પોરબંદર

પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કેસર કેરીનું આગમન થયું હતું.પ્રથમ દિવસે હરરાજી માં ૩૨૫ રૂ કિલો ના ભાવે કેરી નું વેચાણ થયું હતું.ઉત્પાદન ઓછુ થયું હોવાથી વેપારીઓ ભાવ ઊંચા રહેવાની ધારણા રાખી રહ્યા છે.

પોરબંદર અને રાણાવાવ પંથક માં મોટી સંખ્યા માં કેરી ના બગીચા આવેલા છે.જેમાં ખંભાળા, હનુમાનગઢ, બિલેશ્વર, આશિયાપાટ,આદિત્યાણા,બોરીચા,કાટવાણા,ગોઢાણા માં કેસર કેરી ના બગીચા આવેલા છે.જેમાં આજે કાટવાણા, ખંભાળા ની કેરી નું યાર્ડ ખાતે આગમન થયું છે.યાર્ડ ના વેપારી કેતનભાઈ રાયચુરા એ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે હરરાજી માં ૨૦૦ કિલો કેસર કેરી આવી હતી.જે એક કિલો ના ૩૦૦ થી ૩૨૫ રૂ ના ભાવે વેચાઈ હતી.જો કે આ વખતે 10 કિલોના બોક્સ ના બદલે 20 કિલોના કેરેટ ની હરરાજી કરવામાં આવી હતી.

હજુ કેસર કેરી ની વિધિવત સીઝન શરુ થતા પંદર દિવસ લાગશે ત્યાર બાદ દરરોજ પંદર થી વીસ બોક્સ ની આવક શરુ થશે તેમ નીતિનભાઈ દાસાણી નામના વેપારી એ જણાવ્યું હતું.આગામી દિવસોમાં કેસર કેરીની વધુ આવક શરૂ થશે ત્યારે ભાવ ધીમે ધીમે ઓછા થતા જશે.જો કે આ વખતે કેરીનું ઉત્પાદન ઓછુ હોવાથી ભાવ ઊંચા રહેવાની ધારણા વેપારીઓ રાખી રહ્યા છે.તથા જૂનાગઢ તાલાલની કેસર કેરી પણ એક માસ મોડી આવશે.અને કેરીની સિઝન ટૂંકી રહેશે તેવું પણ વેપારીઓ જણાવી રહ્યા છે.

ગીરની કેરી કરતા બરડા વિસ્તારની કેસર કેરી વધુ રસદાર અને મીઠી તેમજ મોટું ફળ હોય છે.કાળી માટીના કારણે કેસર કેરીનો પાક ગીર કરતા સારો હોય છે,અને પાક માટે વાતાવરણ પણ અનુકૂળ હોય છે.આથી બરડાની કેરી વિદેશમાં પણ એક્સપોર્ટ થઇ રહી છે,પરંતુ છેલ્લા બે વર્ષ થી કોરોનાને લઇને વિદેશ એક્સપોર્ટ થવામાં અનેક સમસ્યાઓ સર્જાઈ હતી.પરંતુ હવે સ્થિતિ સુધરતા આ વખતે મોટી માત્રા માં કેરી વિદેશ માં પણ એક્સપોર્ટ થશે.એ સિવાય બજારમાં રત્નાગીરી હાફૂસ કેરી 500 થી 600 રૂપિયે કિલો વેચાઈ રહી છે.જયારે બેંગ્લોરની લાલબાગ કેરી નું 200 થી 300 રૂપિયે કિલોના ભાવે વેચાણ થઈ રહ્યું છે.

જુઓ આ વિડીયો