પોરબંદર
પોરબંદર ના પનોતા પુત્ર અને દેશ ને આઝાદી અપાવવામાં મહત્વ ની ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધી ની આજ થી ૭૧ વરસ પહેલા પ્રાર્થનાસભા દરમ્યાન હત્યા નીપજાવવામાં આવી હતી હત્યા બાદ સમગ્ર દેશ શોક ની ગર્તા માં ધકેલાઈ ગયો હતો. ત્યારે રાષ્ટ્રપિતા ની જન્મભૂમી એટલે કે પોરબંદર માં તે સમયે મહાત્મા ગાંધી ની હત્યા ના સમાચાર મળતા કેવી હાલત હતી,કેવો માહોલ હતો,શું બન્યું હતું તે અંગે જાણીએ “પોરબંદર ટાઈમ્સ” ના આ ખાસ અહેવાલ માં.

આજે ૩૦ જાન્યુઆરી એટલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો નિર્વાણદિવસ,આજે તેમના મૃત્યુના ૭૧વર્ષો પછી પણ તેમના વિચારો અને પદ્ધતિ આજના વિશ્વ માટે એટલી જ પ્રસ્તુત અને અસરકારક છે જેટલી ત્યારે હતી.ઓબામા હોય કે મંડેલા, મોદી હોય કે આંગ સૂ કી કે અન્ય કોઈ પણ વિશ્વનેતા, ગાંધીજીના વિચારો અને આદર્શો સાથે આ દરેકે કદમતાલ મિલાવવાનો જ સંદેશ વિશ્વને આપ્યો છે. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના દિવસે મહાત્મા ગાંધી ની અચાનક હત્યા થતા સમગ્ર દેશ અવાચક જેવી સ્થિતિ માં મુકાઇ ગયો હતો અને સમગ્ર દેશ માં દિવસો સુધી શોકનો માહોલ છવાયો હતો ત્યારે મહાત્મા ની જન્મભૂમી એવું પોરબંદર શહેર પણ શોક ની ગર્તા માં ધકેલાઈ ગયું હતું. ગાંધીજી ની હત્યા સમાચાર મળતા પોરબંદર સ્ટેટ ના રાજવી મહારાણા નટવરસિંહજી દ્વારા એક એક્સ્ટ્રા ઓર્ડીનરી ગેઝેટ બહાર પડાયું હતું. આ ગેઝેટ પોરબંદર સ્ટેટ ના દિવાન એમ એસ જયકર દ્વારા બહાર પડાયું હતું. હાલ પણ આ ગેઝેટ પોરબંદર અભિલેખાગાર કચેરી માં યથાવત સ્થિતિ માં સચવાયેલું જોવા મળે છે. આ ગેઝેટ ના ઠરાવ માં એવું જણાવવા માં આવ્યું હતું કે “જગતવંદ્ય મહાત્મા ગાંધીજી નો એકાએક સ્વર્ગવાસ થયા ના અત્યંત કરુણ અને હૃદયભેદ્ક સમાચાર મળતા નેક નામદાર શ્રી મહારાણા બહાદુર અને રાજકુટુંબ અને રાજસ્થાન પોરબંદર ના સમસ્ત પ્રજાજન ને પારાવાર અવર્ણનીય અને અસહ્ય દિલગીરી થયેલ છે. પૂજ્ય મહાત્માજી ના પરલોકગમન થી પોરબંદર ની તેમની પુનીત જન્મભૂમી એ એક અજોડ મહાપુરુષ,ભારાત્વરસે પોતાનો વરિષ્ઠ ભાગ્યવિધાતા અને અખિલ જગત ની માનવજાતિ એ શાંતિ નો પેગમ્બર,સત્ય અને અહિંસા નો સિદ્ધ વ્રતધારી ગુમાવ્યો છે. પરમ વંદનીય મહાત્માજી નું નામ અમર રહેશે. તેઓશ્રી ના અજરામર પુણ્યાત્મા ને પરમકૃપાળુ પરમેશ્વર અવિચલ શાંતિ બક્ષો,ભારત વિભૂતિ મહાત્મા ગાંધીજી ની યાદગીરી ના માન માં ત્રણ દિવસ રાજસ્થાન(પોરબંદર રાજ્ય) ની તમામ શાળાઓ,ઓફિસો,કોર્ટો તથા જાહેર સંસ્થાઓ ,કારખાનાઓ અને ક્લબ બંધ રહેશે.અને બજારો માં હડતાલ પાળવામાં આવશે,રાજ નો વાવટો અર્ધી કાઠીએ રાખવામાં આવશે અને રાજસ્થાન(પોરબંદર રાજ્ય) શોક પાળશે,આવતીકાલ શનિવારે નેક નામદાર શ્રી મહારાણા બહાદુર અને રાજકુટુંબ ની હાજરી માં સામુદાયિક પ્રભુ પ્રાર્થના થશે,પોરબંદર તા.૩૦ જાન્યુઆરી ૧૯૪૮.”
આ ઠરાવ પસાર કરાયા બાદ બીજા દિવસે પોરબંદર ના સુદામા મંદિર ખાતે તેમજ વિક્ટોરિયા જુબિલી ટાઉન હોલ એટલે કે હાલ જ્યાં સ્ટેટ લાયબ્રેરી આવેલી છે તેના મેદાન માં શોકસભા અને સામુદાયિક પ્રાથનાસભા નું આયોજન કરવામાં આવ્યું. હતું જેમાં હજારો નાગરિકો દુર દુર થી આવ્યા હતા અને શહેર ના શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને મહાત્મા ના નિધન બદલ દુખ વ્યક્ત કર્યું હતું આ સમયે પણ પોરબંદર ના મહારાણા નટવરસિંહજી એ પ્રજાજોગ સમ્બોધન કર્યું હતું. જે અંગે પણ પોરબંદર સ્ટેટ દ્વારા ગેઝેટ બહાર પડાયું હતું. આ ગેઝેટ પણ પોરબંદર અભિલેખાગાર કચેરી ખાતે સાચવવા માં આવ્યું છે. આ ગેઝેટ માં શોકસભા દરમ્યાન મહારાણા એ જે પ્રજાજોગ સમ્બોધન કર્યું હતું તે લખાણ લખાયું હતું. મહારાણા એ પ્રજાજોગ સંબોધન માં એવું જણાવ્યું હતું કે “પોણોસો થી વધુ વરસ પહેલા પોરબંદર માં ઉદય થયેલ સૂર્ય ગઈ કાલે સાંજે દિલ્હી માં અસ્ત થઇ ગયો પરંતુ એ સૂર્ય નો પ્રકાશ તો મને ખાતરી છે અને આપ સૌના હ્રદય માં પણ ખાતરી હશે કે જ્યાં સુધી આ દુનિયા ટકશે ત્યાં સુધી એ અજરઅમર રહેવાનો “

