પોરબંદર

કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમે બાતમી ના આધારે ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ માંથી ૨૮૦ કરોડ ની કીમત ના ૫૬ કિલો ડ્રગ્સ સાથે ૯ પાકિસ્તાની શખ્સો ને ઝડપી લીધા છે.

કોસ્ટગાર્ડ ને તા 24 એપ્રિલ ની રાત્રિ દરમિયાન ભારતીય સમુદ્રી સીમાની અંદર અંદાજે 5 નોટિકલ માઇલ ના અંતરે એક બોટની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી.આ બોટની નજીક આવેલા કોસ્ટગાર્ડ ના જહાજે તેને તપાસ માટે રોકાવાનો નિર્દેશ આપ્યો હતો.જો કે, બોટને પડકારવાથી બોટ માં રહેલા કૃમેમ્બરો એ બોટમાં રહેલા બંડલો પાણીમાં નાંખી દીધા હતા અને ત્યાંથી નાસી છૂટવાનું શરૂ કર્યું હતું.શંકાના આધારે કોસ્ટગાર્ડ ના જહાજે તાત્કાલિક સમુદ્રમાં તરી રહેલા બંડલો લઇ એકઠા કરી લીધા હતા.જેમાં નાર્કોટિક્સ હોવાની પુષ્ટિ થઇ હતી.

સમુદ્રમાં કઠિન સ્થિતિ હોવા છતાં,કોસ્ટગાર્ડ જહાજે આ વિસ્તારમાં રહેલી બોટનો પીછો કર્યો હતો.શંકાસ્પદ બોટ કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવેલી તમામ ઓડિટરી અને વિઝ્યુઅલ ચેતવણીઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી હતી, આથી આસપાસમાં વોર્નિંગ શોટ્સ ફાયર કરવામાં આવ્યા હતા.જેથી નાસી રહેલી બોટને અટકાવી શકાય.શોટ્સ ફાયર કરવાથી,બોટ રોકાઇ ગઇ હતી.ત્યાર બાદ કોસ્ટગાર્ડ જહાજે બોટને આંતરી લીધી હતી.અને તેમાં સવાર ક્રૂની ધરપકડ કરી હતી.

ત્યારબાદ,કોસ્ટગાર્ડ જહાજ દ્વારા નાર્કોટિક્સની ગેરકાયદે હેરાફેરીમાં સામેલ આ બોટને પ્રાથમિક પુરાવા તરીકે ભારતીય સમુદ્ર સીમાની અંદર ટોઇંગ કરીને લઇ જવામાં આવી હતી.આ બોટ પાકિસ્તાન ની “અલ હજ “ નામની બોટ હોવાનું સામે આવ્યું હતું.અને બોટ માં અંદાજે ૨૮૦ કરોડ ની કીમત નો ૫૬ કિલો નારકોટીકસ ડ્રગ્સ નો જથ્થો કબજે કરાયો હતો.આ બોટને જખૌ ખાતે લઇ જવામાં આવી હતી જ્યાં તમામ સુરક્ષા એજન્સીઓ વધુ તથ્યો જાણવા માટે સંયુક્ત તપાસ કરશે.છેલ્લા 7 મહિનામાં ભારતીય તટરક્ષક દળ અને એટીએસ ગુજરાત દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલું આ ત્રીજું ઓપરેશન છે.