પોરબંદર

પોરબંદરની સ્ટેટ લાયબ્રેરી ખાતે પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.એક અઠવાડિયા સુધી ચાલનારા આ પ્રદર્શન માં વિવિધ વિષયો ને લગતા પુસ્તકો રાખવામાં આવ્યા છે ત્યારે વાંચનપ્રેમી લોકો ને પુસ્તકોનો લાભ લેવા અપીલ કરાઈ છે.
તા ૧૪ થી તા. 20 નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને પોરબંદરની સ્ટેટ લાઈબ્રેરી ખાતે પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે એક અઠવાડિયા સુધી ચાલશે લાયબ્રેરી ખાતે છેલ્લા બે વર્ષોમાં નવા ખરીદવામાં આવેલા પુસ્તકો પણ પ્રદર્શનમાં રાખેલ છે. પુસ્તક પ્રદર્શનમાં વિવિધ નવલકથા,ઐતિહાસિક પુસ્તકો,કવિતા,વાનગી હાસ્ય લેખ સહીતના પુસ્તકો મુકવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત ગ્રંથાલય નિયામક દ્વારા પોરબંદરની સ્ટેટ લાઈબ્રેરીને વિશીષ્ટ ગ્રંથાલય તરીકે જાહેર કરી ખાસ અનુદાનની રકમ ફાળવવામાં આવેલ છે. આ અનુદાનથી સ્ટેટ લાઈબ્રેરીમાં પુરૂષો તથા મહીલાઓ માટે અલગ અલગ યુરીનલ બ્લોકનું બાંધકામ પણ શરૂ કરવામાં આવ્યું છે.તેમજ રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ દરમ્યાન સભ્ય નોંઘણી કરવામાં આવશે આવનારા સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવી રહી છે ત્યારે સ્ટેટ લાયબ્રેરી ખાતે જીપીએસસી, કલાસ 1,2,3 માટે તેમજ આઈ એ એસ અને યુપીએસસી, પીએસઆઇ, કોન્સ્ટેબલ, રેલવે, બેન્કિંગ માટેની પરીક્ષા લક્ષી નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે.જેનો લાભ લેવા પણ અપીલ કરાઈ છે.

જુઓ આ વિડીયો 

 

