પોરબંદર

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મોતિયા-અંધત્વમૂક્ત ગુજરાતની ઝુંબેશનો ગાંધીનગરથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જે સંદર્ભે જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ પોરબંદર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા જિલ્લામાં ઘર-ઘર સર્વે માટે ૧૮૦ થી વધુ આશા વર્કર બહેનોની ટીમ તૈયાર કરવામાં આવી છે.હાલ જિલ્લાનાં છ ગામોને મોતિયા-અંધત્વમૂક્ત જાહેર કરાયા છે.જ્યારે અન્ય ગામોનો સર્વે હાથ ધરાશે.

જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ પોરબંદર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં સંયુક્ત ઉપક્રમે પોરબંદર જિલ્લામાં ઘર-ઘર સર્વે માટે આશા બહેનોને તાલીમ આપી ઇ-ચાર્ટ અપાયા છે.

માનવ શરીરમાં આંખ ખૂબ જ મહત્વનું અને નાજુક અંગ છે. જે આંખ થી આપણે સુંદર દુનિયા જોઇ શકીએ છીએ તે જ અંખમાં કઇક કચરો પડે તો સતત દુખાવો થતો હોય છે. માનવ શરીર જેમ જેમ વૃધ્ધત્વ તરફ જાય તેમ તેમ શરીરમાં જુદી-જુદી બિમારીઓ આવતી હોય છે. પ્રોઢ કે વૃધ્ધ લોકો મોતિયાની પરેશાનીનો સામનો કરતા જોવા મળતા હોય છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ગુજરાતને “મોતિયા-અંધત્વમૂક્ત ગુજરાત ” અભિયાન રાજ્યવ્યાપી શરૂ કર્યુ છે. આ અભિયાનને સાર્થક કરવા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની ટીમ કાર્યરત છે. આ માટે આશા વર્કર બહેનો ઘરે-ઘરે સર્વે કરીને મોતિયાનાં દર્દીઓને તાલુકા લેવલ પર રીફર કરવા ત્યારબાદ જરૂર જણાયે જિલ્લા હોસ્પિટલ પર દર્દીઓને રીફર કરીને તેઓની આંખનું વિનામૂલ્યે ઓપરેશન કરાશે.

આંખ વિભાગનાં ડો.વિભૂતિબેન કોરીયાએ કહ્યુ કે, પોરબંદર જિલ્લાને મોતિયા-અંધત્વમૂક્ત કરવા અમે કટીબધ્ધ છીએ. હાલ છ ગામ એવા છે જ્યા એકેય મોતિયાના કેસ નથી જેથી તે ગામને કેટરેક્ટ બેકલોગ ફ્રી જાહેર કરાયા છે. જ્યારે અન્ય ગામોનો સર્વે હાથ ધરાશે.