પોરબંદર

ગાંધીનગર ખાતે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે,જેનો વિરોધ કરી પોરબંદરમાં રાજપૂત સમાજ તેમજ કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા પર ગાંધીનગર પોલીસ દ્વારા ૩૦૭ અને ૩ર૧ સહિતની કલમો લગાડી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.ત્યારે સમસ્ત ગુજરાતમાં રાજપૂત સમાજ આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્રાો છે.ત્યારે પોરબંદર રાજપૂત સમાજ તથા કરણી સેના ના આગેવાનો અને કાર્યકરો  દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રાજપૂત સમાજ અને કરણી સેનાએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ કાર્યવાહીને આકરા શબ્દોમાં વખોડી હતી.એટલું જ નહીં, પરંતુ તાત્કાલીક ધોરણે આ કલમો દૂર કરી યુવરાજસિંહને જેલમાંથી મુકત કરવામાં આવે તેવી માંગ કરી હતી.આગેવાનો એ જણાવ્યું  હતું કે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષામાં ગોટાળા થઈ રહ્યા છે.પરીક્ષા પહેલા જ પેપર લીક અંગે યુવરાજસિંહ જાડેજાએ કૌભાંડ ઉજાગર કર્યા હતાં.તેમણે ઊઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કની અનેક ભરતી પરીક્ષા રદ્ કરવી પડી હતી.આમ સતત લડત આપતા યુવરાજસિંહ જાડેજા સામે લગાવેલી હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાની કલમો દૂર કરવી જોઈએ.અને તેમને મુક્ત કરવામાં આવે.આ મુદ્દે જરૂર પડ્યે વધુ આક્રમક લડત આપવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.

પોરબંદર ખાતે આવેદનપત્ર આપવાના આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના યુવા અગ્રણી રવિરાજસિંહ જેઠવા, શકિતસિંહ જેઠવા,જયદિપસિંહ જેઠવા,રાજદિપસિંહ જેઠવા,ઇન્દ્રજીતસિંહ રાણા સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જુઓ આ વિડીયો