પોરબંદર

પોરબંદર જીલ્લા ની ૯૮ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી.જેની આજે મત ગણતરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. વિજેતા ઉમેદવારો દ્વારા ઢોલ નગારા ના નાદ સાથે જીત ની ઉજવણી કરી હતી.

પોરબંદર જિલ્લામાં 98 ગ્રામપંચાયત માટે કુલ 256 સરપંચ અને 1678 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.જયારે 31 ગ્રામપંચાયત સમરસ થઈ હતી.ચૂંટણી માં કુલ ૭૩.૬૬ ટકા મતદાન થયું હતું.જે મતદાન ની જીલ્લા માં ત્રણ સ્થળે સવારે 9 વાગ્યા થી મત ગણતરી કરવામાં આવી હતી.જેમાં પોરબંદરની માધવાણી કોલેજ ખાતે,રાણાવાવની વિનિયન કોલેજ ખાતે અને કુતિયાણા સરકારી હાઈસ્કૂલ ખાતે મતગણતરી કરવામાં આવી હતી.

ચૂંટણી પરિણામ ને લઇ ને ગ્રામ્ય વિસ્તાર માં ભારે ઉત્સુકતા જોવા મળતી હતી.અને મત ગણતરી કેન્દ્રોની બહાર લોકો ના ટોળા ઉમટ્યા હતા.પોરબંદર ની માધવાણી કોલેજ થી નરસંગ ટેકરી સુધી વાહનો ની કતાર લાગી હતી.આ વખતે બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હતું,જેના પરિણામે મતગણતરીમાં વિલંબ થયો હતો.એક પછી એક ગામના પરિણામો જાહેર થતા વિજેતા બનેલા ઉમેદવારો અને તેમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.તેમજ આગામી દિવસોમાં વિકાસના કામો અંગે વિજેતાઓ ખાતરી પણ આપી રહ્યા હતા.

કેટલાક ગામો માં ઢોલ નગારા અને શરણાઈ ના સુર સાથે ઉમેદવારો એ સરઘસ કાઢ્યું હતું.જો કે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે વિજય સરઘસમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થવું શક્ય ન હોવાથી કોરોના ફેલાવવાની સંભાવના હોવાનું જણાવી તથા ચુંટાયેલ અને પરાજીત થયેલ ઉમેદવારોના સમર્થકો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની તથા ઘર્ષણ થવાની સંભાવના હોવાનું જણાવી વિજય સરઘસ ન કાઢવા અપીલ કરાઈ હતી.જેથી કેટલાક ગામો માં શાંતિપૂર્વક લોકશાહી ના પર્વ ની ઉજવણી કરાઈ હતી.ચૂંટણી માં કેટલાક ઉમેદવારો વચ્ચે ખુબ પાતળી સરસાઈ જોવા મળી હતી.તો કેટલાક ગામો માં વિજેતા ઉમેદવાર ની સરસાઈ કરતા નોટા માં વધુ મત પડ્યા હોવાનું પણ સામે આવ્યું હતું.
મોકર ગામે ટાઈ પડતા ચિઠ્ઠી નાખી વિજેતા જાહેર
રાણાવાવની વિનીયન કોલેજ ખાતે મતગણતરી દરમિયાન મોકર ગામના વોર્ડ નંબર છ ના ઉમેદવાર જસુબેન ભીમજી ભાઈ ટુકડીયા અને પુરીબેન ભીખુભાઈ ટુકડીયા વચ્ચે એકસરખા મતને કારણે ટાઈ થઈ હતી.ત્યારબાદ વહીવટીતંત્રના અધીકારીઓએ ચિઠ્ઠી નાંખીને જસુબેન ટુકડીયાને વિજેતા જાહેર કર્યા હતા.

જુઓ આ વિડીયો