામાં આવશે બનાવ ના પગલે નાના એવા આદિત્યાણા ગામમાં ચકચાર મચી ગઈ છે