Saturday, April 20, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ભાવનગર અને ગોંડલના રાજ પરિવારોએ પોરબંદરની મુલાકાત લઈ શહેર ની ઐતિહાસિક ઈમારતોની જાળવણી માટે ચર્ચાઓ કરી

પોરબંદર

આઝાદી પહેલાં દેશમાં રાજાશાહી અમલમાં હતી ત્યારે પોરબંદર,ભાવનગર, ગોંડલ સહિતના મહારાજાઓની લોકપ્રિય અને પ્રજાવત્સલ રાજાઓમાં ગણનાં થતી હતી.565 દેશી રજવાડાઓમાંથી સર્વ પ્રથમ પોતાનું રજવાડું આઝાદ ભારતમાં વિલીન કરવા વાળું ભાવનગર હોય કે પછી આજથી 100 વર્ષ પહેલાં મફત અને ફરજીયાત કન્યા કેળવણીના હિમાયતી, જેને પોતાના રાજભવનમાં જરૂરી સુખાકારી રાખી બાકીની મિલ્કત શાળાઓ,દવાખાનાઓ વગેરેમાં પ્રજાની સુખાકારી માટે અર્પણ કરનાર ગોંડલ સ્ટેટ હોય,કે પછી જ્યાં પોતાનું બાળપણ વીત્યું હોય તેવો 65 એકરમાં જમીન સાથે દરિયા મહેલ એકપણ ક્ષણનો વિચાર કર્યા વગર પોતાની જનતાના બાળકોના શિક્ષણ માટે અર્પણ કરતું આપણું પોરબંદર સ્ટેટ હોય.

તેવા પ્રજાવત્સલ રાજવીઓના વારસદારો એટલે કે ભાવનગરના મહારાજ રાવલ વિજયસિંહજી ગોહિલના સુપુત્રી બ્રિજેશ્વરી ગોહિલ, ગોંડલ સ્ટેટના રાજકુમાર જ્યોતિર્મયસિંહજી જાડેજા તથા ગોંડલના રાજવૈદ અને ભુવનેશ્વરી પીઠના અધ્યક્ષ ડો. રવિદર્શન વ્યાસ સહિત પોરબંદરની ખાસ મુલાકાતે પધાર્યા હતા.અને પોરબંદરની રાજાશાહી વખતની ઐતિહાસિક ઇમારતો બચાવવા મુહિમ ચલાવતી પોરબંદર કન્ઝર્વેટરી સંસ્થાના હોદ્દેદારો સાથે રાજમહેલ ખાતે એક ખાસ બેઠક યોજી હતી.

ભાવનગર સાથે પોરબંદરનો ખુબ જૂનો નાતો છે.મહારાણા નટવરસિંહજી જેઠવા સાહેબના માતુશ્રી રાજમાતા રામબા સાહેબ ભાવનગરના મહારાજા રાવલ તખ્તસિંહજીના દીકરી હતા.તેઓના લગ્ન પોરબંદરના મહારાણા ભાવસિંહજી જેઠવા સાથે થયા હતા.આમ આજથી પાંચમી પેઢીએ એટલે કે ભાવનગર મહારાજ કુમારી બ્રિજેશ્વરી ગોહિલ તેઓ પોતાના પૂર્વજોએ આપેલા વારસાના જતન અને સંવર્ધન માટે ભાવનગર હેરિટેજ પ્રિઝર્વેશન સોસાયટી ચલાવી રહ્યા છે.

તેવી જ રીતે ગોંડલ મહારાજાને યાદ કરીએ એટલે આપણી સ્મૃતિમાં રાજભવન,ગોંડલની નગરરચના,શાળા,દવાખાનું ભગવત રંગમંચ આવી અનેક યાદીઓ નજર સામે તરી આવે.અને એ બધા કરતાં સૌથી મહત્વનું જ્યાં સ્ત્રીને સીધી આઝાદી ન મળે ત્યાં સુધી દેશને આઝાદી મળી નથી.તેવું માનવા વાળા અને તેનું રાજમાં અમલ કરાવવા વાળા મહારાજા ભગવતસિંહજી જાડેજા કે જેઓએ ભગવત ગૌ મંડલમની રચના કરી જેમાં 281377 શબ્દો,8 લાખથી વધારે અર્થો અને 28 હજારથી વધારે રૂઢિપ્રયોગો આવેલા છે.

ગુજરાત હાઇકોર્ટમાં પણ કોઈ શબ્દનો અર્થ જોવાનો હોય તો ગૌ મંડલમનો રેફરન્સ માન્ય ગણાય છે.તેવા ગોંડલ સ્ટેટના રાજકુમાર જ્યોતિર્મયસિંહ જાડેજા કે જેઓ પણ પૂર્વજોના ઐતિહાસિક વારસાને જાળવી રાખવા ગોંડલ હેરિટેજ સોસાયટી ચલાવી રહ્યા છે.આ ઉપરાંત હાલના સમયમાં કલા,આયુર્વેદથી લોકો દૂર થતાં જાય છે ત્યારે ગોંડલના રાજવૈદ ડો. રવિદર્શન વ્યાસ કે જેઓ ખૂબ જ જૂની અને પ્રચલિત રાજા રવિ વર્માની પેઇન્ટિંગ શૈલી જેવા ચિત્રો બનાવે છે.અને દેશ વિદેશમાં આ ચિત્રોનું પ્રદર્શન પણ થયેલું છે.આ ત્રણેય રાજઘરેણા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા.

ભાવનગર અને ગોંડલના રાજ પરિવારના સભ્યો પોરબંદરની ખાસ મુલાકાતે પધાર્યાં હતા,ત્યારે આપણા દરિયા મહેલ (આરજીટી કોલેજ)ના થઇ રહેલા નવીનીકરણની વિઝીટ કરી ખૂબ પ્રભાવિત થઈ આ મહેલના રિસ્ટોરેશન માટે પોરબંદર કન્ઝર્વેટરી સંસ્થાના સભ્યોએ કરેલ મહેનતને દિલથી બિરદાવી હતી.અને પોરબંદરના રાજાશાહી વખતના ઐતિહાસિક બિલ્ડીંગોને બચાવી રાખવાની મુહિમમાં પોરબંદર કન્ઝર્વેટરી ગ્રૂપને ગોંડલ અને ભાવનગર સ્ટેટ તરફથી સંપૂર્ણ સાથ સહકાર આપવાની ખાત્રી આપી હતી.આગામી સમયમાં પોરબંદર કન્ઝર્વેટરી ગ્રુપ દ્વારા પોરબંદર, ભાવનગર અને ગોંડલ સ્ટેટ ત્રણેય સાથે સંકલનમાં રહીને રાજાશાહી વખતની આપણી ધરોહર સમાન ઇમારતો બચાવવા મુહિમ હાથ ધરવામાં આવશે તેવું પણ આ મિટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું.

ગોંડલ અને ભાવનગરના રાજપરિવારોની પોરબંદર મુલાકાત સમયે કન્ઝર્વેટરી ગ્રુપના હિરલબા જાડેજા,ડો. સુરેશભાઈ ગાંધી,લાખણશી ગોરાણીયા,નિશાંત બઢ,રાજેશભાઈ લાખાણી,પંકજ ચંદરાણા,પૂજન કવા,વીનેશ ગોસ્વામી,આરીફ રાઠોડ,નિધિબેન શાહ,નિવેદિતાબેન જોશી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.રાજમહેલ ખાતે પધારેલા મહેમાનોનું સુમનસિંહ ગોહિલે ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે