પોરબંદર

પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન સામેના વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષ થી બોર અને કુવામાં કેમીકલયુક્ત લાલ પાણીના કારણે સ્થાનિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.પાણી પીવાલાયક તો નહી પરંતુ વાપરવા લાયક પણ ન હોવાથી સ્થાનિક ખેડૂતો,રહેવાસીઓ અને ઉદ્યોગકારો ને પાણી વેચાતું લેવું પડે છે.ત્યારે વહેલીતકે નિરાકરણ ની માંગ ઉઠી છે.

પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં અનેક ઉદ્યોગો,ખેતરો ઉપરાંત રહેણાંક સોસાયટીઓ આવેલી છે.સમગ્ર વિસ્તાર માં છેલ્લા ત્રણ વર્ષથી બોર,ડંકી,કુવામાં લાલ કલરનું કેમીકલયુક્ત પાણી આવી રહ્યું છે.સ્થાનિકો ના જણાવ્યા અનુસાર ત્રણેક વર્ષ પૂર્વે બરોડાની કેમિકલ ફેક્ટરી દ્વારા ત્યાં સ્થાનિક વિરોધ ના કારણે કેમિકલ નો જથ્થો પોરબંદર જીઆઈડીસી ની એક ફેક્ટરી ના પટાંગણ માં ઠાલવ્યો હતો.ત્યાર બાદ તે કેમિકલ ના જથ્થા પર મુશળધાર વરસાદ પડતા તે ધોવાઈ ગયો હતો અને જમીન માં ઉતરી ગયો હતો.ત્યારથી સમગ્ર વિસ્તાર ના પાણીના તળ બગડ્યા છે.

તે સમયે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.પરંતુ ભીનું સંકેલી દેવામાં આવ્યું હતું.અને કેમિકલના જથ્થા પર ભરતી નાખી દેવામાં આવી હતી.આ વિસ્તારમાં ખેતીની જમીન ના તળ માં કેમિકલ ભળી જતા પાણી લાલ કલરનું થતા ખેડૂતોને માઠી અસર પડી છે.અહીં જુવાર સિવાય કોઈ પાક થતો નથી.શાકભાજીનો પાક પણ ઉગતો નથી.પશુઓ ને પણ આ પાણી પીવડાવી શકાતું નથી.કેમિકલ યુક્ત પાણી ના કારણે ખેતી ની જમીન નું નિકંદન નીકળી ગયું છે. લાલ પાણી વડે સ્નાન કરવાથી ચામડીના રોગ થતા હોવાથી લોકો વાપરવા માટે પણ વેચાતું પાણી લઇ રહ્યા છે તો આ વિસ્તાર ના ઉદ્યોગકારો ને પણ ફરજીયાત પાણી વેચાતું લેવું પડે છે સ્થાનિક મહિલાઓએ રોષ વ્યકત કરી જણાવ્યું હતું કે, લાલ કલરનું પાણી પીવાલાયક કે વાપરવા લાયક નથી. આ પાણીથી કપડા ધોવે તો કપડાનો કલર પણ ઉતરે છે અને શરીર માં ખંજવાળ આવે છે આ વિસ્તાર માં હજારો લોકો નો વસવાટ છે મોટી સંખ્યા માં ઉદ્યોગો પણ આવેલા છે તમામ લોકો ને હાલાકી પડી રહી છે જેથી આ અંગે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને સમગ્ર વિસ્તાર ની આ સમસ્યા નું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

જુઓ આ વિડીયો