પોરબંદર
પોરબંદરની ભાવસિંહજી કોવિડ હોસ્પિટલના સેમીઆઇસોલેશન વોર્ડમાં શ્વાસ ની બીમારી અંગે સારવાર માટે આવેલ પાકા કામનો કેદી હેડ કોન્સ્ટેબલ ની બેદરકારી નો લાભ લઇ ને નાસી છુટ્યો હતો.જે મામલે કેદી અને બેદરકાર પોલીસ હેડકોન્સ્ટેબલ બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદરના પોલીસ હેડકવાર્ટરમાં રીઝર્વ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રતિપાલસિંહ કીર્તિદેવસિંહ ચુડાસમાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ખાસ જેલમાં રહેતા અને ભરણપોષણ કેસના પાકા કામના કેદી રાજશી સુકા મોઢવાડિયા ગત તા ૩૦-૯ ના રોજ બીમાર હોવાથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માં લવાયો હતો.અને ત્યાં ઓકસીજન ની જરૂર જણાતા ભાવસિંહજી કોવીડ હોસ્પિટલ ખાતે સેમી આઈસોલેશન વોર્ડ માં ખસેડાયો હતો.

જયાં તેની દેખરેખ માટે અનાર્મ્ડ હેડ કોન્સ. જેન્તીભાઇ ભાણજીભાઇ ફરજ બજાવતા હતા.બપોરના સમયે પોલીસ કર્મચારી જેન્તીભાઇ ચા પીવા માટે કોઇને કહ્યા વગર હોસ્પિટલ બહાર એસટી બસસ્ટેન્ડ પાસે ગયા હતા.એ દરમિયાન કેદી નાસી છુટયો હતો.અને ચા પી ને પોલીસકર્મી બે વાગ્યે પરત આવ્યા.ત્યારે ફરજ પરના ડોકટરે આરોપી ન હોવાનું જેન્તીભાઇને જણાવ્યું હતું.

ત્યાર બાદ પોલીસ ની તપાસ માં હેડ કોન્સ. જેન્તીલાલની બેદરકારીને કારણે કેદી નાસી ગયો હોવાનું જણાતા પાકા કામના કેદી રાજશી સુકા ઉપરાંત ફરજમાં બેદરકારી દાખવનાર કોન્સ્ટેબલ જેન્તીલાલ સામે ગુન્હો પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરણપોષણ ન ચુકવતા એક માસ પહેલા જ એક વરસ ની સજા
નાસી જનાર કેદી રાજશી ને પોતાની પત્નીને ભરણપોષણ ન ચુકવવા અંગે ૩૬૦ દિવસ ની જેલ ની સજા થતા ગત તા ૫ -૯ ના રોજ તેને પોરબંદર ની ખાસ જેલ ખાતે ધકેલાયો હતો.જ્યાં હજુ એક માસ પણ વીત્યો ન હતો ત્યાં તેની તબિયત લથડતા ૩૦-૯ ના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માં ખસેડાયો હતો.
આરોપી નો કોરોના ટેસ્ટ નેગેટીવ
નાસી જનાર કેદી રાજશી ને કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર માં લાવ્યા બાદ તેનો કોવીડ ટેસ્ટ કરાયો હતો જે નેગેટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે.

Advertisement