પોરબંદર

પોરબંદર ના આદિત્યાણા ગામે રહેતા રાણાવાવ પાલિકા ના પૂર્વ વિપક્ષ ના નેતા ની પત્ની ને ધમકી આપવા,તેના ભાણેજ ની કાર માં તોડફોડ મામલે,તથા તે કાર મહતી છરી મળી આવવા મામલે ત્રણ અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.

આદિત્યાણા ગામે ખોડીયાર માતાજી ના મંદિર પાસે ગરબી ચોક માં રહેતા રાણાવાવ પાલિકા ના પૂર્વ વિપક્ષી નેતા ના પત્ની રાજેશ્રીબેન વીંઝાભાઈ મોઢવાડિયા (ઉવ ૩૫)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આદિત્યાણા ગામે જ રહેતા આવડા વિકમ ના ભાઇનુ આજથી ત્રણેક વર્ષ પહેલા ખુન થયું હતું.જેમા રાજેશ્રીબેન ના પતિનુ નામ હોવાથી તે વાતનુ મનદુઃખ રાખી આવડા ઉપરાંત ભરત લીલા,ગાંગો વિરમ,હિતેષ ઓડેદરા તથા બે અજાણ્યા શખ્સો હાથમા છરી તથા લોખંડના પાઇપ જેવા હથિયારો ધારણ કરી રાજેશ્રીબેન ના ઘર પાસેથી વારાફરતી નિકળી તેઓને જેમ ફાવે તેમ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જો કે સીસીટીવી ફૂટેજ માં પિસ્તોલ જેવું હથિયાર નજરે ચડતું હોવાથી અને રાજેશ્રીબેન પણ તે અંગે જણાવી રહ્યા હોવાથી ખરાઈ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે રાજેશ્રીબેન ના પતી વીંજાભાઈ અગાઉ રાણાવાવ પાલિકા ના વિપક્ષી નેતા હતા.ત્યારે તેઓએ તથા તેના ભાણેજ સહીત આઠ શખ્સો એ તા ૧૫-૪૨૦૧૮ ના દિવસે ભાજપ ના જ નગરસેવક હાજાભાઈ ઉર્ફે ટીડા વિરમ ખુંટી અને ભાજપ કાર્યકર કાના રણમલ કડછા ની હત્યા નીપજાવી હોવા અંગે ગુન્હો દાખલ થતા તે મામલે હાલ પણ તેઓ જેલ માં જ છે.તો  રાજેશ્રીબેને ગત અઠવાડિયે જ એસપી ને લેખિત રજૂઆત કરી રાણાવાવ ના પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા નું સરકારી ખર્ચે મળતું પોલીસ રક્ષણ પરત ખેંચી લેવા માંગ કરી હતી.

તો વીંઝાભાઈ ના ભાણેજ ની કાર માં તોડફોડ મામલે આદિત્યાણા ગામે મેર સમાજ ની બાજુ માં રહેતા તેના ભાણેજ જયમલ કેસુભાઇ ઓડેદરા (ઉવ ૧૯)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.જેમાં જણાવ્યું છે કે આદિત્યાણા ગામે રહેતા આવડા વિક્રમ કડછા તથા ભરત ખુંટી નામના શખ્સો એ એકાદ વર્ષ પહેલા જયમલ ના ઘર ઉપર હુમલો કર્યો હતો જે બાબતે જયમલ ના મમ્મીએ પોલીસ ફરિયાદ કરેલ હતી.જે વાતનું મનદુ:ખ રાખી ગઈ કાલે બપોરે જયમલ કાર માં આદિત્યાણા તરફ જઈ રહ્યો હતો.ત્યારે આવડા અને ભરત ઉપરાંત હિતેશ ઓડેદરા અને અન્ય એક અજાણ્યો શખ્શ બાઈકો ઉપર આવી અને જયમલ તથા તેની સાથે રહેલા લોકો ને ગાળો બોલી, મારી નાખવાની ધમકી આપી હતી.તથા ટાટા સફારી કાર નો પાછળનો કાચ કોઈ પણ રીતે તોડી આશરે રૂ.૫૦૦૦ નુકશાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે આ કાર પર ફાયરીંગ કર્યા ની વાતો વહેતી થઇ હતી.પરંતુ પોલીસ ને કાર માંથી કારતુસ મળ્યા ન હતા.જેથી તે અંગે પણ કાર ની એફ એસ એલ તપાસ કરવામાં આવી છે.

આદિત્યાણા નજીક કાર માં પાછળ ના કાચ તોડી નાખવા અંગે ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તે કાર તપાસ અર્થે ઉદ્યોગનગર પોલીસ મથક માં લાવવામાં આવી હતી.જે કાર ની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા કાર માંથી ડ્રાઈવર સીટ નીચે થી પ્લાસ્ટિક ના હાથાવાળી સ્ટીલ ની છરી મળી આવતા પોલીસે રૂ ૨૦ ની કિમતની છરી કબજે કરી કાર ચાલક વિશ્વરાજસિંહ જગદીશસિંહ જાડેજા (ઉ.વ.૧૯ રહે.નાની લાખાણી ગામ,હાલ પોરબંદર જીઆઇડીસી )ની ધરપકડ કરી છે.

જુઓ આ વિડીયો