પોરબંદર

પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ થયો છે.જો કે હજુ પાક તૈયાર થયો ન હોવાથી ટેકા ના ભાવે વેચાણ કરવા ઓછા ખેડૂતો આવી રહ્યા છે.જ્યારે રાણાવાવમાં 2 દિવસ બાદ સેન્ટર શરૂ થશે.

પોરબંદર જીલ્લા માં પોરબંદર તાલુકામાં 27520 હેકટરમાં ચણાના પાકનું વાવેતર થયું છે.જ્યારે રાણાવાવ તાલુકામાં 3550 હેકટર અને કુતિયાણા તાલુકામાં 22750 હેકટર ચણાનું વાવેતર થયું છે.આમ જિલ્લામાં કુલ 53820 હેકટરમાં ચણાનું વાવેતર થયું છે.ત્યારે પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે તા. 1 માર્ચથી તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા પોરબંદર તાલુકાની ચણાની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે.

ખરીદીમાં ચણાના વાવેતરના પ્રતિ હેકટર 1500 કિલો અને મહત્તમ 2500 કિલો ચણાની મર્યાદા મુજબ ખેડૂત પાસેથી ચણાની ખરીદી કરવામાં આવે છે.જેમાં 20 કિલો ચણાના 1046 રૂપિયા ભાવ નક્કી કરાયો છે.ટેકા ના ભાવે ચણા નું વેચાણ કરવા પોરબંદર તાલુકામા 27/2 સુધીમાં 5230 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.અને બે દિવસમાં 40 ખેડૂતોને એસએમએસ કરીને બોલાવવામાં આવ્યા હતા.જેમાં પ્રથમ દિવસે માત્ર 3 ખેડૂત આવ્યા હતા.જ્યારે બીજા દિવસે 5 ખેડૂત આવ્યા હતા.

રાણાવાવ તાલુકામાં ચણાની ખરીદી માટે બે દિવસ બાદ સેન્ટર ફાળવવામાં આવશે.જયારે કુતિયાણા તાલુકામાં 4650 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.ભારત મિલ ખાતે સેન્ટર ફાળવવામાં આવ્યું છે.બે દિવસમાં 40 ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવતા અંદાજે 10 ખેડૂતો આવ્યા હતા.જીલ્લા માં ચણા નું સારું વાવેતર થયું છે.પરંતુ હજુ પાક તૈયાર થયો ન હોવાથી ઓછી સંખ્યા માં ખેડૂતો ટેકા ના ભાવે વેચાણ કરવા આવતા હોવાનું સંઘ ના પોપટભાઈ બાપોદરા એ જણાવ્યું હતું.વધુ માં તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોએ વેચાણ માટે ચણાની સાફ સફાઈ કરીને લાવે તો સમયનો વ્યય ન થાય.રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોનો પાક તૈયાર ન હોય તો તેઓને ફરીથી બોલાવવામાં આવશે.તેવું પણ તેઓએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ખુલ્લી બજારમાં ચણાના 20 કિલોના રૂ. 900 છે.જેથી મોટે ભાગે ખેડૂતો ટેકા ના ભાવે ચણા નું વેચાણ કરવાનું પસંદ કરી રહ્યા છે.જો કે પૈસા ની તાત્કાલિક જરૂરિયાત હોય,ટેકા ના ભાવે વેચાણ કરવા રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય અથવા ચણામાં  ભેજનું પ્રમાણ વધુ હોય તો ચણા રિજેક્ટ થવાનો ડર હોય જેથી ખેડૂતો ખુલ્લી બજારમાં ચણા નું વેચાણ કરી દેતા હોય છે.કેટલાક વેપારીઓ ખેતરે આવીને ચણાની ખરીદી કરી જતા હોવાથી યાર્ડ સુધી ચણા લાવવાનું  વાહનભાડુ બચે અને માલ રિજેકટનો ડર ન રહે તેથી કેટલાક ખેડૂતો ખેતરે થી જ વેચાણ કરી દેતા હોવાનું પણ જાણવા મળે છે.

જુઓ આ વિડીયો