પોરબંદર

શહેરના જુબેલીપુલ ચારરસ્તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું સર્કલ ક્યારે બનાવશો? તેવો સવાલ પોરબંદર નગરપાલિકા સમક્ષ એટલા માટે ઉઠાવાયો છે.કે અહિયાં અત્યાર સુધીમાં અનેક વખત ગમખ્વાર અકસ્માતો થઇ ગયા હોવા છતા પાલિકાનું તંત્ર લોકોને માત્ર લોલીપોપ આપે છે.તેવો આક્ષેપ પોરબંદર કોંગ્રેસ ઓબીસી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે.

પોરબંદરમાં ભારે વાહનોથી સતત ધમધમતા જુબેલી ચાર રસ્તે અવાર-નવાર જીવલેણ અકસ્માત સર્જાઈ રહ્યા છે.તેમ છતાં તંત્ર અહીંયા સ્પીડ બ્રેકર મુકવા કે સર્કલ બનાવવા માટે ગંભીર બનતું નથી.તેથી જીલ્લા કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા વધુ એક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીને આ બાબતને ગંભીરતાથી લેવાય તેવી માંગણી કરવામાં આવી છે.

પોરબંદર કોંગ્રેસના ઓબીસી સેલ ના જિલ્લા પ્રમુખ વિજયભાઈ બાપોદરા દ્વારા રજૂઆતમાં જણાવ્યું છે.કે બરડા પંથકના ગામો અને જામ ખંભાળિયા, જામનગર તરફ જતા નેશનલ હાઈવેને જોડતા જુબેલી પુલ ચાર રસ્તા પાસે અવાર- નવાર નાના મોટા વાહનના અકસ્માત સર્જાઈ રહ્યા છે.અહીંયા નગરપાલિકાના તંત્ર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિત રીતે તેના બજેટમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની પ્રતિમા વાળુ સર્કલ મુકવા માટે બજેટમાં લાખો રૂપિયાની રકમ મંજુર કરતો ઠરાવ પસાર કરવામાં આવે છે.પણ ત્યારબાદ વિકાસની વાતો કરતી ભાજપ સરકાર અને તેનું પાલિકાનું તંત્ર સર્કલ બનાવવાની માત્ર લોલીપોપ જ આપે છે.તેવું પોરબંદરવાસીઓ અને અહીંથી પસાર થતાં વાહનચાલકો અનુભવી રહ્યા છે.

કારણ કે તંત્ર દ્વારા સર્કલ બનાવવાની કામગીરી પણ કરવામાં આવતી નથી.જાણે તંત્ર કોઈનો જીવ જાય તેની રાહ જોઇ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.કોંગ્રેસના ઓબીસી સેલ ના જિલ્લા પ્રમુખ વિજયભાઈ બાપોદરા એ જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે અહીંથી રાણાવાવ સિમેન્ટ ફેક્ટરી વાયા આદિત્યાણા થઈને જતા ડમ્ફર,ટ્રક જેવા ભારે વાહનો એસટી,ટ્રાવેલ્સ બસો,ગ્રામ્યપંથક તરફ જતા છકડો રિક્ષા અને યુટીલીટીજેવા વાહનો તેમજ એ વિસ્તારની સોસાયટીમાં રહેતા લોકોની સતત અવરજવર રહે છે.માટે નગર પાલિકાનું તંત્ર આ બાબતને ગંભીરતાથી લઈને અહીંયા વેલી તકે સર્કલ બનાવે તે જરૂરી છે.

કોઈ નિર્દોષ લોકોનો જીવ લેવાય તે પહેલા સમયસર કાર્યવાહી થવી જોઇએ તેવી માગણી કોંગ્રેસના ઓબીસી સેલના જિલ્લા પ્રમુખ વિજયભાઈ બાપોદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકા સોમનાથની વચ્ચે આવેલા પોરબંદર શહેરમાં પણ સુદામા મંદિર,તારા મંદિર,ભારત મંદિર, સાંદિપની શ્રી હરી મંદિર, જેવા ધાર્મિક અને ફરવાલાયક પ્રવાસન સ્થળો આવેલા છે.બધા જ યાત્રાળુ વાહનો જુબેલીના આ સર્કલ પરથી પસાર થાય છે.માટે તેઓનું જીવ જોખમમાં મુકાઇ અને વધુ ગંભીર અકસ્માત થાય તે પહેલા તંત્ર એ નક્કર કાર્યવાહી વહેલી તકે કરવી જોઈએ તેવી માંગણી પણ વિજયભાઈ દ્વારા કરવામાં આવી છે.

જુઓ આ વિડીયો