Wednesday, April 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ACHIEVERS: પોરબંદર પંથક માં ૩૪-૩૪ વરસ થી નિસ્વાર્થભાવે સેવાની જ્યોત પ્રગટાવનાર એક નારી ની દાસ્તાન

પોરબંદર

મિત્રો, પોરબંદર અચીવર્સ ને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.આપના ખુબ સારા પ્રતિસાદ ના લીધે અમારા ઉત્સાહ માં ખુબ વધારો થયો છે. આપના સૂચનો,પ્રતિભાવો બદલ બધા નો આભાર.
પોરબંદર અચીવર્સ માં આ વખતે વાત કરીશું એક એવા મહિલા ની જેણે પોરબંદર અને આસપાસ ના વિસ્તાર માં શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે સેવાકીય કાર્યો ની જ્યોત છેલા ૩૪ વર્ષથી જલતી રાખી છે .આ વખતે વાત કરીએ નીતાદીદી ના નામ થી જાણીતા એવા સાહેલી સંસ્થા ના નીતાબેન વોરા ની

૩૪ વર્ષ પહેલાનો સમય છે. પોરબંદરથી 18 કિલોમીટર દૂર આવેલા નાના એવા બગવદર ગામમાં દિવસની માંડ છ કલાક લાઈટ મળતી. એવા સમયે ત્યાં ફરજ બજાવવા મુંબઈથી આવેલા ડોક્ટરના પત્ની એવું એક દ્રશ્ય જુએ છે કે સરકારી શાળામાં બાળક ભણવા આવે છે પરંતુ તેના શરીર ઉપર ફાટેલા કપડા છે, બે-ત્રણ દિવસથી નહાયો ન હોય તેવો મેલ દેખાય છે, નાકમાંથી શેડા વહી રહ્યા છે અને માથાના વાળ પણ ખૂબ જ મેલા અને ઓળાવ્યા વગરના છે. આથી આ મહિલાનું દિલ દ્રવી ઉઠે છે અને મનમાં ને મનમાં એવું વિચારે છે કે જો આપણે જાતે સ્વચ્છ અને સ્વસ્થ તથા તૈયાર થઈને બહાર નીકળીએ નહીં તો આપણામાં અને પશુઓમાં શું ફેર ? અને તરત બીજો વિચાર એવો ઝબક્યો કે બાળકને વ્યવસ્થિત રીતે તૈયાર કરીને શાળાએ મોકલવાની જવાબદારી તેની માતાની છે, માતામાં જ એ જાગૃતી નથી તો બાળકોમાં સ્વચ્છતા ક્યારે આવશે ? તેવો સવાલ મનોમન ઉભો થયા બાદ એ જ ઘડીએ નક્કી કરી લીધું છે કે આજથી આવા જેટલા બાળકો શાળાએ આવતા નજરે ચડશે એ તમામને હું સ્વચ્છ કરી, નવડાવી, તૈયાર કરીને પછી જ શાળામાં જાય તે માટે જાતે તમામ કામગીરી કરીશ.
૩૪-૩૪ વર્ષથી આ પ્રકારની વિશિષ્ટ કામગીરી કરનાર નારીની દાસ્તાન ખૂબ રોચક અને અન્ય માટે પ્રેરણાદાયી છે. પરંતુ ગામડાઓમાં પણ અનેક એવી સ્ત્રીઓ છે કે જેમણે પોતાનું જીવન સમાજ માટે સમર્પિત કરી દીધું છે અને તેમણે અત્યારસુધીમાં ૩૪ વર્ષમાં 4 હજાર મહિલાઓને રોજગારી પૂરી પાડીને પગભર બનાવી છે તો 10 હજાર જેટલા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ પણ અપાવ્યું છે.
સમૃદ્ધ પરિવારમાં જન્મ અને શિક્ષણ તથા લગ્ન
પોરબંદર નજીકના બગવદર ગામે આ સેવાયજ્ઞની ધૂણી ધખાવનાર નીતાબેન વોરાનો જન્મ સમૃદ્ધ પરિવારમાં થયો હતો. અત્યારે તેઓ ૫૯ વર્ષના છે અને એમ.કોમ. ઉપરાંત ડો. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં એમ.એસ.ડબલ્યુ. તથા ચાઈલ્ડ કેર એન્ડ ડેવલોપમેન્ટની ડીગ્રી પ્રાપ્ત કરી છે. પોતાની શાળા-કોલેજની કારકિર્દીમાં અનેક સ્પર્ધાઓમાં સ્થાનિકથી રાજ્યકક્ષા સુધીના એવોર્ડ મેળવનાર નીતાબેન વોરાના લગ્ન ઉચ્ચ બ્રાહ્મણ પરિવારના ડો. ભુપેન્દ્રભાઈ વોરા સાથે થયા હતા.
