Tuesday, January 31, 2023

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે બાયોડાયવર્સિટી અને ક્લાયમેટ ચેન્જવિષય ઉપર વર્કશોપ યોજાયો

પોરબંદર ખાતે આગાખાન એજન્સી ફોર હેબિટાટ સંસ્થા દ્વારા બાયોડાયવર્સિટી અને ક્લાયમેટ ચેન્જ વિષય ઉપર વર્કશોપ યોજાયો હતો.

આગાખાન એજન્સી ફોર હેબિટાટ સંસ્થા છેલ્લા છ માસથી પોરબંદર તાલુકાના દરિયાકાંઠે આવેલા કુદરતી આપત્તિઓ નું જોખમ ધરાવતા 10 ગામોમાં કાર્યરત છે. સંસ્થા દ્વારા પોરબંદર ખાતે બાયોડાયવર્સિટી અને ક્લાયમેટ ચેન્જ પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ની શરુઆત માં  સંસ્થા દ્વારા પ્રોજેક્ટના ગામોમાં છેલ્લા ૬ મહિનામાં થયેલ કામગીરીનો અહેવાલ અપાયો હતો જેમાં તાજેતરમાં ઓડદર, નવીબંદર, રાતીયા,ઊટડા,બળેજ,મોચા,ગોરસર,ચીંગરિયા,માધવપુર અને રાણાવાવ કુલ ૧૦ ગામોમાં ૧૬,૦૦૦ ફળાઉ રોપાનું વિતરણ કરાયું હતું.

ઉપરાંત જળવાયુ પરિવર્તન,જૈવ-વિવિધતા અને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી કુદરતી આપત્તિઓનું જોખમ ઘટાડવા અંગે લોક-જાગૃતિ માટે શેરી-નાટકનું આયોજન ઉપરાંત વોલ-પેઈટિંગ્સ પણ કરવામાં આવ્યા છે.લોકભાગીદારી થકી આપત્તિ વ્યવસ્થાપનની સમજ,સર્વેક્ષણ દ્વારા જૈવ વિવિધતા,આર્થિક,સામાજિક,શૈક્ષણિક,સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિઓનું મૂલ્યાંકન કરી સંસ્થા દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવેલ છે.

કાર્યશિબિરમાં ઉપસ્થિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી નરેશ સાધુએ જણાવ્યું હતું કે “જળવાયું પરિવર્તનના કારણે ઉદભવતી કુદરતી આફતોનું પ્રમાણ દિવસો દિવસે વધી રહ્યું છે. અતિવૃષ્ટિ,વાવાઝોડું,માવઠું,પૂર અને દુકાળ જેવી કુદરતી આફતોના કારણે લોકોના ધંધા-રોજગાર પર માઠી અસર જોવા મળતી હોય છે. તેમજ ખેત પેદાશોનો જથ્થો અને ગુણવત્તામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સામાજિક સંસ્થાઓ દ્વારા કલાયમેટ ચેન્જ અંગે લોકોને જાગૃત કરવા,ઈકો સિસ્ટમ આધારિત અભિગમની સમજ કેળવવી ખૂબ જ અનિવાર્ય છે.ક્લાયમેટ ચેન્જ અને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પ્રોજેક્ટ અંતર્ગત આગાખાન એજન્સી ફોર હેબિટાટ સંસ્થાના પ્રયાસો ખૂબ સરાહનીય છે.”

ડી જે પંડ્યા.(ડી સી એફ વન વિભાગ પોરબંદર ડિવિઝન) તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે “દરિયાકાંઠાના વિસ્તારોમાં ખારા પવનથી રક્ષણ મેળવવા વૃક્ષો કુદરતી દિવાલનું કામ કરે છે.વન નાબૂદીના કારણે ખારા પવનને નિયંત્રિત કરવું મુશ્કેલ બની રહ્યું છે. જેની સીધી અસર ખેત પેદાશોપર જોવા મળી રહી છે.ઉપરાંત પ્રદુષણના કારણે જૈવ વિવિધતા પર પ્રતિકૂળ અસર પડી રહી છે.આવા સંજોગોમાં ખેતીવાડીના રક્ષણ અને જૈવ વિવિધતાને પૂન:સ્થાપિત કરવા દરિયાઈ પટ્ટી પર ઉછરી શકે તેવા વૃક્ષોનું વાવેતર થવું જોઈએ.

કલાઈમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકારના તકનિકી સલાહકાર શ્વેતલ શાહે જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તનના કારણે ઉદ્ધવતી સમસ્યાઓને સ્વીકારવી પડશે. કુદરતી સંશાધનોનું મહત્તમ ઉપયોગ કરી કુદરતી આપતિઓનું જોખમ કઈ રીતે ઘટાડી શકાય તે અંગે જાગૃત થવાની જરૂર છે. વધુમાં તેમણે સોલર સિસ્ટમ,રિન્યુએબલ એનર્જી,ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ પર ભાર મૂકતાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપી હતી. કાર્ય શિબિરમાં પેનલ ડિસ્કશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઉન્ડેશન ફોર ઈકોલોજીલ સેક્યુરિટીના હિમાની શર્મા અને રાહુલ તાલેગાંવકર,ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટના વિજેન્દ્ર,રેખા વરેયા અને રણજીત ઓડેદરા, ક્લાયમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકાર તરફથી શ્વેતલ શાહ,આગાખાન એજન્સી ફોર હેબિટાટના મધુકર સનપ અને સંતોષકુમાર ચર્ચામાં સહભાગી થયા હતા.

નીષ્ણાતોએ “ક્લાયમેટ ચેન્જ અને ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન-સમસ્યા અને તેના ઉકેલ” વિષય પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ઓલ ઈન્ડિયા ડિઝાસ્ટર મિટીગેશન ઇન્સ્ટેટ્યૂટના ડિરેક્ટર મિહિર ભટ્ટ  વિડીયો કૉફરેન્સિંગથી જોડાયા હતા. ઉપરાંત કાર્યશિબિરમાં તમામ પ્રોજેક્ટ ગામોના સરપંચ,ગ્રામપંચાયતના સભ્યો,યુવાનો,ભારતીય નૌ-સેનાના અધિકારીઓએ હાજરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે આગાખાન એજન્સી ફોર હેબિટાટ ઈન્ડિયા સંસ્થાના ક્લાઈમેટ ચેન્જ, બાયોડાયવર્સિટી અને ઇકો-સિસ્ટમ આધારિત ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન પ્રોજેકટનું અમલીકરણ કલાયમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર અને વન વિભાગ સાથે વ્યૂહાત્મક ભાગીદારી થકી કરવામાં આવી રહ્યું છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે