Friday, April 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઇ:આંગણવાડીના ૧૪ બહેનોને માતા યશોદા એવોર્ડ,વ્હાલી દિકરી યોજના સહીત વિવિધ યોજનાના લાભાર્થી બહેનોને સહાય,ચેક વિતરણ કરાયા

પોરબંદર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ પોરબંદર દ્વારા શહેરના તાજાવાલા હોલ ખાતે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી અતર્ગત સમાજની પ્રતિષ્ઠિત મહિલાઓને મોમેન્ટો આપી શાલ ઓઢાડીને સન્માન કરવાની સાથે જિલ્લામાં ઉત્તમ કામગીરી કરનાર આંગણવાડીની ૧૪ મહિલા તેડાગર-કાર્યકર બહેનોને માતા યશોદા એવોર્ડ એનાયત કરીને સન્માન કરાયા હતા.આ તકે જુદા જુદા ક્ષેત્રે સન્માનિત મહિલાઓએ મહિલા સશક્તિકરણ- જાગૃતિલક્ષી વક્તવ્ય આપ્યું હતું. તથા વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજનાના લાભાર્થીઓને ચેક/સહાય/ આદેશ વિતરણ કરવાની સાથે કોવિડ-૧૯મા ઉત્તમ કામગીરી કરનાર આંગણવાડીની મહિલા કાર્યકરને શાલ ઓઢાડી મોનેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ડીવાયએસપી જુલીબેન કોઠીયાએ પ્રેરક ઉદબોધનમા મહિલાલક્ષી કાયદાઓની જાણકારી આપવાની સાથે સર્વાંગી શિક્ષણ પર ભાર મૂકી કહ્યું કે,”બહેનોએ મેક-અપ કરવાની કોઇ જરુરી નથી…આપણું શિક્ષણ એ જ આપણું સૌંદર્ય છે!”.સ્ત્રીઓને સમાજમાં શિક્ષણ,આત્મવિશ્વાસ અને આત્મસન્માન મળે તે ખૂબ જરૂરી છે.

પોરબંદરના જાણીતા ગાયનેક ડૉ. સુરેખાબેન શાહે આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઐતિહાસિક મહત્વની વાત કરી કહ્યું કે, મહિલાઓએ આર્થિક રીતે આત્મનિર્ભર બનવું જરૂરી છે, આ માટે એક મહિલા અન્ય મહિલાને આત્મનિર્ભર બનવા મદદ કરી સંગઠિત થાય તે જરૂરી છે.

આ પ્રસંગે બાળકી પ્રિન્સી જેઠવાએ યોગ નિદર્શન તથા અન્ય કિશોરીઓએ કુડો નિદર્શન કર્યુ હતુ. ઉપરાંત કોવિડ/ રસિકરણની ગમગીરી કરનાર મહિલા આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરાયું હતું. વિવિધ સ્પર્ધામાં વિજેતા વિધાર્થિનીઓનું સન્માન કરાયું હતું. લેડી હોસ્પીટલ ખાતે આજે જન્મેલી બાળકીઓને મહિલા અને બાળ વિભાગ દ્રારા વધામણા કીટ આપી દિકરીના જન્મને વધાવ્યો હતો. આ તકે નિરાધાર મહિલાના પુન:સ્થાપન બાબતે પુન: લગ્ન કરેલ લાભાર્થીએ રૂપલ બહેને સાફલ્ય ગાથા રજુ કરી હતી.

પોરબંદર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા વહિવટી તંત્ર દ્રારા મંચ પર જુદા જુદા ક્ષેત્રે અગ્રેસર મહિલાઓને સ્થાન અપાયું હતું. અને સમગ્ર કાર્યક્રમનુ સંચાલન પણ મહિલાઓએ જ કર્યુ હતુ. તથા વકતવ્ય પણ મહિલાઓ દ્રારા જ અપાયા હતા. મંચ પર સિવિલ સર્જન દિવ્યાબેન, મુ્ખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, આઇસીડીએસના ચેરમેન લક્ષ્મીબેન મોરી, ડો. લીઝાબેન ધામેલીયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

મહિલાઓને મુખ્ય સ્ટેજ પર સ્થાન આપવા બદલ જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરા બેન સાવંતે સ્વાગત પ્રવચનમા જિલ્લા કલેકટર, ડીડીઓનો આભાર પણ વ્યક્ત કરવાની સાથે ઉપસ્થિત મહિલાઓને આવકાર્યા હતા.જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,આઇસીડીએસના જિલ્લા પ્રોગ્રામ અધિકારી સહિત મહેમાનો તથા બહોળી સંખ્યામા બહેનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની આભારવિધિ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી દ્રારા કરાયુ હતુ. આ પ્રસંગે આઇસીડીએસ તથા મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓના સ્ટોલ બનાવીને બહેનોને સરકારની આ યોજનાઓથી માહિતગાર કરાયા હતા. જિલ્લા આરોગ્યની ટીમ દ્રારા તમામ બહેનોનુ હેલ્થ સ્ક્રીનીંગ કરાયુ હતુ. કાર્યક્રમનુ સંચાલન પ્રીતિબેન કોટેચા તથા જલ્પાબેન ગાંડેચા દ્રારા કરાયુ હતુ. આજનો કાર્યક્રમ અનેક રીતે વિશિષ્ટ અને અવિસ્મરણીય હતો. નિમંત્રણ કાર્ડ અને સ્ટેજ પર નારીશક્તિ બિરાજમાન હતી.મહાનુભાવોમા પાંચ મહિલા ડોકટર હતા. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ નિહાળવાની સાથે કાર્યક્રમમા ઉપસ્થિત સૈાએ નારી શક્તિ પ્રતિજ્ઞા લીધી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે