પોરબંદર

બાળ પ્રબંધક વિભાગ-પોરબંદરના સહયોગથી અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પોરબંદરના અશરફીનગર ખાતે વિધવા સહાય વેરીફીકેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા બપોરે ૩ થી ૭ વાગ્યા સુધી યોજાયેલ આ કેમ્પનો ર૦૦ વિધવા બહેનોએ લાભ લીધો હતો.

અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટના ડો. હાજી હારૂન અ. અજીજ સુન્નીવોરા,હાજી ઈમ્તીયાઝ હાજી હારૂન સુન્નીવોરાની રાહબરી હેઠળ આરટીઈના ફોર્મ અને સ્કોલરશીપ સહિતની વિવિધ સામાજીક, શૈક્ષણિક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.તે અંતર્ગત એડવોકેટ અકબરભાઈ સેલોતની આગેવાનીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી વિધવા સહાય વેરીફીકેશન કેમ્પ યોજાતા પોરબંદર શહેરના ચુનાભઠી વિસ્તાર, મેમણવાડા, જુની ખડપીઠ, વિરડી પ્લોટ, નવો કુંભારવાડો,ખાડી વિસ્તાર અને અશરફીનગર સહિતના વિસ્તારોમાં રહેતી અને વિધવા પેન્શન મેળવતી ર૦૦ જેટલી બહેનોએ આ કેમ્પનો લાભ લીધો હતો.

મહિલા અને બાળવિકાસ વિભાગના અધિકારી કાશ્મીરાબેન સાવંતના માર્ગદર્શન હેઠળ ફીલ્ડ ઓફીસર સીધ્ધીબેન ધામેચા,સંધ્યાબેન જોશી,દિલીપભાઈ પરમાર,યુસુફભાઈ સુર્યા વગેરે દ્વારા વિંડો વેરીફીકેશન એપ.દ્વારા વિધવા બહેનોની ખરાઈ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પ્રસંગે એડવોકેટ અકબરભાઈ સેલોતે જણાવ્યું હતું કે,ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જુલાઈ માસમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય)નો લાભ લેતી બહેનો પાસે પુનઃ લગ્ન નથી થયેલ તેનું સોગંદનામુ લેવામાં આવતુ હતું.પરંતુ છેલ્લા બે વર્ષથી સરકાર દ્વારા આ પ્રોસેસ રદ કરવામાં આવી છે.જેથી વિધવા મહીલાઓને પણ રાહત થઈ છે.

તેમજ વેરીફીકેશન માટે સરકાર દ્વારા જુદા – જુદા વિસ્તારોમાં આ પ્રકારના વેરીફીકેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ત્યારે અશરફી સીમનાની ચેરીટેબલ ટ્રસ્ટ તેમાં નિમિત બન્યું છે.તેમ જણાવીને કેમ્પમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના કર્મીઓ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી તે બદલ તેમનો પણ આભાર વ્યકત કર્યો હતો.અને જણાવ્યું હતું કે, હજુ પણ જો જરૂર જણાશે તો બીજી વખત પણ આ પ્રકારના કેમ્પનું આયોજન બાળ પ્રબંધક વિભાગના સહયોગથી કરવામાં આવશે.આ કેમ્પને સફળ બનાવવા એડવોકેટ અકબરભાઈ સેલોતની આગેવાનીમાં બાકીરભાઈ રાવડા અને હામીદભાઈ રાવડાએ જહેમત ઉઠાવી હતી.

Advertisement