પોરબંદર

પોરબંદર ના મજીવાણા ગામની ૧૫ વિદ્યાર્થીનીઓ ખાંભોદર ગામે અભ્યાસ કરતી હોવાથી એસટી બસ મારફત અપડાઉન કરે છે.પરંતુ પોરબંદર –જામરાવલ બસ ના કંડકટર દ્વારા બસ ઉભી રાખવામાં આવતી ન હોવાથી વિદ્યાર્થીનો ને ભારે મુશ્કેલી પડે છે.જે અંગે ગામના અગ્રણીઓ દ્વારા એસટી બસ અટકાવી ઉગ્ર રજૂઆત કરાઈ હતી ઉપરાંત ડેપો મેનેજર ને પણ રજૂઆત કરાઈ છે.

પોરબંદર ના મજીવાણા ગામના અગ્રણીઓ દ્વારા એસટી ડેપો મેનેજર ને કરાયેલી રજૂઆત માં જણાવ્યું છે કે
મજીવાણા ગામની ૧૨ થી ૧૫ જેટલી વિદ્યાર્થીનીઓ ખાંભોદર ગામે હાઈસ્કૂલ ખાતે અભ્યાસ કરે છે.અને મજીવાણા થી ખાંભોદર સુધી એસટી પાસ દ્વારા અપડાઉન કરે છે.આ બાળાઓ સવારે ૭:૩૦ થી ૧૨-૩૦ સુધી અભ્યાસ કરે છે.

મજીવાણા પરત આવતી વખતે પોરબંદર-જામરાવલ બસ ખાંભોદર ખાતે ૧-૩૦ કલાકે આવે છે.પરંતુ આ બસના કંડકટર બાળાઓને બસમાં ચડવા માટે આનાકાની કરે છે.બાળાઓ પાસે એસટી બસનો પાસ હોવા છતાં અને એસટી બસમાં જગ્યા હોવા છતાં બસમાં ચડવા દેતા નથી.અને જો બાળાઓ બસમાં ચડવાની કોશિશ કરે તો બાળાઓના હાથ પકડી નીચે ઉતારી મૂકે છે.વાલીઓ તેમજ બાળાઓના જણાવ્યા મુજબ આ રૂટમાં કાયમી ફરજ બજાવતા વિનુભાઈ નામના કંડકટર આવું વર્તન કરે છે.જેથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત માં જણાવ્યું છે.

વધુ માં એવું પણ જણાવ્યું છે કે રજૂઆત છતાં જો કંડક્ટર બાળાઓ સાથે અશોભનીય વર્તન કરશે તો પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.આ બાળાઓ ૧૪ થી ૧૬ વર્ષની છે.જેથી વાડી વિસ્તારમાં રહેતા વાલીઓ ૧૨:૩૦ વાગ્યા થી મજીવાણા બસ સ્ટેન્ડે બાળાઓ ની રાહ જોઈ ઉભા હોય છે.પરંતુ કંડકટરની દાદાગીરીના કારણે વાલીઓ પણ ત્રણ વાગ્યા સુધી મજીવાણા બસ સ્ટેન્ડે બેસી રહે છે.આ બનાવ રોજિંદો હોવાથી આજે પણ બસ ઉભી ન રહેતા બાળાઓએ ફોન થી વાલીઓને જાણ કરતાં વાલીઓએ મજીવાણા ગામના સરપંચ દિલીપભાઈ ઓડેદરા માજી સરપંચ પરીક્ષિત થાનકી વિગેરે અગ્રણીઓને સ્થળ પર બોલાવી હાજર રાખ્યા હતા.અને ડ્રાઈવર ને પણ આ અંગે ઉગ્ર  રજૂઆત કરી હતી.

રિપોર્ટર ધીરુભાઈ નિમાવત-બગવદર

જુઓ આ વિડીયો