 

 

મહાત્મા ગાંધી નો નિષ્પ્રાણ દેહ

 

 

 

મહાત્મા ગાંધી ની અસ્થીયાત્રા પોરબંદર ખાતે કાઢવામાં આવી હતી તે સમય ની તસ્વીર

 

મહાત્મા ગાંધી ના અસ્થી નું વિસર્જન પોરબંદર ના અસ્માવતીઘાટ ખાતે કરાયુ હતુ તે સમય ની તસ્વીર .

 

ગાંધીજી ની હત્યા ના સમાચાર મળતા જ પોરબંદર સ્ટેટ દ્વારા બહાર પડાયેલ ગેઝેટ ની તસ્વીર

 

શોકાતુર પરિજનો

માર્ચ -૧૯૪૮ માં પોરબંદર માં ગાંધીજી ની અસ્થીયાત્રા કાઢવામાં આવી હતી
મહાત્મા ગાંધી ની હત્યા બાદ તેમના અસ્થીફૂલો વિવિધ જગ્યા એ નદી,દરિયા માં પધરાવાયા હતા તેમાંનો અમુક ભાગ તેમની જન્મભૂમી પોરબંદર ખાતે પણ લાવવામાં આવ્યો હતો અને માર્ચ ૧૯૪૮ માં તેમની ચાર પાલખીઓ ગોઠવી અને અસ્થીયાત્રા કાઢવામાં આવી હતી. આ અસ્થીયાત્રા માં શહેર ના શ્રેષ્ઠીઓ,શાળા કોલેજ ના વિદ્યાર્થીઓ ,વિવિધ ધર્મ ના આગેવાનો,અને પોરબંદર ના નાગરિકો વગેરે મોટી સંખ્યા માં જોડાયા હતા. અને તમામ લોકો એ ખાદી ના શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા તો મહિલાઓ પણ મોટી સંખ્યા માં આ અસ્થીયાત્રા માં જોડાઈ હતી. આ અસ્થીયાત્રા તેમના જન્મસ્થળ કિર્તીમંદિર ખાતે થી શરુ કરાઈ હતી. અને તેમના અસ્થીઓ નું ઇન્દ્રેશ્વર મહાદેવ ના મંદિર પાસે ના દરિયા માં તેમજ અમુક ભાગ ને અસ્માવતી ઘાટ નજીક ના દરિયા માં વિસર્જિત કરાયા હતા.તે સમયે ઉપસ્થિત આબાલવૃધ સૌ કોઈ ની આંખ માં અશ્રુ નો દરિયો છલકાયો હતો.

 

મહાત્મા ગાંધી ની શોકસભા માં પોરબંદર ના મહારાણા દ્વારા કરાયેલ ઉદબોધન.

પોરબંદર ટાઈમ્સ નો આ ખાસ અહેવાલ તમને ગમ્યો હોય તો તેને શેર કરવાનું ચૂકશો નહી

 

મહાત્મા ગાંધીજી ની સ્મશાનયાત્રા
Advertisement