બર્મિંગહામમાં પ્રસ્થાન
લગ્ન બાદ ડો. ભુપેન્દ્ર વોરા સાથે તેઓ યુ.કે. ના બર્મિંગહામ ખાતે સ્થાયી થયા હતા અને ત્યાં બે વર્ષ સુધી તેઓ રહ્યા હતા. એ દરમિયાન પતિ-પત્ની બન્નેએ નક્કી કર્યું કે વિદેશમાં રહીને ગોરી ચામડી પાછળ જાત ઘસવી તેના કરતા આપણા દેશમાં રહીને દેશબાંધવોની સેવા કરવી.
બોમ્બેમાં આગમન
બર્મિંગહામ અને લંડનમાં માત્ર બે વર્ષ રહ્યા બાદ તેઓ મુંબઈ ખાતે આવ્યા હતા અને આ દંપતિએ ત્યાં પણ અનેકવિધ સેવાકાર્યો હાથ ધર્યા હતા. એ સમયે તેઓને એવું જણાવ્યું કે શહેરની ફાસ્ટ લાઈફમાં બિમાર દર્દીઓને સારવાર મળી રહેશે પરંતુ ગ્રામ્યપંથકની જનતાને ભાગ્યે જ તબીબી સેવા મળે છે.
બગવદરમાં આગમન
બર્મિંગહામ અને બોમ્બેમાં બે-બે વર્ષની સેવા બાદ સીધા જ પોરબંદર નજીકના બગવદર ગામે ટ્રસ્ટની હોસ્પિટલમાં સેવા આપવા માટે ડો. ભુપેન્દ્રભાઈ વોરા આવ્યા ત્યારે તેમના જીવનસંગીની નીતાબેને પણ પતિ સાથે ખભેખભા મીલાવીને કામ કર્યું. એ સમયે 633 ની વસ્તી ધરાવતા બગવદર ગામમાં પતિ તબીબી સેવા પાછળ કાર્યરત બન્યા ત્યારે નવરાશના સમયમાં નીતાબેન વોરાએ ઉપર જણાવ્યા મુજબનું શાળાએ તૈયાર થયા વગર બાળકનું દ્રશ્ય જોયું હતું અને ત્યારથી જ તેમણે મનમાં ગાંઠ વાળી લીધી હતી કે હવે તો અહીં જ રહીને બાળકોને પણ તૈયાર કરવા છે અને સાથોસાથ તેની માતાઓને પણ સમજ આપીને સુશિક્ષીત કરવી છે.
મહિલાઓને રોજગારી
એ સમયે ગામડામાં મહિલાઓ ભાગ્યે જ પગભર હતી. પતિ કામે જાય પછી નવરાશના સમયમાં સ્ત્રીઓ ઘરનું કામકાજ કરવા સિવાય તેનામાં છૂપાયેલી સીવણ, ભરતગુંથણની કલા પોતાના પૂરતી જ સીમીત રાખતી હતી. તેથી તેમને થયું કે આવી મહિલાઓને જો રોજગારી પૂરી પાડવામાં આવે તો બે પૈસા કમાઈને પગભર થઈ શકશે. તેથી તેમણે પોતાના પરિવારજનોના પાંચ હજાર રૂપીયાના અનુદાનથી 1990 ની સાલમાં મહિલાઓને રોજગારી આપવાની કામગીરી હાથ ધરી. ગ્રામ્ય વિસ્તારની ગરીબ અને નિરક્ષર બહેનોને પગભર કરવા ઘરે-ઘરે અને વાડીએ-વાડીએ ફરીને સખીમંડળો શરૂ કર્યા. બહેનોને વિનામૂલ્યે સીવણ, ભરતગુંથણ, એમ્બ્રોઈડરની તાલીમ અપાવી. અથાણા, મસાલા, પાપડ, ફીનાઈલ, વોશીંગ પાઉડર જેવો ગૃહઉદ્યોગ કરતા શીખવી. બહારથી નિષ્ણાંતોને બોલાવીને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું. તેમના દ્વારા ઉત્પાદીત થતો માલ તેમની પાસેથી લઈને ખાદીભવન સહિતના સ્થળોએ વેચાણ માટે પહોંચાડીને તેની રકમ સીધી જ મહીલાઓના હાથમાં આવે તેવી વ્યવસ્થા ગોઠવી. છાશ કેન્દ્ર, સંસ્કાર કેન્દ્ર, રસી નિવારણ કેન્દ્ર, સત્સંગ કેન્દ્ર વગેરે દ્વારા મહિલાઓના બૌદ્ધિક-માનસિક વિકાસના પ્રયત્નો હાથ ધર્યા. બગવદરમાં સાહેલી ગ્રામ્ય વિકાસ સંસ્થાનની સ્થાપના કરીને તેમણે મહિલાઓને નિ:સ્વાર્થભાવે સ્વરોજગારી આપવા માટે મજબુત બનાવી હતી. અને જોતજોતામાં તેમના આ સેવાયજ્ઞને લીધે અત્યારસુધીમાં 200-500 નહીં પરંતુ 4,000 થી વધુ મહિલાઓને રોજગારી પ્રાપ્ત થઈ છે અને સારામાં સારી કમાણી કરીને પરિવારનું ભરણપોષણ કરી રહી છે. એટલું જ નહીં, પરંતુ વિનામૂલ્યે કોમ્પ્યુટર હાર્ડવેર અને બ્યુટીપાર્લરની તાલીમ આપતા 4,900 થી વધુ દીકરીઓએ તેનો લાભ લીધો હતો. અને તેઓ નીતાબેનમાંથી સૌના લાડકવાયા ‘નીતાદીદી’ બની ગયા.

