પોરબંદર

દ્વારકા સોમનાથ નેશનલ હાઇવેના કામમાં અનેક જગ્યાએ ક્ષતિઓ રહી ગઇ છે,અને તેનો ભોગ લોકોને બનવું પડે છે અને અકસ્માતનો ભય વારંવાર સર્જાય છે.ત્યારે પોરબંદરના કુછડી પાલખડા અને ભાવપરા નજીક પણ એ જ પરિસ્થિતિ નું નિર્માણ થઇ રહ્યું છે.અને અન્ડર પાસ નહી બનાવાયો હોવાથી વાહનચાલકોને ફરજીયાત બે કિ.મી. સુધી રોંગ સાઇડ માં તેમના વાહનો લઇને પસાર થવું પડે છે.અને લોકોના માથે મોતનો ભય ઉભો થઇ રહ્યો છે.ત્યારે કોંગ્રેસે રોષ ઠાલવીને ઉગ્ર રજુઆત કરી છે.

અનેક ગામના લોકોને જીવનું જોખમ

Advertisement

પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના મંત્રી રામદેવભાઇ મોઢવાડીયાએ તંત્રને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,કરોડો રૂપિયાના ખર્ચે દ્વારકા સોમનાથનો નેશનલ હાઇવે બનાવવામાં આવ્યો છે.પરંતુ અમુક ગામ પાસે અન્ડર બ્રીજ કે ઓવરબ્રીજની વ્યવસ્થા કરી નહી હોવાથી અને નિયમોનો ભંગ કરીને સર્વિસ રોડ પણ બનાવ્યા નહિ હોવાથી જીલ્લાના લાખો લોકો સહીત પ્રવાસીઓના માથે મોતનો ભય ઉભો થયો છે.ખાસ કરીને કુછડી, ભાવપરા અને પાલખડા નજીક નિયમ મુજબ સર્વિસ રોડ બન્યા નથી તો અન્ડર પાસ કે ઓવર બ્રીજ પણ બનાવ્યા નથી જેથી આ ગામમાં વસતા લોકોને અનેક કિલોમીટર સુધી ફરજીયાત તેમના વાહનો લઇને રોંગ સાઇડ માંથી નીકળવું પડે છે. ત્યારે ત્યાં અકસ્માત થાય છે.

અત્યાર સુધીમાં આ હાઇવે ઉપર ૧૭ થી વધુ અકસ્માતમાં અનેક માનવ જીંદગી હોમાઇ ચુકી છે.તેમ છતાં નીમ્ભર તંત્ર જાગતુ નથી નિર્દોષ વાહનચાલકો અકસ્માતનો ભોગ બનીને યમસદન અને હોસ્પિટલના ખાટલે પહોંચી જાય છે.તો અનેક લોકો કાયમી ધોરણે વિકલાંગ બની જાય છે. આ વિસ્તારના અનેક ગામના લોકોના જીવનું જોખમ ઉભુ થયુ હોવાની તંત્રને ખબર હોવા છતા પણ કોઇ વ્યવસ્થા ગોઠવવા માટે તે જાગતુ નથી તેમ જણાવી ને રામદેવભાઇ મોઢવાડીયાએ ઉમેર્યુ છે કે તગડો ટોલ ટેક્ષ વસુલતી ઓથોરીટી શા માટે લોકોનો ભોગ લેવા તત્પર બની છે? તે જ સમજતું નથી.

અનેક યાત્રાળુ વાહનો સાથે થયા છે અકસ્માત

દ્વારકાથી સોમનાથ જતા આ રસ્તા ઉપર સતત યાત્રાળુ વાહનોની અવરજવર થાય છે.અને અત્યાર સુધીમાં અહી અનેક યાત્રાળુ વાહનો સાથે પણ અકસ્માત થઇ ચુકયા છે.તેથી માત્ર ગ્રામજનો ઉપર જ નહી પણ યાત્રાળુઓ ઉપર પણ મોત ભમી રહ્યું છે.તેમ છતા પણ રેઢીયાળ તંત્ર કે ઓથોરીટી સમયસર નકકર કામગીરી કરતુ નથી.તેની આકરી ઝાટકણી કાઢીને રામદેવભાઇ એ ઉમેર્યુ હતું કે,જો હવે તંત્ર આ મુદે ગંભીર નહી બને તો નાછુટકે અમારે આંદોલન કરવું પડશે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે તેવી ચેતવણી આપી છે.
ચોમાસામાં ખેતરો ડુબી જાય છે પાણીમાં

