પોરબંદર

રાણાવાવ ના રાણા વડવાળા હાઇવે પર આવેલ ફાટક નજીક બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ વર્ષના જુડવા બાળકો સહિત એકજ પરિવારના 4 વ્યક્તિના મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

રાણા વડવાળા નજીક તુંબડતોડનેશમા રહેતા હાજાભાઈ રામાભાઈ હુણ(ઉવ ૬૦),તેના બે જુડવા પૌત્રો અરજણ સરમણ હુણ (ઉવ 5) તથા અતુલ સરમણ હુણ (ઉવ 5)અને નાનો ભાઈ રાણાભાઈ રામાભાઈ હુણ(ઉવ ૪૫) ઠોયાણા ગામે યોજાયેલ એક પ્રસંગમાં હાજરી આપી બાઈક પર પરત ફરી રહ્યા હતા.અને વડવાળા હાઇવે ફાટક પાસે પહોંચ્યા હતા. ત્યારે એક કાર જીજે ૨૫ એ એ ૧૯૦૪ ના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો.

જેથી ચારેય લોકો જમીન પર ફસડાઈ ગયા હતા.જેમાં ગંભીર ઈજાઓ થવાથી રાણાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જયારે ઈજાગ્રસ્ત બનેલા બન્ને બાળકો અતુલ, અરજણ તથા તેના દાદા હાજાભાઈને પોરબંદર ની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે બન્ને બાળકોને મૃત જાહેર કર્યા હતા.જ્યારે હાજાભાઈની હાલત ગંભીર હોવાથી જામનગર લઇ જતા હતા.ત્યારે રસ્તા માં તેઓનું પણ મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતા રાણાવાવ પંથક માં અરેરાટી વ્યાપી ગઈ છે.પીએસઆઇ પી.ડી. જાદવે આ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.જેમાં કારચાલક પોરબંદર ના ઝુરીબાગ વિસ્તાર માં રહેતા ગૌરવ રાજેશ સરૈયા (ઉવ ૨૩) નામના યુવાનની અટકાયત કરી છે.તેઓએ જણાવ્યું હતું કે કાર ચાલક ગૌરવ ની બહેનના લગ્ન હોવાથી તે સબંધીને કંકોત્રી આપવા કાર મારફત પોરબંદરથી જૂનાગઢ કાર મારફત જતો હતો.ત્યારે રસ્તા માં અકસ્માત સર્જાયો હતો.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ આ વિડીયો