પોરબંદર

પોરબંદર માં લિંગ પરિવર્તન ના બે કિસ્સા સામે આવ્યા છે.જેમાં રાણાવાવ ના નાયબ મામલતદારે લિંગ પરિવર્તન કરાવી સ્ત્રી બન્યા છે.તો પોરબંદર ની યુવતી એ લિંગ પરિવર્તન કરી યુવાન બની છે.

વિદેશ માં તથા દેશના મેટ્રો સીટી માં સેક્સ ચેન્જ કરાવવું સામાન્ય બાબત બની ગઈ છે.પરંતુ સૌરાષ્ટ્ર માં અને ખાસ કરી ને પોરબંદર જેવા નાના શહેર માં આવા કિસ્સા જવલ્લે જ જોવા મળે છે.તેમાં પણ ઉચ્ચ હોદા પર રહેલ સરકારી અધિકારી એ લિંગ પરિવર્તન કરાવ્યું હોય તેવો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

રાણાવાવ ના નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા નીલેશકુમાર ભાઈશંકર મહેતા (ઉવ ૩૩)નાનપણ થી જ જેન્ડર ડાયફરિયા ધરાવતા હતા.અને પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ કરતાં હતા.શરીર પુરુષ નું હતું પરંતુ આત્મા સ્ત્રી નો હોય તેવી અનુભૂતિ થતી હતી.પરંતુ સામાજિક રીતિ રિવાજો ના કારણે તેના એક યુવતી સાથે લગ્ન કરવામાં આવ્યા હતા.અને તે લગ્નથી એક પુત્રીનો જન્મ પણ થયો હતો.પરંતુ સ્ત્રી હોવાની અનુભૂતિના કારણે તેઓના છૂટાછેડા થયા હતા.ત્યાર બાદ તેઓએ બીજા લગ્ન પણ કર્યા હતા.જેમાં પણ હાલ ભરણપોષણ નો કેસ ચાલી રહ્યો છે.

તેઓ લિંગ પરિવર્તન કરતા અચકાતા હતા.પરંતુ ૨૦૧૯ માં ટ્રાન્સજેન્ડર એક્ટ આવતા તેઓએ હિમ્મત કરી ઓપરેશન કરી સેક્સ ચેન્જ કરવા નિર્ણય લીધો હતો.અને તેના માટે તેઓએ ઓક્ટોબર ૨૦૨૦ માં સિવિલ હોસ્પિટલ માં કાઉન્સીલિંગ પણ કરાવ્યું હતું.ત્યાર બાદ તેઓની યુવતી બનવા માટે ની સારવાર શરુ કરાઈ હતી.જેમાં હોર્મોન ટ્રીટમેન્ટ ,લેસર હેર રીમુવલ ટ્રીટમેન્ટ ,લાઈપો સકશન સહિતની સારવાર લીધી છે.હજુ તેઓની મુખ્ય સર્જરી એટલે કે પુરુષના પ્રજનન અવયવના સ્થાને સ્ત્રીનું કૃત્રિમ પ્રજનન અવયવ ફીટ કરવાની સર્જરી બાકી છે.આથી તેઓને હાલ માં ટ્રાન્સજેન્ડર તરીકે નું સર્ટીફીકેટ મળ્યું છે.ઓપરેશન પૂર્ણ થયે યુવતી બન્યા બાદ યુવતી તરીકે નું સર્ટીફીકેટ મળશે.વોઈસ ચેન્જ માટે ભારત માં પુરતું રીઝલ્ટ મળતું ન હોવાથી તેઓ તેના માટે થાઈલેન્ડ જશે.

પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીત માં તેઓએ જણાવ્યું હતું કે વરસો થી તે સ્ત્રી હોવાનો અનુભવ કરી રહ્યા હતા.પરંતુ તે પોતાની લાગણી જાહેર માં વ્યક્ત કરી શકતા ન હતા.ત્યાર બાદ મક્કમ મન કરી લિંગ પરિવર્તન કરવાનો નિર્ણય લીધો હતો.જો કે પરિવાર માં બે ભાઈ અને એક બહેન માં મોટા નીલેશભાઈ(હવે બીજલ) ને હજુ પણ આ મામલે પરિવાર નો સહયોગ મળતો ન હોવાનું તેઓએ જણાવ્યું હતું.હવેથી તેઓ બીજલ તરીકે ઓળખાશે.

