પોરબંદર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જિલ્લાતંત્ર સજ્જ છે. આવતી કાલે તા.૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આવતી કાલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારમાં કુલ ૧ લાખ ૮૫ હજારથી વધુ મતદારો, પોરબંદર જિલ્લા પંચાયતમાં કુલ ૨ લાખ ૩૯ હજારથી વધુ મતદારો, પોરબંદર તાલુકા પંચાયતમાં ૧ લાખ ૩૪ હજારથી વધુ મતદારો, રાણાવાવ તાલુકા પંચાયતમાં ૪૯ હજારથી વધુ મતદારો તથા કુતિયાણા તાલુકા પંચાયતમાં ૫૫ હજારથી વધુ મતદારો નોંધાયેલા છે. જિલ્લાના આ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

પોરબંદર જિલ્લામાં આવતી કાલે ૭૨૮ મતદાન મથકો પર થશે મતદાન
પોરબંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે જિલ્લા ચૂંટણીતંત્ર દ્રારા તડામાર તૈયારી કરવામાં આવી છે. જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કુલ ૭૨૮ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં તાલીમબધ્ધ કર્મચારીઓ, અધિકારીઓ ફરજ બજાવશે.
જેમાં પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારમાં ૧૬૮ મતદાન મથકો, પોરબંદર જિલ્લા પંચાયત વિસ્તારમાં ૨૮૦ મતદાન મથકો, પોરબંદર તાલુકા પંચાયત વિસ્તારમાં ૧૫૪ મતદાન મથકો, રાણાવાવ તાલુકા પંચાયત વિસ્તારમાં ૫૯ મતદાન મથકો, કુતિયાણા તાલુકા પંચાયત વિસ્તારમાં ૬૭ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં તાલીમ પામેલા જવાબદાર કર્મચારીઓ, અધિકારીઓ ફરજ બજાવશે.

પોરબંદર જિલ્લામાં ૧૧૦ સંવેદનશીલ મતદાન મથકો તથા ૪૯ અતિસંવેદનશીલ મતદાન મથકો
પોરબંદર જિલ્લામાં યોજનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ મતદાન પૈકી ૧૧૦ સંવેદનશીલ મતદાન મથકો તથા ૪૯ અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયેલા છે. તે પૈકી પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારમાં કુલ મતદાન મથકો ૧૬૮ છે. જેમાં ૩૭ મતદાન મથકો સંવેદનશીલ, ૧૬ મતદાન મથકો અતિસંવેદનશીલ, પોરબંદર તાલુકા પંચાયત વિસ્તારમાં કુલ ૧૫૪ મતદાન મથકો છે. જે પૈકી ૫૩ મતદાન મથકો સંવેદનશીલ, ૧૮ મતદાન મથકો અતિસંવેદનશીલ, રાણાવાવ તાલુકા પંચાયત વિસ્તારમાં કુલ ૫૯ મતદાન મથકો છે. જે પૈકી ૫ મતદાન મથકો સંવેદનશીલ, ૧૦ મતદાન મથકો અતિસંવેદનશીલ. તથા કુતિયાણા તાલુકા પંચાયત વિસ્તારમાં કુલ ૬૭ મતદાન મથકો છે. જે પૈકી ૧૫ મતદાન મથકો સંવેદનશીલ તથા ૫ મતદાન મથકો અતિસંવેદનશીલ નોંધાયેલા છે.

પોરબંદર જિલ્લામાં ચૂંટણી અંતર્ગત ફરિયાદ નિવારણ માટે કંટ્રોલરૂમ પર ફોન કરી શકાશે
પોરબંદર-છાંયા નગરપાલિકા તથા તાલુકા/જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૧ અન્વયે જિલ્લાકક્ષાએ તેમજ ચૂંટણી અધિકારી કક્ષાએ ફરિયાદ નિવારણ અન્વયે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જે મુજબ જિલ્લાકક્ષાના કંટ્રોલરૂમના લેન્ડલાઇન નંબર ૦૨૮૬-૨૨૨૦૮૮૦, તાલુકા પંચાયત પોરબંદર કક્ષાના કંટ્રોલરૂમના લેન્ડલાઇન નંબર ૦૨૮૬-૨૨૨૦૪૩૦, કુતિયાણા તાલુકા પંચાયત કંટ્રોલરૂમના નંબર ૦૨૮૦૪-૨૬૧૨૨૬ નક્કી કરાયા છે.

પોરબંદર જિલ્લામા પોલીંગ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમા મતદાન મથકો પર મતદારો મતદાન કરશે
પોરબંદર જિલ્લામા આવતી કાલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કર્મયોગીઓ તૈનાત કરવામા આવ્યા છે. જિલ્લામા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના સંકલનમા તથા ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ પોલીંગ અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમા મતદાન મથકો પર મતદારો મતદાન કરશે.
જે મુજબ પોરબંદર-છાયા નગરપાલિકા વિસ્તારમા ૧૧૦૦થી વધુ પોલીંગ સ્ટાફ, પોરબંદર તાલુકા પંચાયતની ચૂંટણી માટે એક હજારથી વધુ પોલીંગ સ્ટાફ, રાવાવાવ તાલુકા પંચાયત ચૂંટણી માટે ૩૫૦થી વધુ પોલીંગ સ્ટાફ તથા કુતિયાણા તાલુકા પંચાયત ચૂંટણી માટે ૪૦૦થી વધુ પોલીંગ સ્ટાફ ફરજ બજાવશે.

પોરબંદર જિલ્લામાં જુદી જુદી ચાર જગ્યાએ યોજાશે મતગણતરી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પોરબંદર જિલ્લામાં જુદી-જુદી ચાર જગ્યાઓએ મતગણતરી સ્થળો નક્કી કરાયા છે. આવતીકાલે જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો તા.૨ માર્ચના રોજ જાહેર કરવામાં આવશે. જિલ્લાતંત્ર દ્રારા મતગણતરીના સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જે પૈકી પોરબંદર જિલ્લા પંચાયત પોરબંદર તાલુકો, પોરબંદર તાલુકા પંચાયત વિસ્તારની મતગણતરીનું સ્થળ માધવાણી કોલેજ પોરબંદર, જિલ્લા પંચાયત રાણવાવ તાલુકો તથા તાલુકા પંચાયત રાણાવાવ તાલુકાનું મતગણતરી સ્થળ સરકારી વિનયન કોલેજ રાણાવાવ, જિલ્લા પંચાયત કુતિયાણા તાલુકો તથા તાલુકા પંચાયત કુતિયાણા તાલુકાની મતગણતરી સ્થળ સરકારી હાઈસ્કુલ કુતિયાણા તથા પોરબંદર-છાંયા નગરપાલિકા મતવિસ્તારની મતગણતરી સ્થળ સરકારી પોલીટેકનીક પોરબંદર નક્કી કરવામાં આવેલી છે.

Advertisement