પોરબંદર

પોરબંદરમાં ફાયર સેફટીના સાધનો અને એનઓસી ન હોય તેવા બે એપાર્ટમેન્ટ સીલ કરવામાં આવ્યા છે.આરએફઓ રાજકોટની સૂચના મુજબ પોરબંદર પાલિકા અને ફાયરબ્રિગેડ ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે.હજુ આગામી સમય માં વધુ બહુમાળી ઈમારતો સીલ કરવામાં આવશે તેવું પણ અધિકારીઓ એ જણાવ્યું છે.

પોરબંદરમાં અનેક બહુમાળી બિલ્ડીંગો, હોસ્પિટલો અને શાળા માં પૂરતા ફાયર સેફટીના સાધનો અને ફાયર સેફટી એનઓસી નથી.જેથી રીજનલ ફાયર ઓફિસર ના આદેશ બાદ પાલિકા દ્વારા સર્વે કામગીરી કરવામાં આવી હતી.અને જરૂરી સાધનો વસાવી લેવા નોટિસો અપાઈ હતી.તેમ છતાં હજુ અનેક ઈમારતો માં ફાયર સેફટી ના સાધનો નો અભાવ જોવા મળે છે.

જેથી રાજકોટ સ્થિત રિજનલ ફાયર ઓફિસર ની સૂચનાથી પોરબંદરમાં બે એપાર્ટમેન્ટમા સીલ મારવામાં આવ્યા હતા. જેમાં ફાયર બ્રિગેડ વિભાગના વાયરલેસ ઓફિસર અભય મહેતા,આનંદ કુંડલીયા સહિતની ટીમે ખાખચોક વિસ્તારમાં આવેલ સમર્પણ એપાર્ટમેન્ટના એક ગેઇટમાં સીલ માર્યું હતું.અને વાડિપ્લોટ વિસ્તારમાં આવેલ ગેલેક્સી એપાર્ટમેન્ટ ના એક ગેઇટમાં સીલ માર્યું હતું.જો કે બન્ને ઈમારતો ના અન્ય દરવાજા ખુલ્લા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ફાયર સેફટી ની સુવિધા ન હોય તેવી પોલીટેકનીક કોલેજ સહીત ત્રણ સરકારી શાળા માં સીલ મારવામાં આવ્યું હતું.પરંતુ ત્રણેય સ્થળો એ ફાયર સેફટી અંગેની કામગીરી શરૂ કરી દેતા ટેમ્પરરી સીલ ખોલી નાખવામાં આવ્યા હતા.હજુ પણ અનેક બહુમાળી બિલ્ડીંગોમાં ફાયર સેફટી અને એનઓસી નથી.જેથી સૂચના મુજબ આવા બિલ્ડીંગોને સીલ મારવાની કામગીરી હાથ ધરાશે તેવું પણ અધિકારીઓ એ જણાવ્યું હતું.

જુઓ આ વિડીયો