શિક્ષણની સેવા
નજર સામે મેલાઘેલા બાળકને શાળાએ જતો જોયા બાદ દિલમાં આવા બાળકો માટે કાંઈક કરી છૂટવાની તમન્ના જાગી અને એ સમયે એક જ સરકારી શાળા કાર્યરત હતી. તેમાં પણ બાળકીઓનું શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. તેમણે નક્કી કર્યું કે બાળકોમાં શિક્ષણનો ભેદભાવ હોવો જોઈએ નહીં. સારામાં સારી શિક્ષણની સુવિધા મળશે તો જ સમાજમાં પરિવર્તન આવશે. 1991 ની સાલમાં તેમણે આંગણવાડીથી માંડીને ધોરણ 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ મળે તે માટેની શાળાની સ્થાપના કરી. અને ત્યારબાદ શાળાએ તૈયાર થઈ વગર આવતા બાળકોને સ્વચ્છ અને સ્વસ્થ કરીને પછી જ વર્ગખંડમાં તેઓ પ્રવેશ આપતા હતા. દેશ-વિદેશના દાતાઓનો સહયોગ મળ્યો. કોમ્પ્યુટર લેબ અને વાંચનાલય સહિતની સુવિધાઓ ઉભી થઈ. 5,000 થી વધુ પુસ્તકો સાથેનું પુસ્તકાલય બાળકોને સમૃદ્ધ વાંચન બક્ષી રહ્યું છે. કસ્તુરબા મહિલા ફાઉન્ડેશન દ્વારા બાળતંદુરસ્તી ચેક-અપ તથા આયુર્વેદિક કેમ્પ જેવા પ્રયત્નો હાથ ધર્યા. યુ.કે. માં કાર્યરત શિશુકુંજ સંસ્થાના સહયોગથી હેલ્થ કીટ વિતરણ કાર્યક્રમની અમલવારી કરાવી. લંડનની શિશુકુંજ ઈન્ટરનેશનલ સંસ્થા દ્વારા માત્ર બગવદર જ નહીં, પરંતુ પોરબંદર જિલ્લામાં પણ પહેલા ધોરણમાં પ્રવેશ મેળવતા હજ્જારો બાળકોને સ્વચ્છતા કીટ આપે તે માટે આયોજન ઘડ્યું અને નીતાબેન વોરાએ આ ભગીરથ કાર્યમાં સમગ્ર વ્યવસ્થા પોતાના ઉપર ઉપાડી લીધી અને બાળકો શાળાએ તો જ તૈયાર થઈને જશે જો તેમની પાસે તમામ વસ્તુઓ હશે. તેથી આ સ્વચ્છતા કીટમાં સાબુ, શેમ્પુ, દાતીયો, રૂમાલ, ટુથબ્રશ, ટુથપેસ્ટ, તેલ વગેરે સમાવીને તેનું વિતરણ સાહેલી સંસ્થાના સહયોગથી કરાવવાની કામગીરીનો આરંભ કર્યો અને અત્યારસુધીમાં હજારો બાળકોને તેનો લાભ અપાવ્યો છે. શિક્ષણની સાથોસાથ સમાજસેવામાં પણ તેમનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. રાધામાં બાલમંદિર, દિવાળીમાં સાહેલી ગુજરાતી પ્રાથમિક શાળા, દિવાળીમાં સાહેલી અંગ્રેજી પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં પાંચસો જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અત્યારસુધીમાં નીતાદીદીએ 10 હજારથી વધુ બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ ગામડામાં રહીને અપાવ્યું છે. પતિ પ્રેરણાસ્ત્રોત, પુત્રએ પણ સાથ આપ્યો
