પોરબંદર

પોરબંદર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલી મેડિકલ કોલેજને ફીઝીકલ વિઝીટ બાદ કેન્દ્રીય ટિમ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.જેથી જેસીઆઈ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને ફેર વિચારણાં માટે રજુઆત કરાઈ છે.

પોરબંદર જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલી મેડિકલ કોલેજને ફીઝીકલ વિઝીટ બાદ કેન્દ્રીય ટિમ દ્વારા નામંજૂર કરવામાં આવી છે.

થોડા સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા પોરબંદર જિલ્લામાં મેડિકલ કોલેજને મંજૂરી આપી હતી.આ મેડિકલ કોલેજ બન્યા પછી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને વધુ સારી સારવાર અને આધુનિક સુવિધાઓ મળશે તેવી પોરબંદરની જનતાને આશા હતી.પરંતુ હાલ કેન્દ્રીય ટિમ દ્વારા આ આશાને નિરાશામાં ફેરવી નાખવામાં આવી છે.

ગત વર્ષે પોરબંદર સહિતના કુલ પાંચ જિલ્લામાં રાજ્ય સરકારે મેડિકલ કોલેજો મંજુર કરેલ, ત્યાર બાદ આ મેડિકલ કોલેજોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવર સહિતની તમામ બાબતોની ચકાસણી માટે NMC નેશનલ મેડિકલ કાઉન્સિલની કેન્દ્રીય ટિમ દ્વારા પોરબંદર સરકારી હોસ્પિટલની વિઝીટ કરવામાં આવી હતી. વિઝીટ બાદ આ ટીમે પોરબંદરમાં મેડિકલ કોલેજ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવર સહિત માળખાકીય સુવિધાઓ પર્યાપ્ત નહીં હોવાનો રિપોર્ટ કરી રાજય સરકાર દ્વારા મંજુર થયેલ મેડિકલ કોલેજને ના મંજુર કરવામાં આવી છે.

NMC (નેશનલ મેડિકલ કાઉન્સિલ) દ્વારા પોરબંદરની મેડિકલ કોલેજને ના મંજૂર કરવામાં આવતાં જેસીઆઈ પોરબંદર ના સ્થાપક પ્રમુખ લાખણશી ગોરાણીયા અને પ્રમુખ હાર્દિક મોનાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી પોરબંદરને મહાત્મા ગાંધીની જન્મભૂમિના નાતે પણ મેડિકલ કોલેજની તાત્કાલિક મંજુરી આપવા બંને સરકારે સંકલન કરી ફેર વિચારણાં માટે રજુઆત કરી છે.