પોરબંદર

પોરબંદર માં આશા વર્કર બહેનો એ કોરોના કાળ દરમ્યાન કરેલી કામગીરી બદલ પુરતું વળતર ન ચુકવવામાં આવતા કોંગી આગેવાનો ને સાથે રાખી જીલ્લા પંચાયત કચેરી ખાતે સુત્રોચ્ચાર કર્યો હતો.ડીડીઓ એ દસ દિવસ માં યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

પોરબંદર માં ૪૦૦ જેટલી આશા વર્કર અને ફેસેલીટર બહેનો એ કોરોના કાળ દરમ્યાન વિવિધ કામગીરી કરી હતી.જેનું તેઓને પુરતું વળતર ચુકવવામાં આવ્યું ન હોવાથી બહેનો એ આજે ઓબીસી સેલના પ્રમુખ વિજય બાપોદરા જિલ્લા યુવક કોગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર,જિલ્લા યુવક કોગ્રેસ ઉપપ્રમુખ આનંદ  પુંજાણી,જિલ્લા યુવક કોગ્રેસ મહામંત્રી મિત સિંગરખિયા,વિવેક વાળા,કરણ મેઘનાથી સહીત કોંગી આગેવાનો ને સાથે રાખી જીલ્લા પંચાયત કચેરી ખાતે સુત્રોચ્ચાર કર્યો હતો.અને પુરતું વળતર ચુકવવા માંગ કરી હતી.

વીજય બાપોદરા એ જણાવ્યું હતું કે કોરોના સમયની કપરી સ્થિતિમા જ્યારે લોકો લોકોથી દુર ભાગતા હતા.ત્યારે ઘરે ઘરે જઈને આશા વર્કર અને ફેસિલિટર બહેનોએ કોરોનાનો સર્વે કર્યો હતો.અને વૃદ્ધો ને ઘરે ઘરે જઈ ને વેક્સિન આપી હતી.આવા કામોને બિરદાવવાના બદલે સરકાર દ્વારા તેઓને પુરતું મેહનતાણું પણ આપવામાં આવતું નથી.આથી બહેનો એ હક્ક માટે ધરણા કરવા પડી રહ્યા છે.ડીડીઓ એ દસ દિવસ માં વળતર ચુકવવાની ખાતરી આપી છે.પરંતુ જો દસ દિવસ બાદ વળતર નહી ચુકવવામાં આવે તો બહેનો ને સાથે રાખી ઉગ્ર આંદોલન ની ચીમકી પણ આપી છે.

જુઓ આ વિડીયો