૧૩૫ વર્ષ જુની લાયબ્રેરી શહેરનું ઘરેણુ
પોરબંદર શહેર ખુબ જ ભાગ્યશાળી નગર છે,જેની પાસે ઉત્તમ પુસ્તકોના ખજાના સ્વરૂપે સમૃધ્ધ જાહેર ગ્રંથાલય છે જેમાં જ્ઞાનના મોતીઓ આરક્ષિત છે.
અરબી સમુદ્ર કાંઠે અસ્માવતિ ઘાટ તરફ જતાં રસ્તા પર આવેલી ૧૩૫ વર્ષ જુની દેસાઇ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેરશાહ હરજીવન લાઇબ્રેરી કે જે સ્ટેટ લાઇબ્રેરી તરીકે પ્રસિધ્ધ છે તે પોરબંદર શહેરનું ઘરેણું છે.
બે લાયબ્રેરીઓનું મિલન!
1લી જુન 1887 ના રોજ આ ગ્રંથાલયની સ્થાપના સર એફ એસ પી લેલીના અધ્યપક્ષપદ હેઠળ થઇ જે સ્ટેટ લાઇબ્રેરી તરીકે ઓળખાતી. ઇ.સ. 1889માં દેસાઇ નાનજી ગોકુલજી લાઇબ્રેરી અને કુમારશ્રી ભાવસિંહજી દક્ષિણી લાઇબ્રેરી એ બન્ને ખાનગી લાઇબ્રેરી, આ લાઇબ્રેરી સાથે ભેળવી દેવામાં આવી તે સમયે દેસાઇ દેવકરણ નાનજી (દેનાબેંકવાળા) તરફથી રૂા. 3000 તથા શેઠ ઝવેરશાહ હરજીવન તરફથી રૂા. 1500 બક્ષીસ તરીકે લાઇબ્રેરીને આપવામાં આવ્યા ત્યારથી ઉપરોકત નામે લાઇબ્રેરી ઓળખાય છે.
અઢળક પુસ્તકોનો ગ્રંથભંડાર
આ ગ્રંથાલયમાં કુલ 47012 જેટલા પુસ્તકોનો વૈભવ ધરાવે છે. પુસ્તકાલયમાં 31069 જેટલા પુસ્તકો ગુજરાતી ભાષાના છે. તેમાં બાળ-વિભાગના 1483 પુસ્તકો સામેલ છે. અંગ્રેજી ભાષાના 10539, હિન્દી ભાષાના 4783 મરાઠી ભાષાના 364 અને સંસ્કૃત ભાષાના 257 પુસ્તકો છે.
વિશાળ સભ્ય સંખ્યા
પુસ્તકાલયમાં 900 થી 1000 મેમ્બર્સ છે. જેમાં લાઇફ મેમ્બર્સ ‘અ’ વર્ગના મેમ્બર્સ ‘બ’ વર્ગના મેમ્બર્સ તથા બાળ વિભાગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દૈનિકો તથા મેગેઝીનો વાંચવા માટે એક બહોળો વાંચક વર્ગ અહીંયા નિયમિત રીતે આવે છે તથા સુંદર વાતાવરણને કારણે વિદ્યાર્થીઓ પણ પોતાના અભ્યાસના પુસ્તકો વાંચવા ઉમટી પડે છે.
અખબારો, મેગેઝીનો અને પુસ્તકો
ગ્રંથાલયમાં બધા જ પ્રતિષ્ઠીત અખબારો 1ર થી 1પ તથા 3પ થી 40 જેટલા મેગેઝીનો ઉપલબ્ધ રાખવામાં આવે છે.શહેરના આ અતિ જૂના પુસ્તકાલયમાં અત્યંત દુર્લભ કહી શકાય તેવી હસ્તપ્રતો, વનસ્પતિશાસ્ત્રો, ભગવદગોમંડળ, બોમ્બે ગેઝેટ, ઇન્સાકલોપીડીયા (બ્રિટાનિકા), ભૃગૃસંહિતા, નેશનલ જયોગ્રાફી વગેેરે સંદર્ભ પુસ્તકો ખુબ જ સંભાળપૂર્વક સચાવાયા છે. ગ્રંથાલયમાં અનેક વિષયોને લગતા પુસ્તકો સમાવાયેલા છે. જેમ કે, નવલકથાઓ, નવલિકાઓ, કાવ્યો, જયોતિષ, ગણિત, ગીતો, ભજનો, લેખસંગ્રહો, જનરલ નોલેજ, વિજ્ઞાન ઉદ્યોગ, આરોગ્ય, આવુર્વેધ્કિ, પ્રવાસ, આધ્યાત્મિક, ધાર્મિક, સેકસ, બાળઘડતર, જીવન ચરિત્રો, નિબંધો, ચિંતન, હાસ્ય કથાઓ, રેખાચિત્રો, પાકશાસ્ત્ર, વ્યકિત વિકાસ, કોમ્પ્યુટર, બાળ-સાહિત્ય, સંગીત, યોગ, ઇતિહાસ, ચિત્રકળા, રંગોળી, મહેંદી, કેરીયર વિગેરેના પુસ્તકો ઉપલબ્ધ છે.
સુંદર સુવિધાઓ
વિશાળ વાંચન હોલ ધરાવતી આ ગ્રંથાલયમાં સુંદર બેઠક વ્યવસ્થા સહિત ભવ્ય ટેબલો, મોટા કબાટો અને પંખાઓની સુવિધા વાંચકને અદભૂત શાંતિ અને એકાંત આપે છે. સવારે 8 થી 1ર અને બપોરે 3 થી 7 ગ્રંથાલય ખુલી રહે છે.કોઇપણ સાર્વજનિક ગ્રંથાલય માટે તેના વ્યવસ્થાપકો તથા ગ્રંથપાલ તેનું હૃદયગણાય. ગ્રંથપાલ ભરતભાઇ લોઢારી સારી સેવા આપે છે. વાંચકોને તેનું પુસ્તક મળવું જ જોઇએ તેવા લાઇબ્રેરી વિજ્ઞાનના પાયાના સિધ્ધાંતને ચરિતાર્થ કરવા માટે સદૈવ તત્પર રહે છે.
અનેક એવોર્ડ પ્રાપ્ત
આ ગ્રંથાલયને ગુજરાત રાજયમાં ગ્રંથાલય ક્ષેત્રે સર્વોત્તમ ગણાતું મોતીભાઇ અમીન પારિતોષિક શ્રેષ્ઠ પુસ્તકાલયનો એવોર્ડ બે વખત પ્રાપ્ત થયેલ છે. જે સમગ્ર પોરબંદર માટે ગૌરવની બાબત છે.રાજય સરકાર તરફથી રૂા. પ00,000ની વાર્ષિક ગ્રાન્ટ મળે છે તેમજ પોરબંદર નગરપાલિકા પ000 વાર્ષિક ગ્રાન્ટ આપે છે.
સાહિત્યકારો પણ અહીં આવતા
આ ગ્રંથાલયનો ઉપયોગ અનેક લોકોએ કરેલો છે. જેવા કે સાહિત્યના મેઘધનુષ્ય સમા ગુલાબદાસ બ્રોકર, વિજયગુપ્ત મૌર્ય, જયેન્દ્ર પાઠક, સ્વ. રતિલાલ છાયા, સ્વ. પુષ્પક ચંદરવાકર તથા હાલના સાહિત્યકાર નરોતમ પલાણ વગેરે જાનીમાની વ્યકિતઓએ કરેલ છે.
યુવા પેઢીની વાંચનભુખ ઉઘડી
સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન થાય છે ત્યારે તેમાં જોડાવા માંગતા અને સારા માર્કસે પાસ થવા ઇચ્છતા યુવાનો મોટી સંખ્યામાં આ લાયબ્રેરીની મુલાકાત લઇ રહ્યા છે. બહારથી પુસ્તક ખરીદે તો તોતીંગ ખર્ચ થતો હોય છે જયારે અહીંયા નિ:શુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો વાંચવા મળે છે તેથી મોટી સંખ્યામાં યુવક-યુવતિઓ અહીંયા પુસ્તકો વાંચવા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવે છે. યુવાપેઢીની વાંચનભુખ પણ ઉઘડી હોવાનું સામે આવ્યું છે.