સામાન્ય રીતે મોટાભાગની મહિલાઓ પોતાના ઘર પરિવારમાંથી ભાગ્યે જ ઈત્તર પ્રવૃત્તિઓ માટે સમય કાઢતી હોય છે. પરંતુ પતિ ડો. ભુપેન્દ્ર વોરાના પગલે ચાલીને સમાજસેવાને જ કેન્દ્રમાં રાખવાનો દ્રઢ નિર્ધાર કરનાર નીતાબેન વોરાની આ સેવાપ્રવૃત્તિ માટે તેમના પતિ પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. એટલું જ નહીં, પરંતુ ઓસ્ટ્રેલીયા ખાતે સ્થાયી થયેલા તેમનો પુત્ર ભવ્ય પણ સાથ સહકાર આપી રહ્યો છે. આર્થિક રીતે પણ ઘણી મદદ બાળકો માટે કરી રહ્યો છે. અનેકવિધ સંસ્થાઓમાં સેવા
પોરબંદરના નીતાબેન વોરા બગવદર ગ્રામોદ્યોગ સંકુલ અને નશાબંધી સંસ્કાર કેન્દ્રના વ્યવસ્થાપક છે, તે ઉપરાંત સાહેલ ગ્રામ સંસ્થાન વિકાસ ટ્રસ્ટ અને શ્રી કસ્તુરબા મહિલા ફાઉન્ડેશનના પ્રમુખ, ગવર્નિંગ બોડી આત્મા કૃષિ વિકાસ પ્રોજેક્ટના સભ્ય, જિલ્લા નિરંતર શિક્ષણ સાક્ષરતા સમીતી, મધ્યાહન ભોજન યોજના મોનીટરીંગ સમીટી, પી.એન.ડી.ટી. કમીટી, લીડ બેન્કના એન.જી.ઓ. પ્રતિનિધિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, લોકઅદાલત, પી.જી.વી.સી.એલ. ની સેક્સ્યુલ હેરેસમેન્ટ કમીટીના એન.જી.ઓ. પ્રતિનિધિ, જિલ્લા સખી મંડળ કચેરી તથા ભ્રુણ હત્યા અંતર્ગત બેટી બચાવો આરોગ્ય સમિતિ-બગવદરના પ્રતિનિધિ જેવી વિવિધ સંસ્થાઓ સાથે સેવાઓ આપી ચૂક્યા છે અને હાલમાં પણ વિવિધ  સંસ્થાઓ સાથે સંકળાઈને સેવા આપે છે.
અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા
નીતાબેન વોરાએ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના હસ્તે સખી શક્તિ ગૌરવ એવોર્ડ, તેજસ્વી પારસમણી સન્માન, સશક્ત મહિલા એવોર્ડ, અભિવાદન અર્ધ્ય એવોર્ડ, રૂા. 1 લાખનો ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર, સંપૂર્ણ શિક્ષા અભિયાન અંતર્ગત સાક્ષરતા એવોર્ડ અને ફૂલછાબ દ્વારા નારી ગૌરવ એવોર્ડ,ગ્રામીણ નારી સેવા એવોર્ડ જેવા એવોર્ડ પ્રાપ્ત  કર્યા છે.
આમ, નાના એવા ગામડામાં રહીને પણ બાળકોના શિક્ષણ અને નારી જાગૃતિ માટે અનેક પ્રયત્નો કરનાર નીતાબેન વોરાની દાસ્તાન ખરા અર્થમાં નારી શક્તિની મશાલ પ્રજ્જવલીત કરે છે. શહેરમાં રહીને જ સેવા આપવાને બદલે ગામડામાં રહીને પણ પોતાનુી જીંદગીના 34  વર્ષો સમર્પિત કરનાર આ મહિલાને સો..સો…સલામ…
મિત્રો પોરબંદર અચીવર્સ માં આવતા અઠવાડિયે ફરી પોરબંદર જીલ્લા ને ગૌરવ અપાવનાર એક નવી શખ્શિયત ની વાત લઇ ને મળીશું .
આપને આ આર્ટીકલ ગમ્યો હોય તો તેને વધુ ને વધુ લોકો સાથે શેર કરો
આ વિભાગ અંગે આપના સૂચનો અને પ્રતિભાવો આવકાર્ય છે.
આપના સૂચનો ઈમેઈલ થી porbandartimes@gmail.com પર મોકલી આપશો અથવા વોટ્સેપ પર ૯૯૨૪૧૮૭૩૮૩ નંબર પર પણ આપના સૂચનો જણાવી શકશો.

-નિપુલ પોપટ 

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે