પોરબંદર
પોરબંદર તાલુકાના મોઢવાડા ખાતે લીરબાઇ માતાજીના મંદિર ખાતે શનિવારના રોજ અમદાવાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં પોરબંદરના દર્દીઓને લોહીની મુશ્કેલી ઉભી ન થાય તેવા ઉમદા હેતુથી પોરબંદરની જાણીતી સેવાકીય સંસ્થા હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારકતદાન કેમ્પનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વપ્રમુખ અર્જુનભાઇ મોઢવાડિયા સહિતના ૩૨૮ જેટલા રકતદાતાઓએ રકતદાન કરીને સેવાનો અને માનવતાનો ઉમદા સંદેશ પુરો પાડયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અવાર નવાર રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
મોઢવાડા ગામ ખાતે સમસ્ત માલદેણા ફળીયા પરિવાર તરફથી યોજાયેલ સામુહીક બારપ્રહર પાટોત્સવ પ્રસંગની સાથે સાથે સિવિલ હોસ્પિટલ અમદાવાદના દર્દીઓના લાભાર્થે યોજાયેલ મહારકતદાન કેમ્પમાં ગામેગામથી રકતદાતાઓ ઉમટી પડયા હતા. હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત આ મહારકતદાન કેમ્પમાં ૩૨૮ જેટલા રકતદાતાઓએ રકતદાન કર્યુ હતું. અવાર-નવાર મહારકતદાન કેમ્પનું આયોજન કરતી પોરબંદરની જાણથીતી સેવાકીય સંસ્થા હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં રપ૦૦ કરતા વધારે બોટલ રકત એકત્રીત કરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલને અર્પણ કરવામાં આવી છે.
મોઢવાડા ખાતે યોજાયેલ મહારકતદાન કેમ્પમાં રકતદાન કરનાર સર્વે રકતદાતાઓ અને આ આયોજનને સફળ બનાવનાર સર્વે સ્વયંસેવકોનો હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઇ મોઢવાડિયાએ આભાર વ્યકત કર્યો હતો.

૧૫૦ માંથી ૧૩૫ બહેનોનું હિમોગ્લોબીન ઓછું નિકળતા રકતદાન કરી શકી નહીં!
મોઢવાડા ખાતે હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ રકતદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે આસપાસ ના ગ્રામ્ય પંથક ની મહિલાઓ માં પણ ખુબ ઉત્સાહ જોવા મળતો હતો જેથી આ કેમ્પ માં મોટી સંખ્યમાં બહેનો પણ રકતદાન કરવા ઉમટી પડી હતી. પરંતુ ૧૫૦ કરતા વધારે બહેનોના હિમોગ્લોબીનની ચકાસણી કરતા ૧૩૫ જેટલી બહેનોનું હિમોગ્લોબીન જરૂરીયાત કરતા ખુબ ઓછું જણાતા તેઓ રકતદાન કરી શકયા ન હતા. ખરેખર આ ચિંતાનો વિષય છે. હિમોગ્લોબીનની માત્રા જળવાય રહે તે અનુરૂપ ખોરાક લેવા માટે લોકોને જાગૃત બનવું પડશે તેમ કેમ્પના આયોજક રામદેવભાઇ મોઢવાડિયાએ ચિંતા વ્યકત કરતા જણાવ્યું હતું