રામદેવભાઇ મોઢવાડીયાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,ભાવપરા અને ઓડદર તેમજ પાલખડા પાસે અનેક ખેતરો ચોમાસા દરમિયાન પાણીમાં ડુબી જાય છે.અને ખેડૂતોને મોટી નુકસાની જાય છે.ખેતી પણ કરી શકતા નથી પાણીના નિકાલ માટેની કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી તેથી આ ગામના લોકો રોડ નજીક ખેતર ધરાવતા ધરતીપુત્રોને ખુબ જ હેરાનગતિ વેઠવી પડે છે.

ખીમેશ્વર મંદિરે જતા શિવભકતો ઉપર યમરાજાનો ભય 

પોરબંદરના પ્રખ્યાત કુછડી ગામે ખાવેલા પાંડવકાળના ખીમેશ્વર મહાદેવ મંદિરે હાલ શ્રાવણ મહિનામાં હજારો શિવ ભકતો દર્શનાર્થે ઉમટી પડે છે. તેમને પરત ફરે ત્યારે ફરજીયાતપણે રીણાવાડા સુધી ૨ કિમી રોંગ સાઇડમાં વાહનો ચલાવવા પડે છે.એટલે શિવભકતો ઉપર યમરાજાનો ભય રહે છે.તેમ જણાવીને યોગ્ય કરવા માંગ થઇ છે.

૩ થી ૪ હજાર એકર જમીનને મોટું નુકશાન

નેશનલ હાઇવે ઓથોરીટીની બેદરકારીને કારણે ઓડદરથી મીંયાણી સુધીના વિસ્તારમાં અનેક જગ્યાએ ખેડૂતોને જમીનમાં મોટું નુકશાન થયું છે,અંદાજે ૩ થી ૪ હજાર એકર જમીનમાં ગત વર્ષે વરસાદી પાણી ફરી વળ્યા હતા. તેના લીધે પાક લઇ શકાયો ન હતો. જમીનનું પણ ધોવાણ થયું હતું તેમ જણાવીને રામદેવભાઇ મોઢવાડિયાએ તે અંગે ઉગ્ર રજુઆત કરી છે.

ભાવપરા-પાલખડામાં મોટી બેદરકારી

ભાવપરા ગામે વચ્ચેથી નેશનલ હાઇવે પસાર થાય છે પરંતુ તેની આજુબાજુમાં જેમની જમીન હતી તેવા ખેડૂતોને કપાતનું વળતર અપાયું નથી. તેમજ નેશનલ હાઇવે ઓથોરીટીએ ટાઉન પાસીંગના નિયમનો ઉલાળીયો કરીને ભાવપરા પાસે ફલાય ઓવર જ બનાવ્યો નથી જેના કારણે લોકોને અવર જવરમાં ખુબ જ મુશ્કેલી વેઠવી પડે છે અને રોંગસાઇડમાં વાહનો ચલાવવા પડે છે. તે ઉપરાંત પાલખડામાં પણ સર્વિસ રોડ કે અન્ડરપાસ બનાવવામાં આવ્યા નથી જેના કારણે આ વિસ્તારના લોકોને અવર-જવરમાં ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તે અંગે નેશનલ હાઇવે
ઓથોરીટી ને ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ નકકર પગલા લેવાયા નથી.

પાણીના વહેણ પસાર કરવા ગેઇટ બનાવવાને બદલે રસ્તા બંધ કર્યાં!

નેશનલ હાઇવે ઓથોરીટીએ ડીઝાઇન જ એ પ્રકારની વિચીત્ર તૈયાર કરી છે કે, જયાંથી પાણીના વહેણ હોય તે પસાર કરવા માટે ગેઇટ બનાવવા જોઇએ તેના બદલે ખોટી જગ્યાએ બ્રીજ બનાવી દીધા છે અને પાણી નિકળે નહીં તે રીતે રસ્તાઓ બંધ કરી દીધા છે માટે પાણી પસાર થઇ શકતું નથી અને ખેતરોમાં ફરી વળે છે જેના કારણે ખુબ મોટું નુકશાન ધરતીપુત્રોને થયું છે.

Advertisement