બીજી તરફ પોરબંદર ની ૨૯ વર્ષીય યુવતી ખુશ્બુ કક્કડ પણ નાનપણ થી પુરુષ હોવાની અનુભૂતિ કરતી હતી.અને નાનપણ થી જ પુરુષો ના કપડા જ પહેરતી હતી મિત્રમંડળ માં પણ યુવાનો જ હતા.આથી તેણે પણ મક્કમ મન રાખી સેક્સ ચેન્જ કરવાનો નિર્ણય લીધો હતો.આથી તેની પણ હાલ સારવાર ચાલી રહી છે.હવે તેની ગર્ભાશય ની કોથળી કાઢવાની તથા બોટમ સર્જરી બાકી છે.ત્યાર બાદ તે યુવાન બનશે.તેણે પોતાનું નામ આદિત્ય રાખ્યું છે.અને ઓપરેશન બાદ યુવતી સાથે લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે.જો કે તેને સંતાન થઇ શકશે નહી.તેને તેના નિર્ણય માં પરિવારજનો એ પુરતો સહયોગ આપ્યો છે.અને તેઓ ખુશ હોવાનું પણ તેણે જણાવ્યું હતું.કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019 મા ટ્રાન્સજેન્ડર અંગે કાયદો બનાવ્યા બાદ લિંગ પરિવર્તન કરાવ્યા બાદ નવી ઓળખ આપવામાં આવી છે.ત્યારે ગુજરાતમાં પણ હવે ઓપરેશન કરીને સેક્સ ચેન્જ કરવતા લોકો ખૂલીને સામે આવી રહ્યાં છે. જેમાં સુરતની અલીશાને રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન તરીકે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે આગામી દિવસોમાં પોરબંદરની બીજલ મહેતા અને આદિત્ય ક્કકડને પણ ઓપરેશન બાદ કાયદાકીય રીતે ટ્રાન્સજેન્ડર તરીકે માન્યતા પ્રાપ્ત થશે.

જુઓ આ વિડીયો 

લિંગ પરિવર્તન માટે અનેક તબક્કાઓ
પુરુષમાંથી મહિલા બનવા માટે આશરે 18 અને મહિલામાંથી પુરુષ બનવા માટે આશરે 33 તબક્કાઓમાંથી પસાર થવું પડે છે.આમાં સંબંધિત વ્યક્તિના લિંગના સાથે જ તેનો ચહેરો, વાળ, નાખ, હાવ-ભાવ, હાર્મોન્સ, કાનના આકારમાં પણ ફેરફાર કરવામાં આવે છે.જોકે આવી પ્રોસેસ ઘણી મોંઘી હોય છે.તેથી મોટા ભાગના લોકો આ બધા જ તબક્કા ન કરાવીને મુખ્ય ચાર તબક્કા દ્વારા લિંગ પરિવર્તન કરાવે છે,મહિલામાંથી પુરુષ બનવાની સરખામણીએ પુરુષમાંથી મહિલા બનવામાં સરળતા રહે છે.જો કોઈ પુરુષમાંથી મહિલા બનવા માગે છે તો,તેના શરીરના ભાગોથી જ મહિલાઓ ના અંગ બનાવી દેવામાં આવે છે.

માત્ર ડોક્ટર જ નહી અનેક ની જરૂર પડે છે
લિંગ પરિવર્તનની પ્રક્રિયામાં ફક્ત પ્લાસ્ટિક સર્જન જ નહીં.પરંતુ મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિક, સ્ત્રી રોગ નિષ્ણાત, ન્યૂરોજીલિસ્ટ અને વકીલ પણ સામેલ થાય છે.જે વ્યક્તિ લિંગ પરિવર્તન કરાવે છે.તેની પાસે કાયદાકીય લખાણો કરાવવામાં આવે છે.તેમાં તે પોતે એ વાતની મંજૂરી આપે છે કે,તે લિંગ પરિવર્તન કરાવી રહ્યો છે.મનોરોગ નિષ્ણાતની મંજૂરી આપવામાં આવે છે,જેનાથી એ ખબર પડે છે કે, વ્યક્તિને ખરેખર જેન્ડર ડિસફોરિયા છે કે નહીં.

અનેક મોરચે લડવું પડે છે
બીજલે જણાવ્યું હતું કે સેક્સ ચેન્જ એ ખુબ જ પીડાદાયક અને ધીમી તથા ખર્ચાળ પ્રક્રિયા છે.તેમાં સારવાર ના વિવિધ તબક્કાઓ ઉપરાંત સેક્સ ચેન્જ થયા બાદ વિવિધ સર્ટીફીકેટ માં લિંગ પરિવર્તન માટે અલગ અલગ સરકારી વિભાગો ખાતે એમ અલગ મોરચે લડવું પડે છે.ત્યાર બાદ સમાજ સ્વીકારે તે માટે પણ શરુઆત માં હિમ્મત દાખવવી પડે છે.

પોરબંદર માં બે દાયકા અગાઉ યુવાને કર્યું હતું સેક્સ ચેન્જ ઓપરેશન
પોરબંદર ના ભાવેશ નામના યુવાને બે દાયકા અગાઉ સેક્સ ચેન્જ ઓપરેશન કરી યુવતી બન્યો હતો.અને અંજલિ નામ ધારણ કર્યું હતું.હાલ તે પીજીવીસીએલમાં ફરજ બજાવી રહી છે.