ભારતીય કોસ્ટ ગાર્ડ ની ચાર્લી-૪૦૮ શીપે ગઈકાલે અરબી સમુદ્રમાંથી એક વિદેશી નાગરિકનું તબીબી સ્થળાંતર કર્યું હતું. દર્દીને સલામત રીતે જખૌ ખાતે લાવવામાં આવ્યો હતો. અને નલિયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ગઈકાલે બપોરે બારેક વાગ્યે કોસ્ટગાર્ડ ના જખૌ સ્ટેશન ને લાઇબેરિયન ફ્લેગ ધરાવતા મર્ચન્ટ વેસલ પ્રોટેક્ટર સેન્ટ જ્હોન પર મેડિકલ ઇમરજન્સી વિશે તકલીફનો કોલ મળ્યો હતો. જે જહાજ પીપાવાવથી કતાર તરફ જઈ રહ્યું હતું. કોસ્ટગાર્ડ સ્ટેશન દ્વારા મર્ચન્ટ વેસલની સ્થિતિ નક્કી કરવામાં આવી હતી. અને કોસ્ટગાર્ડ ની ફાસ્ટ ઇન્ટરસેપ્ટર શિપ ચાર્લી -408 ને જખૌ થી મહત્તમ ઝડપે આગળ વધવા માટે નિર્દેશિત કરવામાં આવી હતી.
કોસ્ટગાર્ડ શીપ એક કલાક માં જ ત્યાં પહોંચી ગઈ હતી. જહાજ માં 29 વર્ષીય ફિલિપાઈન્સનો નાગરિક બીમાર હોવાનું અને લોહીની ઉલ્ટી કરતો હોવાનું જણાયું હતું. આથી દર્દીને બહાર કાઢીને કોસ્ટગાર્ડ શિપ પર લઈ જવામાં આવ્યો હતો. અને મેડીકલ ટીમ દ્વારા તાત્કાલિક તબીબી રાહત આપવામાં આવી હતી. ત્યાર બાદ દર્દીને જહાજ મારફત જખૌ બંદરે પહોંચાડવામાં આવ્યો હતો. જ્યાં કોસ્ટગાર્ડ સ્ટેશનની મેડિકલ ટીમ દ્વારા જરૂરી તબીબી સારવાર પછી વધુ તબીબી સારવાર માટે નલિયા ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. છેલ્લા પાંચ દિવસ માં કોસ્ટગાર્ડ દ્વારા ઉત્તરી અરબી સમુદ્ર માં આ ત્રીજું તબીબી સ્થળાંતર છે
